નાયક, ડાહ્યાભાઈ જીવણજી (જ. 26 મે 1901, ભાંડુત, જિ. સૂરત; અ. 29 મે 1994, દાહોદ) : સ્વાતંત્ર્યસૈનિક અને પંચમહાલના આદિવાસીઓના નિ:સ્પૃહી મૂક સેવક. મધ્યમ વર્ગના અનાવિલ પરિવારમાં જન્મ. પિતા ડુમ્મસની પ્રાથમિક શાળાના આચાર્ય. ડાહ્યાભાઈએ ડુમ્મસ અને ધરમપુરમાં અભ્યાસ કર્યો. તે દરમિયાન આદિવાસીઓ પરના અત્યાચારો જોઈ તેમનું હૃદય દ્રવી જતું. મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે 1917માં ગાંધીજીની સાદાઈ તથા ચોકસાઈથી પ્રભાવિત થયા. 1920માં અસહકારની ચળવળ શરૂ કર્યા બાદ ગાંધીજીની અપીલથી તેમણે 36 વિદ્યાર્થીઓ સાથે કૉલેજ છોડી, ખાદીકામની તાલીમ લીધી, ગામડામાં ફરી વિદેશી વસ્ત્રોની હોળી કરાવી તથા દારૂનાં પીઠાં પર પિકેટિંગ કર્યું. ત્યારબાદ તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સ્નાતક થયા. જુલાઈ, 1922માં તેઓ ઝાલોદ તાલુકાના જંગલમાં આવેલ મીરાંખેડીમાં ભીલ બાળકોના આશ્રમમાં સંચાલક તરીકે ગયા. તેઓ ઝૂંપડે ઝૂંપડે ફરીને ભીલ બાળકોને ભણવા માટે લઈ આવતા. ભીલોને લોકશિક્ષણ આપતા અને તેમનાં સુખદુ:ખમાં ભાગીદાર થતા. ડિસેમ્બર, 1924માં મીરાંખેડીનો આશ્રમ ઠક્કરબાપાએ સ્થાપેલ ભીલ સેવામંડળને સોંપાયો ત્યારે ડાહ્યાભાઈ ભીલ સેવામંડળના સેવક બન્યા. તેમણે શરૂઆતમાં ત્રણ વરસ માટે અને ફેબ્રુઆરી, 1927થી 20 વર્ષ માટે સેવાની દીક્ષા લીધી.
શાહુકારોના શોષણથી ભીલોને બચાવવા માટે તેમણે જુલાઈ, 1923માં મીરાંખેડીમાં સહકારી ક્રૅડિટ સોસાયટી સ્થાપી. 1922થી 1934 સુધી મીરાંખેડીમાં ભીલોની સેવા કર્યા બાદ તેઓ ભીલ સેવામંડળના મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારવા દાહોદ ગયા. મંડળની 37 પ્રાથમિક શાળાઓને તેમણે જિલ્લા લોકલ બોર્ડની ગ્રાંટ અપાવી. તેમણે પંચમહાલ જિલ્લા ગ્રામવિકાસ મંડળ અને જિલ્લા લોકલ બોર્ડનું સંચાલન કર્યું. તેમણે 1939માં દાહોદમાં ભીલ ક્ધયા આશ્રમ તથા 1945માં ઝાલોદમાં શબરી કન્યા આશ્રમ શરૂ કર્યા. મુંબઈ સરકારે પછાત વિસ્તારના કલ્યાણ માટે સર્વોદય યોજના બનાવી ત્યારે ડાહ્યાભાઈએ દાહોદ-ઝાલોદ તાલુકામાં આ યોજનાના સંચાલક તરીકે સેંકડો કૂવા ખોદાવ્યા તથા સુધારેલું બિયારણ, મરઘાઉછેર, પશુસુધારણા, ખાદીવણાટ વગેરે પ્રવૃત્તિઓ અને 25 શાળાઓ તથા 5 બાલવાડીઓ શરૂ કરાવી.
તેમણે 1936, 1942, 1951થી 1953, 1965 વગેરે વરસોના દુષ્કાળોમાં રાહતકાર્યો શરૂ કરાવી મોટી સંખ્યામાં લોકોને રોજી અપાવી. 1966માં ચોમાસું નિષ્ફળ જવાથી મુંબઈની જીવદયા મંડળીના સહકારથી પશુઓ માટે 54 નીરણકેન્દ્રો શરૂ કરાવ્યાં. આ ઉપરાંત મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાં 3 મફત રસોડાં શરૂ કરાવી દરરોજ 800 માણસોને દાળરોટલા આપવાની વ્યવસ્થા કરી.
1950માં આસામમાં ધરતીકંપથી હજારો આદિવાસીઓ બેઘર બનવાથી ઠક્કરબાપાએ ડાહ્યાભાઈને રાહતકાર્ય માટે મોકલ્યા. તેમણે ત્યાં દોઢ વર્ષ રહી રાહતકાર્ય પૂરું કર્યું. પંચમહાલ જિલ્લા લોકલ બોર્ડના અધ્યક્ષ તથા મુંબઈ રાજ્ય પછાતવર્ગ બોર્ડ, વિભાગીય વિકાસ કાઉન્સિલ વગેરે મહત્વની સમિતિઓના સભ્ય તરીકે તેમણે આદિવાસીઓની ઉમદા સેવા કરી તથા ગણોત નિયમન ધારો, શાહુકાર ધારો અને જાગીરદારી નાબૂદી ધારાનો સામાન્ય લોકોને લાભ અપાવ્યો. દેશી રાજ્યોનું વિલીનીકરણ થયા બાદ તે વિસ્તારોના આદિવાસીઓ તથા દલિતોના વિકાસ માટે યોજનાઓ બનાવી, તેનો અમલ કરાવ્યો. તે પ્રદેશોમાં 18 આશ્રમશાળાઓ, 22 આશ્રમો, 22 બાળવાડીઓ અને 11 માધ્યમિક શાળાઓ સહિત મહિલા અધ્યાપન મંદિર, મહિલા તાલીમ કેન્દ્ર, દાઈકેન્દ્ર વગેરે શરૂ કરવામાં આવ્યાં. જિલ્લા લોકલ બોર્ડના પ્રમુખ તરીકે વિલીનીકરણ થયેલા પ્રદેશોમાં તેમણે દવાખાનાં, રસ્તા, પશુ દવાખાનાં, શાળાઓ શરૂ કરાવ્યાં તથા જમીન-સુધારણાનાં કાર્યો કર્યાં. તેમના પ્રયાસોથી 1955માં પંચમહાલ જિલ્લા સહકારી બૅંકની સ્થાપના થઈ. તેના અધ્યક્ષ તરીકે તેમણે ઘણાં વરસો પર્યંત સેવા આપી. તેમણે જંગલોના મજૂરોનું શોષણ અટકાવવા જંગલ મજૂર સહકારી મંડળીઓ સ્થાપીને તેના પ્રમુખ તરીકે સેવા કરી. 1964માં પંચમહાલ જિલ્લા વિકાસ સંઘની રચના કરી ખાદીવણાટ અને સૂતર–ઉત્પાદનની સંસ્થા શરૂ કરી.
તેમણે દેશની સ્વતંત્રતા માટે અસહકારની ચળવળ (1920–22), સવિનય કાનૂનભંગની ચળવળ (1930–’32) અને ‘હિંદ છોડો’ ચળવળ(1942)માં ભાગ લઈને ત્રણ વાર જેલની સજા ભોગવી હતી. 1966માં તેઓ ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ હતા ત્યારે તેમણે હરિજનોના વિકાસની પ્રવૃત્તિઓ અને ભંગી-કષ્ટમુક્તિકાર્યની ઝુંબેશ ચલાવી. 1962થી 1967 સુધી તેઓ લોકસભાના સભ્ય હતા. તે દરમિયાન એસ્ટિમેટ કમિટીના સભ્ય તરીકે સહકારી ક્ષેત્રોની માહિતી મેળવી.
1977થી 1986 સુધી તેમણે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે યશસ્વી સેવા બજાવી હતી. તેમણે હરિજન આશ્રમના અધ્યક્ષ તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમણે આદિવાસીઓની કરેલી નોંધપાત્ર સેવા બદલ 1960માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ એનાયત કર્યો હતો. પંચમહાલના આદિવાસીઓ તેમને ‘ગુરુજી’ તરીકે સંબોધતા.
જયકુમાર ર. શુક્લ