નામિબ રણ : નૈર્ઋત્ય આફ્રિકાના નામિબિયા દેશમાં દક્ષિણ ઍટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદરના ભૂમિભાગમાં વિસ્તરેલું દુનિયાનું જૂનામાં જૂનું રણ. ભૌગોલિક સ્થાન : 23° દ. અ. અને 15° પૂ. રે.. તેની લંબાઈ આશરે 1,700 કિમી. તથા પહોળાઈ સ્થાનભેદે આશરે 100 થી 200 કિમી. જેટલી છે; દક્ષિણે ઑરેન્જ નદીથી ઉત્તરે અગોલા સુધી વિસ્તરેલા આ રણનો કુલ વિસ્તાર 2,70,000 ચોકિમી. છે. દુનિયાના સૌથી ઊંચા ઢૂવા આ રણમાં આવેલા છે. લાલ-પીળા રંગની રેતીના આ ઢૂવાની ઊંચાઈ 240 થી 400 મીટર હોય છે. સ્કેલિટન કોસ્ટ તરીકે ઓળખાતા તેના ઉત્તર તરફના ભાગ સામે અથડાઈને ઘણાં વહાણો ભાંગીને ભૂકો થઈ ગયેલાં છે. રણના પૂર્વ ભાગમાં ઉત્તર-દક્ષિણ વિસ્તરેલો પહાડી પ્રદેશ છે, જ્યાં પશ્ચિમતરફી સીધા ઢોળાવોવાળા સમુત્પ્રપાતો (escarpments) જોવા મળે છે. ઑરેન્જ અને કુનીન આ વિસ્તારની મુખ્ય નદીઓ છે. આ બે નદીઓના કિનારાના ભાગોમાં એકેશિયાનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં ઊગેલાં છે.
કાયમી ધુમ્મસ અને ઝાકળભર્યું વાતાવરણ ધરાવતા આ રણની આબોહવા વિષમ પ્રકારની રહે છે. આ પ્રદેશ મકરવૃત્ત પર આવેલો હોવાથી અહીં ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઉનાળો અને જૂન-જુલાઈના અરસામાં શિયાળો હોય છે. સરેરાશ તાપમાન 16° સે. અને વાર્ષિક સરેરાશ વરસાદનું પ્રમાણ 20 થી 25 મિમી. જેટલું રહે છે. ખૂબ આછી વસ્તી ધરાવતા આ રણના લોકોનો મુખ્ય વ્યવસાય ઘેટાં-બકરાંના ઉછેરનો છે. કિનારાથી પહાડી પ્રદેશના રણવિસ્તારમાં સાબર, ઝિબ્રા, શાહમૃગ તથા ફ્લેમિંગો નોંધપાત્ર પ્રમાણમાં છે. અહીં સ્વાકોપમંડ, વાલ્વિસ બે, ઑરેન્જમંડ તથા લુડરિટ્ઝ એ ચાર મુખ્ય નગરો છે.
1904માં અહીંથી હીરા મળી આવેલા. આજે ભૂતિયા નગર તરીકે જાણીતાં ‘કોલ્મન સ્કૉપ’ તથા ‘એલિઝાબેથ બે’ તેનાં મુખ્ય ઉત્પાદક કેન્દ્રો હતાં, જે આજે રેતીના ઢૂવા નીચે દટાઈ ગયાં છે. નમાકલૅન્ડના દરિયાકિનારે હજી પણ હીરાનું ઉત્પાદન થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે