નાનાક : તેરમી સદીનો, વીસલદેવના સમયનો ગુજરાતનો પ્રખર વિદ્વાન કવિ. પ્રશસ્તિઓ મોટે ભાગે રાજાઓ અને અમાત્યોની રચાતી, છતાં નાનાક નામે એક વિદ્વાનની બે સુંદર પ્રશસ્તિઓ રચાઈ એ ખાસ નોંધપાત્ર છે. આ પ્રશસ્તિઓની કોતરેલી શિલા મૂળ પ્રભાસપાટણમાં હશે, ત્યાંથી તે કોડીનારમાં ખસેડાયેલી ને હાલ એ વડોદરાના મ્યુઝિયમમાં જળવાઈ છે. પહેલી પ્રશસ્તિ ‘બાલસરસ્વતી’ ગણાતા કવિ કૃષ્ણે રચી હતી, જ્યારે બીજી પ્રશસ્તિ રચનાર કવિનું નામ ‘ગણપતિન્યાસ’ હતું.
નાનાકના પૂર્વજો આનંદપુર(વડનગર)ના વતની હતા. એ કપિષ્ઠલ ગોત્રના હતા. સોમેશ્વરના પૌત્ર ગોવિંદને ત્રણ પુત્ર હતા. પુરુષોત્તમ, નાનાક અને મલ્હણ. નાનાક અનેક વિદ્યાઓનો અભ્યાસી હતો. એ આખો ઋગ્વેદ જાણતો. એ વ્યાકરણમાં પ્રવીણ, સાહિત્યનો જાણકાર, પુરાણ અને સ્મૃતિમાં પારંગત, રામાયણ–મહાભારતનો તજ્જ્ઞ તથા છંદ, અલંકાર અને નાટકમાં નિપુણ હતો. એ વાઘેલા ચૌલુક્ય રાજવી વીસલદેવનો માનીતો કવિ હતો. વીસલદેવે સોમનાથની યાત્રા કરી ત્યારે તેણે ત્યાં નાનાકનું બહુમાન કરીને પ્રભાસની બ્રહ્મપુરીમાં એને એક હવેલી અર્પણ કરી. કવિ નાનાક હવે પ્રભાસક્ષેત્રમાં રહી નિત્ય સોમનાથની આરાધના કરતો, મોટા મોટા યજ્ઞ કરતો ને અતિથિઓને ભોજન કરાવતો. સરસ્વતીસાગરના સંગમ પાસે નાનાકે સારસ્વત સદન કે સારસ્વત સદસ્ નામે પવિત્ર ધામ બંધાવ્યું હતું. નાનાક નાગર કુલનું આભૂષણ હતો. એની બીજી પ્રશસ્તિ વિ. સં. 1328 (ઈ. સ. 1271-72)ની છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી