નામદેવ (. 1270, નરસી નાહમણિ; . 1350, પંઢરપુર) : મરાઠી સંત કવિ. કુટુંબ મૂળ સતારાનું. પિતા દામાશેઠ, અને માતા ગોણાઈ. પિતા દરજીના વ્યવસાય ઉપરાંત કાપડનો વેપાર કરતા. દામાશેઠ વિઠોબાના પરમ ભક્ત. નાનપણથી જ નામદેવ ભક્તિના રંગે રંગાયેલા. વૈરાગ્યવૃત્તિ ચિત્તમાં સ્થપાયેલી. આમાંથી એમને સંસાર તરફ વાળવા રાજાઈ નામની કન્યા જોડે એમના બાળપણમાં જ લગ્ન કરેલાં. એની જોડે સંસાર માંડ્યો અને ચાર પુત્રો તથા ચાર પુત્રી જન્મ્યાં. આમ છતાં એમનું ચિત્ત તો વિઠોબાની ભક્તિમાં જ રત હતું.

નામદેવ

સંત જ્ઞાનેશ્વરે એમનામાં જે સંત હતો તેને પારખ્યો અને એમને જ્ઞાનમાર્ગ તરફ વાળ્યા તથા વિસોબા ખેચાર પાસે દીક્ષા અપાવી. વિસોબા પોતે યજ્ઞ, જપ, તપ, યોગયાત્રા, વ્રત, ઉપવાસ, મૂર્તિપૂજા વગેરે રૂઢ ધર્મની માન્યતાઓ અને ક્રિયાકાંડોને નિરર્થક ગણતા. પોતાના ગુરુની જેમ નામદેવે પણ તેમના ભક્તોને તેવો જ ઉપદેશ કર્યો છે. જ્ઞાનેશ્વરના ઉપદેશથી એમની ભાવુક ભક્તિમાં અદ્વૈત જ્ઞાનનો સમન્વય થયો. નામદેવે એમની ભજનમંડળી લઈને ઉત્તર ભારતની યાત્રા કરેલી ભક્તિનો પ્રચાર કરતાં એ 18 વર્ષ પંજાબમાં રહ્યા. ગુરુદાસપુર જિલ્લાના ધોમાન મુકામે નામદેવનું મંદિર હજી પણ છે. એમના અનેક પંજાબી શિષ્યો હતા. તેમાં વિષ્ણુસ્વામી, બહારેદાસ લંબા ખત્રી વગેરે મુખ્ય હતા. એમણે હિન્દીમાં પણ પદો રચ્યાં છે. ‘ગુરુ ગ્રંથસાહેબ’માં એમનાં 65 પદો સંગ્રહાયેલાં છે. તેને ‘નામદેવા બાની’ નામ આપ્યું છે. પંજાબથી એ પાછા મહારાષ્ટ્રમાં આવ્યા અને 80 વર્ષની વયે એ પંઢરપુરમાં સ્વર્ગવાસી થયા.  ‘નામદેવ કી ગાથા’માં એમનાં લગભગ 3,000 પદો સંગ્રહાયેલાં છે.

નામદેવ જ્ઞાનેશ્વરના સમકાલીન ગણાય છે. જ્ઞાનેશ્વર તેરમા શતકમાં થયા હતા. પરંતુ નામદેવની રચનાઓની ભાષા પરથી તે ચૌદમા શતકના અંતે થયા હતા એવું મંતવ્ય વિખ્યાત પ્રાચ્યવિદ્યાવિશારદ તથા ભાષાશાસ્ત્રી ડૉ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરે (1837–1925) રજૂ કર્યું છે.

અરુંધતી દેવસ્થળે

પ્રિયબાળાબહેન શાહ