નામઘોષા : અસમિયા કાવ્યકૃતિ. મધ્યકાલીન વૈષ્ણવકવિ માધવદેવનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ. માધવદેવની સાહિત્યિક ઉપલબ્ધિનો ચરમોત્કર્ષ આ કૃતિમાં જોવા મળે છે. આસામના વૈષ્ણવ સાહિત્યના ચાર મહાગ્રંથોમાં એનું સ્થાન દ્વિતીય છે. માધવદેવનાં શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, કાવ્યશક્તિ ઇત્યાદિનો પૂર્ણ પરિચય આ ગ્રંથમાં મળે છે. આ ગ્રંથ પૂર્ણાંશે મૌલિક નથી. એમાંનાં 1000 પદોમાંથી 600 પદો સંસ્કૃત શ્લોકોનો મુક્ત અનુવાદ છે. પરંતુ ભાવ, ભાષા તથા શૈલીની દૃષ્ટિએ એનું મહત્વ તેથી ઓછું થતું નથી. 400 ગીત કવિનાં મૌલિક છે. વિષયવસ્તુ પ્રમાણે નામઘોષા ત્રણ ખંડોમાં વિભાજિત છે. પ્રથમ ખંડમાં નામજપનું મહત્ત્વ દર્શાવાયું છે. બીજા ખંડમાં એકાંતિક ભક્તિ અને આત્મસમર્પણનું માહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. ત્રીજા ખંડમાં કૃષ્ણના નામના જાપનું મહત્વ, નામ અને નામી વચ્ચેનો અભેદ તથા કવિનું આત્મનિવેદન છે. ભક્તિનો વિરોધ કરનારા સમકાલીનોનો પણ એમાં ઉલ્લેખ છે. કવિની ભાવવિભોર વાણી આજે પણ ભક્તોને રસાનુભવ કરાવે છે.

અસમિયા ભક્તિસાહિત્યમાં આ ગ્રંથનું અનોખું સ્થાન છે.

ચન્દ્રકાન્ત મહેતા