નાયગરા ધોધ : યુ.એસ. અને કૅનેડાની સરહદ પરની નાયગરા નદી પર આવેલો ધોધ. તેમજ અદભુત પ્રાકૃતિક પર્યટન સ્થળ. યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા નાયગરા ફૉલ્સ નગર તથા કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં આવેલા તે જ નામના નગર વચ્ચે, ઉત્તર અમેરિકાના ઈરી સરોવર તથા ઑન્ટારિયો સરોવરની બરોબર વચ્ચોવચ તે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 43° 10´ ઉ. અ. અને 79° 00´ પ. રે.. વાસ્તવમાં નાયગરાનો ધોધ હૉર્સ શૂ ધોધ અને અમેરિકન ધોધ એવા બે ભાગમાં વહેંચાયેલો છે. 792 મીટર પહોળાઈ ધરાવતો અને 51 મીટર ઊંચાઈએથી પડતો હૉર્સ શૂ ધોધ કૅનેડાની સરહદમાં ઑન્ટારિયો પ્રાંતમાં આવેલો છે. જ્યારે 305 મીટર પહોળાઈ ધરાવતો અને 54 મીટર ઊંચાઈએથી પડતો અમેરિકન ધોધ યુ.એસ.ની સરહદમાં ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલો છે. 85 % જળપાત હૉર્સ શૂ ખાતેથી અને બાકીનો 15 % જળપાત અમેરિકન ધોધ ખાતેથી થાય છે. ધોધના ઉપરવાસમાં નાયગરામાં નદીની પહોળાઈ 1.6 કિમી. જેટલી છે. ઉત્તર દિશા તરફ 57 કિમી. વહીને સમુદ્રસપાટીથી 174 મીટરનું ઊંચાણ ધરાવતા ઈરી સરોવરમાંથી સમુદ્રસપાટીથી 74 મીટરનું ઊંચાણ ધરાવતા ઑન્ટારિયો સરોવરમાં આ ધોધ તેનાં જળ ઠાલવે છે, જેને લીધે બે સરોવરો વચ્ચે સામુદ્રધુનીરૂપી, માત્ર 56 કિમી. લંબાઈની નાયગરા નદીનો કુલ જળપાત મૂળથી મુખ સુધી 99 મીટર જેટલો થાય છે. નાયગરા નદીના અમેરિકી વિસ્તારમાં 21,90,000 કિવૉ. ક્ષમતા ધરાવતું રૉબર્ટ આર. મોઝેસ નાયગરા જળવિદ્યુત-મથક છે, જ્યારે કૅનેડા વિસ્તારમાં 18,15,000 કિવૉ. ક્ષમતા ધરાવતાં બે જળવિદ્યુત-મથકો ઊભાં કરવામાં આવ્યાં છે.

ધસમસતા જલપ્રવાહને ઠાલવતો નાયગરા ધોધ

ધોધના સ્થળ પર નદીનાં જળનો પ્રવાહ સીધી કરાડની ધાર પરથી નીચેના કોતરમાં પડે છે. કોતર ત્યાંથી 11 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલું છે, જેના પટમાં જળપ્રપાતો (rapids) એક પછી એક સોપાનોમાં 5 કિમી. સુધી ચાલુ રહે છે. ધસમસતા જળપ્રવાહથી નદીનો પટ થાળા-સ્વરૂપમાં કોતરાઈ ગયેલો છે. કોતરની ઊંડાઈ આશરે 60 મીટર જેટલી છે.

ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં અહીં ઉપરથી નીચે તરફ અલગ અલગ બંધારણવાળા ખડકપડો આવેલાં છે. સૌથી ઉપરનું પડ 25 મીટરની જાડાઈવાળા સખત ચૂનાખડકથી બનેલું છે, તેની નીચે નરમ ચૂનાખડક, રેતીખડક અને શેલનાં પડ આવેલાં છે. નીચેનાં મૃદુ પડ જળઘર્ષણથી ઘસાઈ ગયાં છે, ઉપરનું સખત પડ જળવાઈ રહ્યું છે. અમેરિકન ધોધની પાછળ ‘કેવ ઑવ્ વિંડ્ઝ’ (પવનનિર્મિત ગુફા) આવેલી છે, જે સખત ચૂનાખડકની છાજલી પર વિસ્તરેલી છે.

ધોધના ઉદભવ પછીનાં વર્ષો દરમિયાન આ કોતર ક્રમશ: લાંબું ને લાંબું બનતું ગયું છે. નીચે તરફ જોશથી પડતું જતું અને કોતરમાં ભરાતું જતું જળ નીચેનાં મૃદુ પડને ઘસતું ગયું છે, સૌથી ઉપરનું પડ ક્રમશ: છાજલીની માફક વિસ્તરતું રહ્યું છે, જ્યારે જ્યારે આધાર ગુમાવ્યો ત્યારે તે તૂટી પડ્યું છે. નાયગરા ધોધ અગાઉનાં વર્ષોમાં લૂઇસ્ટન ખાતે હતો, પરંતુ ક્રમે ક્રમે તે આશરે 11 કિમી. પાછળ ઈરી સરોવર તરફ ખસ્યો છે. હૉર્સ શૂ ધોધ દર વર્ષે આશરે 8 સેમી.ના દરથી ઘસાતો જાય છે, કારણ કે તેના પરથી વધુ જળપ્રવાહ પસાર થાય છે; અમેરિકન ધોધ દર વર્ષે 2.5 સેમી.ના દરથી ઘસાય છે, કારણ કે તેના પરથી ઓછો જળપ્રવાહ પસાર થાય છે.

નાયગરા ધોધ આખાય વર્ષ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. આ ધોધ નિહાળવા માટે દર વર્ષે દુનિયાભરમાંથી લગભગ એક કરોડ જેટલા પ્રવાસીઓ આવે છે, જોકે મોટા ભાગના પ્રવાસીઓ એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન આવે છે. ધોધમાંથી ધસમસતા જળપ્રવાહ અને તેમાંથી ઊડતા જળશીકરોનો આનંદ માણવા ઘણી સ્ટીમરો પર્યટકોને ધોધના તળભાગમાં ઘૂમરાતાં જળ સુધી પણ લઈ જાય છે. પ્રૉસ્પેક્ટ પૉઇન્ટ, ટેરાપીન પૉઇન્ટ અને ટેબલ-રૉક અહીંનાં એવાં સ્થળ ગણાય છે જ્યાંથી ધોધ સારી રીતે જોઈ શકાય છે. આ ઉપરાંત અહીં 85થી 150 મીટર ઊંચાં નિરીક્ષણ ટાવર પણ બાંધ્યા છે, જ્યાંથી ધોધનું સારી રીતે દર્શન થઈ શકે છે. 2014ના જાન્યુઆરીમાં  20° સે. તાપમાન થવાથી આ ધોધનાં ખાબકતાં પાણી ઠરીને બરફમાં રૂપાંતર પામી ગયાં હતાં.

યુ.એસ. અને કૅનેડાનાં જળવિદ્યુત-મથકો માટે નાયગરા નદીના જળધોધ સુધી પહોંચે તે અગાઉ બોગદાં મારફતે કેટલુંક જળ વાળી લેવામાં આવે છે. ધોધના દૃશ્યની ભવ્યતા જાળવી રાખવાના હેતુથી તેમજ પર્યટકોની માગણીને સંતોષવા માટે બંને દેશોએ કેટલો જળપ્રવાહ વાળવો તે અંગે કરાર કર્યા છે. પ્રવાસીઓની ઋતુ દરમિયાન તેમજ દિવસના સમય દરમિયાન દર સેકંડે ઓછામાં ઓછું 2,800 ઘનમીટર જળ ધોધ પરથી પસાર થવા દેવું; બાકીના સમય દરમિયાન જળપ્રવાહનું પ્રમાણ દર સેકંડે ઓછામાં ઓછું 1,400 ઘનમીટર જેટલું જાળવી રાખવું. બંને દેશોનું બનેલું સંયુક્ત પંચ ધોધના વિસ્તારનું સંચાલન કરે છે, ધોધના વિસ્તારમાં પ્રદૂષણ અટકાવવા માટેનાં પગલાંનો અમલ કરાવે છે, તથા પર્યટકો માટેની સુવિધાઓ પર દેખરેખ રાખે છે. રોજ રાત્રે ધોધમાંથી પડતા પ્રવાહ પર રંગબેરંગી પ્રકાશપુંજની યોજના કરવામાં આવેલી છે, તે વખતે તેનું દૃશ્ય અત્યંત મનોહારી હોય છે.

ઉત્પત્તિ : આ વિસ્તારમાંથી પ્લાયસ્ટોસીન કાળના છેલ્લા હિમપટનું ગલન થઈ ગયા પછી એટલે કે આશરે 12,000 વર્ષ અગાઉ સંભવત: નાયગરા ધોધનો ક્રમશ: ઉદભવ થયો ગણાય છે. ગલન પામી ગયેલા હિમજથ્થામાંથી ઈરી સરોવરમાં જળનો ભરાવો થયેલો. સરોવર ઊભરાયેલું. તેમાંથી નાયગરા નદી ઉત્પન્ન થઈ. તે વખતે નદી ઉત્તર તરફ વહેવા માંડેલી. નાયગરા સમુત્પ્રપાત (escarpment) તરીકે ઓળખાતી ભેખડોની ઉપર તરફ થઈને તેનું વહન થયેલું. સૈકાઓ સુધી અહીંના ખડકપટનું ખોતરાવાનું ચાલુ રહ્યું. આમ નાયગરા ધોધની ઉત્પત્તિ થયેલી છે.

ઇતિહાસ : અહીં સર્વપ્રથમ યુરોપિયનો આવ્યા તે અગાઉ આ વિસ્તારમાં ‘ઇન્ડિયન’ જાતિઓ વસતી હતી. ધોધનું આ ‘નાયગરા’ નામ ઇરૉક્વૉઇસ ઇન્ડિયન શબ્દ ઑન્ગીઆરા (Onguiaahra) (સામુદ્રધુની) પરથી ઊતરી આવેલું છે. રોમન કૅથોલિક પાદરી લુઈ હેનપીને ફ્રેન્ચ આરોહક રૉબર્ટ કેવેલિયર સાથે અહીં સફર કરેલી. હેનપીનનું નાયગરા ધોધ વિશેનું લખાણ હેવાલ રૂપે મળે છે. 1683માં પ્રકાશિત થયેલા પુસ્તકમાં હેનપીન જણાવે છે તેમ, આ ધોધનાં જળ પ્રચંડપણે ફીણ સ્વરૂપે ઊછળે છે અને સતત ગર્જના થયા કરે છે. 19મી સદીમાં ઘણી સંખ્યામાં પ્રવાસીઓએ નાયગરા ધોધની મુલાકાત લીધેલી. આથી તેમની સુવિધા માટે અમેરિકા અને કૅનેડાએ ઘણી હોટેલો બાંધી છે અને સગવડો વિકસાવી છે. નાયગરા નદીના કિનારાની આજુબાજુ અસંખ્ય ઉદ્યોગોનો વિકાસ થયો છે. ઘણા લોકો એમ માને છે કે આ ઔદ્યોગિક વિકાસથી ધોધના દૃશ્યની નૈસર્ગિક રમણીયતા અને ભવ્યતામાં ઘટાડો થયો છે. 1885માં ન્યૂયૉર્ક રાજ્ય-સરકારે અમેરિકન ધોધની સરહદે આવેલા ભાગનો કબજો મેળવી ત્યાં 174 હેક્ટર ભૂમિ પર ઉદ્યાનો વિકસાવ્યા. 1880થી 1890ના દાયકા દરમિયાન કૅનેડાએ અહીંની ઘણી બધી ભૂમિ ઉદ્યાનો માટે અનામત રાખી મૂકી. 1886માં કૅનેડાએ હૉર્સ શૂ ધોધ નજીકની 79 હેક્ટર ભૂમિ પર ક્વીન વિક્ટોરિયા ઉદ્યાન વિકસાવ્યો. માનવસર્જિત અવરોધો ઉપરાંત અહીં કુદરતી તારાજી પણ થયા કરી છે. આટલાં વર્ષોના ગાળા દરમિયાન, ધોધના સ્થળ પર ખડકપાત (rockslide) થવાથી ધોધના દેખાવમાં ફેરફારો ઉદભવ્યા છે. 1931માં અમેરિકન ધોધમાંથી આશરે 73,000 મેટ્રિક ટન ખડકજથ્થો તૂટી પડેલો. થોડાંક વર્ષો બાદ, હૉર્સ શૂ ધોધની ઉપલી ધાર પરથી પણ 27,000 મેટ્રિક ટન જેટલો ખડકપાત થયેલો. 1954માં ફરીથી અમેરિકન ધોધ અને નજીકના પ્રૉસ્પેક્ટ પૉઇન્ટ પરથી 1,67,800 મેટ્રિક ટન ખડકભાગ તૂટી પડેલો. આ પ્રકારની કુદરતી હોનારતો ખાળવાના હેતુથી યુ.એસ. લશ્કરના ઇજનરોએ અમેરિકન ધોધ પર થોડીક મુદત માટે બંધ બાંધેલો. તે દરમિયાન બંને દેશોના નિષ્ણાતોએ પછીથી થનારા ઘસારાના પ્રમાણનો અભ્યાસ કર્યો. તેઓ છેવટે એ નિર્ણય પર આવ્યા કે ક્રમશ:  થતો જતો ઘસારો નિયંત્રિત કરવાનું ખર્ચ જરૂર કરતાં ઘણું વધારે આવે તેમ છે. તેથી જાહેર જનતાની અને પર્યટકોની સલામતી માટે જેટલું થઈ શકે તેટલું જ કરવું ઉચિત છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

ગિરીશભાઈ પંડ્યા