નાદિયા (જ. 1910, ઑસ્ટ્રેલિયા; અ. 9 જાન્યુઆરી 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોની સ્ટંટરાણી. તેનું ‘હેય’ આજે પણ એ જમાનાના પ્રેક્ષકોના કાનોમાં ગુંજે છે ! ચલચિત્રનાં દૃશ્યોમાં ચાલતી ગાડીએ ડબાના છાપરે તે શત્રુ સાથે તલવાર ખડખડાવતી; વિશાળ ખંડમાં કૂદીને ઝુમ્મર પકડીને સામે છેડે અથવા સીડીના મથાળે પહોંચતી, દુષ્ટોને હન્ટર વડે ફટકારતી, મહેલના ધાબાની ઊંચી પાળી ઉપરથી નીચે ભૂસકો મારતી… નાદિયાએ પદાર્પણ કરતાં જ સીધીસાદી ઘરરખ્ખુ નાયિકાની છાપ છિન્ન-ભિન્ન કરી નાખી. તેણે ‘ડુપ્લિકેટ’ની સહાય વિના આવા બધા સ્ટન્ટ જાતે જ કર્યા હતા.

નાદિયાનું મૂળ નામ મેરી ઇવાન્સ. માતા ગ્રીક હતી અને પિતા અંગ્રેજ હતા. પરિવાર સ્થાયી થવા ભારત આવ્યો. મેરીએ દુકાનમાં નોકરી સ્વીકારી. થોડા સમયમાં તે મંત્રી બની અને તરત નર્તકી બની. સંજોગો વિપરીત થતાં સરકસમાં કામ કરવાના દિવસો આવ્યા. જોકે આ અનુભવ તેના માટે આશીર્વાદરૂપ નીવડ્યો. નિર્માતા જમશેદજી વાડિયાએ તેમનાં ચિત્રોમાં તેને નાની ભૂમિકાઓ આપી. અંતે 1935માં તેની મુખ્ય ભૂમિકા સાથે ‘હંટરવાલી’ પ્રસ્તુત થયું.

નાદિયા

આ ચિત્રે હિન્દી ચિત્રોમાં પ્રારંભે જ એક નવી દિશા ઉઘાડી. નાયિકા નાદિયા રાતોરાત ‘ફિયરલેસ નાદિયા’ નામથી પ્રસિદ્ધિ પામી. તેના હિંદી ઉચ્ચારો ખામીવાળા હતા. પણ દર્શકોને તેનાં પરાક્રમોમાં વધારે આનંદ આવતો. તેના ‘હરિકેન હંસા’, ‘લુટારુ લલના’, ‘ડાયમંડ ક્વીન’, ‘મિસ ફ્રન્ટિયર મેલ’ આદિ ચિત્રો લોકોએ ઉમળકાથી આવકાર્યાં. કથાનકો મોટે ભાગે સ્થાપિત હિતો સામે નિર્ધન નબળા વર્ગની રક્ષા માટે સંઘર્ષ કરતી રમણીના પાઠમાં નાદિયાને પ્રસ્તુત કરતાં; પણ લોકોને તો તેના ‘હેય’માં વધારે રસ પડતો. ચાળીસીમાં સામાજિક અને રાષ્ટ્રીય વિષયો નિર્માતાઓને આકર્ષતા થયા. નાદિયાએ પણ ‘મૌજ’માં સામાજિક ભૂમિકા ભજવી; પણ, નાદિયા રડે એ લોકો સ્વીકારી શક્યા નહિ. ફરી સ્ટંટ ચિત્રોનો દોર ચાલુ થયો. 1943માં ‘હંટરવાલી કી બેટી’ આવ્યું. પણ હવે પડદા ઉપર તે ઓછું દેખાતી થઈ. 1968માં ‘ખિલાડી’ સાથે તેણે પડદાને તિલાંજલિ આપી.

વાડિયા બંધુઓમાંના નાના હોમી વાડિયા સાથે લગ્ન કરી તેણે પાછલાં વર્ષો સુખી દાંપત્યમાં પસાર કર્યાં. મુંબઈમાં 86 વર્ષની વયે તેનું અવસાન થયું ત્યારે, સ્ટંટરાણીના પદેથી નિવૃત્તિ લીધાને અડધી સદીથી વધારે સમય વહી ગયો હોવા છતાં વૃત્તપત્રોએ પહેલા પાને તેના અવસાનના સમાચાર છાપી તેને ઉચિત અંજલિ આપી હતી.

બંસીધર શુક્લ