નાન્દીકાર (સ્થા. 1960) : બંગાળની પ્રયોગશીલ થિયેટર નાટ્યમંડળી. ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન(ઇપ્ટા)માંથી છૂટા થઈ નટ-નાટ્યકાર અજિતેશ બંદ્યોપાધ્યાયે ‘નાન્દીકાર’ નામે નટમંડળી એકત્ર કરી અને 1961માં (નટ-દિગ્દર્શક રુદ્રપ્રસાદ સેનગુપ્તાના સહકારથી) ઇટાલીના નાટ્યકાર પિરાન્દેલોના નાટકનું રૂપાંતર ‘નાટ્યકારેર સંધાને છટી ચરિત્ર’ પ્રસ્તુત કર્યું, ત્યારથી એ બંનેએ યુરોપની પ્રશિષ્ટ નાટ્યકૃતિઓ રજૂ કર્યા કરી, જેમાં ચેખૉવનું ‘ચેરી ઑર્ચાર્ડ’, બ્રેખ્તનું ‘થ્રી પેની ઑપેરા’, ટૉલ્સ્ટૉયનું ‘પાવર ઑવ્ ડાર્કનેસ’ વગેરે ખૂબ નોંધપાત્ર રહ્યાં હતાં. નટ-દિગ્દર્શક સેનગુપ્તા અને નટી કેયા ચક્રવર્તીની જોડીએ આ મંડળીનાં નાટકોને ઉચ્ચ બૌદ્ધિક સ્તરે મૂકી આપ્યાં. અજિતેશ 1977માં ‘નાન્દીકાર’માંથી છૂટા થતાં, અને કેયા ચક્રવર્તીનું અવસાન થતાં આ મંડળીને થોડો વખત મુશ્કેલી પડી. પરંતુ દિગ્દર્શક સેનગુપ્તાની આગેવાની હેઠળ આજ સુધી અનેક દેશી-વિદેશી નાટકો નાન્દીકારે રજૂ કર્યાં છે. સેનગુપ્તાને દેશની અન્ય પ્રાદેશિક રંગભૂમિનો ગાઢો પરિચય હોવાથી, 1984થી નાન્દીકાર જૂથ દર વર્ષે ‘રાષ્ટ્રીય’ નાટ્ય મહોત્સવ ઊજવતું આવ્યું છે. એમાં દેશનાં રંગકર્મીઓનું બહુમાન પણ કરવામાં આવે છે. ગ્રૂપ થિયેટર તરીકે જાણીતા બંગાળના પ્રયોગશીલ નાટ્ય-આંદોલનમાં ‘નાન્દીકાર’ મંડળી અગ્રેસર છે. ગુજરાતમાં પણ આ મંડળીએ ‘ફૂટ બૉલ’ વગેરે નાટકો પ્રસ્તુત કર્યાં છે. રુદ્રપ્રસાદ સેનગુપ્તા દેશના અગ્રણી નટદિગ્દર્શકોમાંના એક ગણાય છે.
શિવકુમાર જોશી