નાયડુ, સરોજિની (. 13 ફેબ્રુઆરી 1879, હૈદરાબાદ; . 2 માર્ચ 1949, લખનૌ) : અંગ્રેજી ભાષાનાં સમર્થ ભારતીય કવયિત્રી,  સ્વાતંત્ર્યસેનાની, પ્રથમ મહિલા રાજ્યપાલ. વૈજ્ઞાનિક અને કેળવણીકાર અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના બ્રાહ્મણ કુટુંબમાં સરોજિની જન્મ્યાં હતાં. માતા વરદાસુંદરી કવયિત્રી હતાં. પિતાએ સંતાનોને હિંદુ કે બ્રાહ્મણ તરીકે નહિ, પરંતુ ભારતીય તરીકે ઉછેર્યાં હતાં અને ભારત માટે જીવન સમર્પણ કરવાની શીખ આપી હતી. સરોજિની 12 વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષામાં મદ્રાસ ઇલાકામાં પ્રથમ આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે 1895માં ઇંગ્લૅન્ડ જઈને લંડનની કિંગ્ઝ કૉલેજ તથા કેમ્બ્રિજની ગિરટન કૉલેજમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન તે એડમંડ ગૉસ અને આર્થર સાયમન્સ જેવા જાણીતા સાહિત્યકારોના સંપર્કમાં આવ્યાં. તેમણે અંગ્રેજીમાં કવિતા લખવાની શરૂઆત અગાઉથી કરી હતી. તે પછી ‘ધ લેડી ઑવ્ ધ લેક’ શીર્ષક હેઠળ 1,300 પંક્તિઓની કવિતા તથા 2,000 પંક્તિઓનું નાટક લખ્યું. તેમણે 1905માં ‘ધ ગોલ્ડન થ્રેશોલ્ડ’, 1912માં ‘ધ બર્ડ ઑવ્ ટાઇમ’, અને 1917માં ‘ધ બ્રોકન વિંગ’ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા.

તેમણે 1917 પછી રાજકારણમાં ભાગ લેવા માંડ્યો અને કાવ્યલેખન બંધ થયું. તેમણે ડૉ. ગોવિંદ રાજુલુ નાયડુ નામના અ-બ્રાહ્મણ સાથે 1898માં લગ્ન કર્યાં, જે તે સમયે નોંધપાત્ર બનાવ ગણાયો હતો.

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના 1906માં કૉલકાતા ખાતે મળેલા અધિવેશનમાં સરોજિનીએ કરેલા ભાષણમાંની તેમની વક્તૃત્વકલા તથા તેજસ્વિતાને પારખીને ગોપાળ કૃષ્ણ ગોખલેએ તેમને માતૃભૂમિની સેવા કરવા સૂચવ્યું. ઈ. સ. 1908માં ચેન્નાઈમાં મળેલા વિધવાપુનર્લગ્ન માટેના મહિલાઓના અધિવેશનમાં તેમણે સ્ત્રીઓની ચળવળ માટે પાયાની કામગીરી કરી. પ્લેગના રોગચાળા દરમિયાન તેમણે કરેલી નોંધપાત્ર સેવાની કદર રૂપે તેમને હૈદરાબાદમાં ‘કૈસરે હિંદ’નો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. તેઓ હિંદુ–મુસ્લિમ એકતાનાં હિમાયતી હતાં અને તે માટે પ્રવૃત્તિશીલ રહ્યાં હતાં. ઈ. સ. 1915થી 1918 દરમિયાન તેમણે ભારતનાં વિવિધ નગરોમાં યુવકકલ્યાણ, શ્રમનું ગૌરવ, મહિલાઓની મુક્તિ તથા રાષ્ટ્રવાદ વિશે વ્યાખ્યાનો આપ્યાં. તેમણે મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડના સુધારા તથા રૉલેટ કાયદાનો વિરોધ કર્યો. જલિયાંવાલા બાગના હત્યાકાંડ તથા અમૃતસરમાં લશ્કરી કાયદા વિરુદ્ધ તેમણે ધારદાર પ્રવચનો કર્યાં અને પ્રતિબંધિત સાહિત્ય વહેંચ્યું. સરકારને તેની જુલમી નીતિના વિરોધમાં તેમણે ‘કૈસરે હિંદ’નો ચંદ્રક પરત કર્યો.

સરોજિની નાયડુ

1920માં તેઓ મુંબઈ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ બન્યાં અને તેમણે ગ્રામીણ વિસ્તારનો પ્રવાસ કરીને લોકોમાં જાગૃતિ ફેલાવી. ઈ. સ. 1925માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખપદે ચૂંટાયાં.

દક્ષિણ આફ્રિકાના ભારતીયોની માગણીઓને તેમણે ટેકો આપ્યો અને ત્યાં ગયાં ત્યારે ભારતીયોએ તેમનું ભવ્ય સન્માન કર્યું. ઈ. સ. 1929માં તેમણે મૉમ્બાસામાં ઈસ્ટ આફ્રિકા ઇન્ડિયન કૉંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યું અને ત્યાં ભારતીયોના ઉત્કર્ષ માટે પ્રવચનો આપ્યાં.

તેમણે સવિનય કાનૂનભંગની ચળવળ(1930–32)માં ધરાસણાના મીઠાના અગરો પર હુમલો કરવા માટે સ્વયંસેવકોનું નેતૃત્વ સંભાળ્યું હતું. 1942માં ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન તેમની ધરપકડ કરીને આગાખાન મહેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં. આ દરમિયાન તેમણે કસ્તૂરબા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈના અવસાનસમયે તથા ગાંધીજીના ઉપવાસ દરમિયાન તેમની સારવાર ને સેવા કરી હતી.

સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ તેમને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશનાં પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે નીમવામાં આવ્યાં. 1947માં તેમણે એશિયન રિલેશન્સ કૉન્ફરન્સનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેઓ રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું.

ઉષા ઘનશ્યામભાઈ ભટ્ટ