નાયક, અમૃત કેશવ (જ. 1877, અમદાવાદ; અ. 18 જુલાઈ 1907, મુંબઈ) : વ્યવસાયી રંગભૂમિના તેજસ્વી યુવા-અભિનેતા, દિગ્દર્શક તથા નાટ્યકાર. અમૃતભાઈએ ગુજરાતી બે ધોરણ અને ઉર્દૂ બે ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં અનુક્રમે દરિયાપુર અને કાલુપુરની શાળામાં કર્યો હતો. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી દેવાની ફરજ પડી અને 11 વર્ષની ઉંમરે કાવસજી પાલનજી ખટાઉની આલ્ફ્રેડ નાટક મંડળીમાં જોડાયા. આ નાટક મંડળીના ‘ગામડાની ગોરી’ નાટકમાં તેમણે સૌપ્રથમ ઈરાનીની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી. એ પછી ‘બીમારે બુલબુલ’માં ‘પુંબા’ની ભૂમિકા ભજવીને માલિક, દિગ્દર્શક અને પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં.
1891માં તે નવી આલ્ફ્રેડ કંપનીમાં જોડાયા અને સોરાબજી ઓગરાના સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું. માત્ર 14 વર્ષની ઉંમરે સહાયક દિગ્દર્શક તરીકેની જવાબદારી સોંપાય એ ઘટના રંગભૂમિના ઇતિહાસમાં અનન્ય લેખાઈ છે. એક બાજુ પારસી નાટક મંડળીમાં તેઓ નટ, સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતા હતા તો બીજી બાજુ ગુજરાતી, ઉર્દૂ, હિંદી, મરાઠી વગેરે ભાષાઓનો અભ્યાસ ચાલુ રાખ્યો. કાવસજી ખટાઉની જૂની આલ્ફ્રેડ કંપની ફરી શરૂ થઈ અને અમૃતભાઈ એમાં દિગ્દર્શક તરીકે જોડાયા. અહીં તેમણે ‘ખૂને નાહક’ નાટકનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું.
આ નાટકમાં એમણે ‘મલ્લિકા’ની (સ્ત્રી)ભૂમિકા ભજવી. અમૃતભાઈની વિશેષતા એ હતી કે તે નાટકમાં સરળતાપૂર્વક પુરુષ અને સ્ત્રીની ભૂમિકા ભજવી શકતા હતા. આ પછી ‘બજમે ફાની’ (‘રોમિયો ઍન્ડ જૂલિયટ’નું રૂપાંતર), ‘મુરિદે શક’ (‘વિન્ટર્સ ટેલ’નું રૂપાંતર), ‘શહીદે નાઝ’ (‘મેઝર ફૉર મેઝર’નું રૂપાંતર) ઇત્યાદિ ઉર્દૂ નાટકોનું સફળતાપૂર્વક દિગ્દર્શન કર્યું. આ રીતે તેમણે શેક્સપિયરને ઉર્દૂ ભાષામાં ઉતારી રંગભૂમિ પર રજૂ કરવાની મહત્વની પહેલ કરી. પંડિત નારાયણપ્રસાદ બેતાબની સહાયથી તેમણે શેક્સપિયરના નાટક ‘સિમ્બલીન’નો હિંદી અનુવાદ ‘મીઠા ઝહર’ તખ્તા ઉપર રજૂ કર્યો. આ નાટકમાં તેમણે ‘નવાબ’ની કપરી ભૂમિકા ભજવી અને પોતાની અભિનયકલા તેમજ દિગ્દર્શનકલાનો પરિચય રંગભૂમિને કરાવ્યો. આ પછી તેમણે નારાયણપ્રસાદ બેતાબની સૂચનાથી મૌલિક ઉર્દૂ નાટક ‘જહરી સાપ’ ભજવવાની તૈયારીઓ કરી. આ નાટકનું દિગ્દર્શનકાર્ય ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. પરિણામે અમૃતભાઈની તબિયત બગડી અને મુંબઈ મુકામે ગોહરબાનુનું ગીત સાંભળતાં સાંભળતાં તેમનું 30 વર્ષની ઉંમરે નિધન થયું.
અમૃત કેશવ નાયકની કૃતિઓમાં ગુજરાતી અને ઉર્દૂ ગઝલો, ‘ભારતદુર્દશા નાટક’ (1909), ‘કન્યાવિક્રયનો કહેર’ નાટક, ‘પ્રાણપરિવર્તન’ (ગુજરાતી ઉપરથી હિંદીમાં અનુવાદ), ‘મરિયમ’ (ઉર્દૂ ઉપરથી અનૂદિત કરેલ ગુજરાતીમાં સામાજિક નવલકથા), ‘એમ.એ. બનાકે ક્યોં મેરી મિટ્ટી ખરાબ કી ?’ (નવલકથા, (1908)), ‘શિવશંભુ શર્માના ચિઠ્ઠા’ (રાજકીય કટાક્ષો), ‘નાદિરશાહ’ (અપૂર્ણ ઐતિહાસિક નવલકથા), ‘સંસ્કૃત તથા ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ (અપૂર્ણ) મુખ્ય છે.
મુંબઈ કોટ વિસ્તારમાં ખાદીભંડાર પાછળની ગલીને ‘અમૃત કેશવ નાયક’ નામ અપાયું છે.
ચીનુભાઈ નાયક