નામવરસિંહ (. 28 જુલાઈ 1927, જીઅનપુર, જિ. બનારસ, ઉત્તરપ્રદેશ; . 19 ફેબ્રુઆરી 2019, નવી દિલ્હી) : હિંદી સાહિત્યના વિવેચક. ઘેર ખેતી પણ પિતા નાગરસિંહ શિક્ષક હોવાના કારણે બાળપણથી જ શિક્ષણ અને સાહિત્યનું વાતાવરણ મળ્યું. પિતાના મિત્રો ધર્મદેવસિંહ અને કામતાપ્રસાદ વિદ્યાર્થીનો ઊંડો પ્રભાવ પડ્યો. 1936માં નહેરુજીની સભામાં ધર્મદેવસિંહ સાથે ગયેલા. સ્વાતંત્ર્યસેનાની વિદ્યાર્થીજીના ગાંધીવાદી વિચારોએ નામવરની નાતજાત અને આભડછેટની રૂઢિ તોડી. આજીવન ખાદી પહેરવાનું વ્રત લીધું. સાહિત્યના મિત્રો જયચંદસિંહ અને શ્યામનારાયણ ગુપ્તાના સંસર્ગમાં વ્રજભાષામાં રીતિકાલીન શૃંગારભાવનાની કવિતા સવૈયા અને ઘનાક્ષરી છંદમાં કરી. 1941માં વધુ અભ્યાસ અર્થે બનારસ આવ્યા અને એ જ વર્ષે ‘ક્ષત્રિયમિત્ર’ સામયિકમાં હિંદી ખડી બોલીની ‘દીવાલી’ શીર્ષક ધરાવતી કવિતા છપાઈ. બનારસમાં કવિ ત્રિલોચનના સહવાસે કાવ્યસંસ્કાર ઘડાતા રહ્યા. 1947માં અલ્લાહાબાદ મુકામે પ્રગતિશીલ લેખક સંઘમાં ભાગ લીધો. આ જ ગાળામાં સામ્યવાદી પક્ષના સભ્ય મુકુલ રાયની પ્રેરણાથી રવીન્દ્ર સાહિત્ય અને સંગીતનું અધ્યયન કર્યું. 1948માં સમાજવાદી પક્ષના ઉપક્રમે સ્થપાયેલા ‘નવ સંસ્કૃતિ સંઘ’ના સ્થાનિક મંત્રી બન્યા. 1949માં બી.એ. અને 1951માં એમ.એ કર્યું. 1950માં આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીના વિદ્યાર્થી બનવાનું સદભાગ્ય પામ્યા. 1953માં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના હિંદી વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા. 1959માં સામ્યવાદી પક્ષની ટિકિટ પર લોકસભાની પેટાચૂંટણી લડ્યા અને હાર્યા. નોકરી ગઈ. પછી તો આજીવિકાર્થે સાગર, બનારસ, દિલ્હી, જોધપુર, આગ્રા ખાતે અધ્યાપનકાર્ય કર્યું અને છેવટે દિલ્હીમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં 1974માં ભારતીય ભાષાકેન્દ્રના સંસ્થાપક, અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે જોડાયા, નિવૃત્તિ સુધી ત્યાં જ રહ્યા.

સંસ્કૃત, અપભ્રંશ, હિંદી, ઉર્દૂ અને અંગ્રેજીના વિદ્વાન નામવરે આરંભ તો કવિતાથી કરેલો પણ પછીથી વિવેચનની દિશા લીધી. 1969માં વિવેચન માટે સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર મળ્યો. સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિના સભ્ય પણ બન્યા. રશિયા, મૉરિશિયસ, ઇટાલી, હંગેરી, પૂર્વ જર્મની, ઇંગ્લૅન્ડ, બલ્ગેરિયા, વિયેટનામ, કંપૂચિયા અને નેપાળનો પ્રવાસ કર્યો. ‘આલોચના’ જેવા મહત્વપૂર્ણ સામયિકના સંપાદન દ્વારા હિંદી વિવેચનને મોભો તથા વેગ આપ્યા.

વિવેચક તરીકે નામવર સતત ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. ક્યારેક એ કલાવાદી લાગે તો ક્યારેક પ્રગતિવાદી, પરંતુ એમની નિરંતર વિકસતી દૃષ્ટિએ સાહિત્યના મહત્વપૂર્ણ આંદોલન કે રચનાકારને ઓળખીને એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેનું મૂલ્યાંકન કર્યું છે. એમના પહેલા વિવેચનસંગ્રહ ‘છાયાવાદ’(1954)માં છાયાવાદી કાવ્યપ્રવૃત્તિને સ્વતંત્રતા, રાષ્ટ્રીયતા, નવજાગરણ અને નારી-નવોત્થાનના સામાજિક આંદોલન સંદર્ભે જોઈને એમણે ‘નિરાલા’ને હિન્દી સાહિત્યમાં છાયાવાદની ઉપલબ્ધિ રૂપે સ્થાપ્યા. ‘ઇતિહાસ ઔર આલોચના’(1967)માં આધુનિકતાવાદી સાહિત્યની સમીક્ષા છે તો ‘કહાની : નઈ કહાની’(1964)માં નવ્ય વિવેચનના માનદંડ દ્વારા રચનાના વ્યાપક સામાજિક અંતર્વિરોધનું વિશ્લેષણ કરી નિર્મલ વર્માને ‘નઈ કહાની’ના પ્રથમ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા છે. ‘કવિતા કે નયે પ્રતિમાન’ (1968) ગ્રંથમાં આત્મલક્ષી કવિતાના વિરોધમાં વસ્તુપરક દીર્ઘ કવિતામાં રહેલા વિચારનું મૂલ્ય આંકી ‘પ્રયોગવાદ’ના શ્રેષ્ઠ કવિપદે ‘મુક્તિબોધ’ને આગવું મહત્વ આપી શકવર્તી ઘટનાના નિમિત્ત બન્યા. ‘દૂસરી પરંપરા કી ખોજ’(1982)માં આચાર્ય રામચંદ્ર શુક્લની વિવેચનાની તુલનામાં આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીની વિવેચનદૃષ્ટિને ‘દૂસરી પરંપરા’ તરીકે ઓળખાવી ગુરુદક્ષિણાનો સંકલ્પ પૂરો કર્યો.

નામવરસિંહે ‘કાશી કે નામ’ (2006) નામે પત્રસંગ્રહ, ‘આલોચક કે મુખ સે’ (2005) નામે વ્યાખ્યાનસંગ્રહ પ્રાપ્ત થાય છે. તેમની પાસેથી આઠેક જેટલાં સંપાદિત પુસ્તકો પ્રાપ્ત થાય છે. નામવરસિંહજી મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ તેમ જ રાજા રામ મોહનરાય પુસ્તકાલય પ્રતિષ્ઠાનના અધ્યક્ષ (1993–96) રહી ચૂક્યા છે.

1971માં તેમને ‘કવિતા કે નયે પ્રતિમાન’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર; હિંદી અકાદમી, દિલ્લી તરફથી શલાકા સમ્માન; ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાન તરફથી સાહિત્ય ભૂષણ સમ્માન; 2010માં શબ્દસાધક શિખર સમ્માન તેમ જ મહાવીરપ્રસાદ દ્વિવેદી સમ્માનથી પુરસ્કૃત થયા હતા.

પ્રગતિવાદની આલોચના કરતાં નામવર એમાં રહેલા જડ માર્કસવાદ અને કઢંગા સમાજશાસ્ત્રની સાથોસાથ કટ્ટર કલાવાદીઓની અરાજકતા અને કેવળ અંતર્મુખતાને પણ ટપારે છે. આલોચક તરીકે વિચારધારા અને કલાના દ્વન્દ્વાત્મક સંબંધોને પામવા એ સતત રચનાત્મક સંઘર્ષ કરતા રહ્યા છે. આધુનિક યુગમાં હિંદી વિવેચનને વિશ્વની ઉત્તમ આલોચનાદૃષ્ટિથી સંપન્ન કરી તેના વૈચારિક પરિપ્રેક્ષ્યને વિસ્તૃત કરવામાં નામવરસિંહનો સિંહફાળો ગણાવી શકાય.

બિંદુ ભટ્ટ