નામ્બુ, યોઇચિરો (Nambu, Yoichiro) [જ. 18 જાન્યુઆરી 1921, ફુકુઈ પ્રિફેક્ચર (Fukui Prefecture); અ. 5 જુલાઈ 2015, ઓસાકા] : જન્મે જાપાની અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા.
ફુકુઈ શહેરનાં ફુજિશિમા (Fujishima) હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ટોકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં દાખલ થઈને ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1942માં બી.એસ. થયા અને 1952માં ડી.એસસી. થયા. 1949માં ઓસાકા સિટી યુનિવર્સિટીમાં સંલગ્ન પ્રાધ્યાપક તરીકે જોડાયા અને માત્ર એક વર્ષ પછી, 29 વર્ષની વયે, પ્રાધ્યાપકની બઢતી મળી. 1952માં, ન્યૂજર્સીની ખ્યાતનામ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍડવાન્સ્ડ સ્ટડી ઇન પ્રિન્સ્ટન તરફથી અભ્યાસ માટે આમંત્રણ મળ્યું. અભ્યાસ બાદ ત્યાંથી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં ગયા અને 1958માં પ્રાધ્યાપક તરીકે બઢતી મળી. 1970માં તેઓે યુ.એસ.ના નાગરિક બન્યા.
તેમણે ક્વૉન્ટમ વર્ણગતિવિજ્ઞાન(chromodynamics)ના વર્ણ-વીજભાર(color charge)નું સૂચન કર્યું અને તે માટે તેઓ ખ્યાતનામ બન્યા. કણ-ભૌતિકવિજ્ઞાનમાં સ્વત: સમમિતિ વિભંજન(sponta-neous symmetry breaking)ને લગતું સંશોધનકાર્ય કરતી વેળાએ આ સૂચન કરેલું. તદુપરાંત એ પણ શોધી કાઢ્યું કે દ્વૈત-અનુનાદ-નમૂના(dual resonance model)ને સ્ટ્રિંગના ક્વૉન્ટમ યાંત્રિકીય સિદ્ધાંત તરીકે સમજાવી શકાય. રજ્જુ-સિદ્ધાંત(string theory)ના સ્થાપક તરીકે તેમની ગણના થાય છે.
સ્વત: સમમિતિ વિભંજન સાથે સંકળાયેલા ક્ષેત્ર-સિદ્ધાંતો(field theories)માંથી પેદા થતા દ્રવ્યવિહીન બોઝોનને નામ્બુ-ગોલ્ડસ્ટોન બોઝોન તરીકે ઓળખવામાં આવે છે. અવપારમાણ્વિક ભૌતિકવિજ્ઞાનમાં સ્વત: સમમિતિ વિભંજનની ક્રિયાવિધિ(mechanism)ની શોધ બદલ 2008નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તદુપરાંત જે. રૉબર્ટ ઓપન હાઇમર પ્રાઇઝ, યુ.એસ.નો વિજ્ઞાન માટેનો નૅશનલ ચંદ્રક, જાપાનનો ઑર્ડર ઑવ્ કલ્ચર, પ્લાન્ક મેડલ અને બીજા સંખ્યાબંધ ચંદ્રકો, ઍવૉર્ડ અને ફેલોશિપ તેમને મળેલ છે.
પ્રહલાદ છ. પટેલ