નાદિમ, દીનાનાથ (જ. 1916, શ્રીનગર; અ. 1988) : કાશ્મીરી લેખક. આ સદીના શ્રેષ્ઠ કાશ્મીરી કવિ. ઘરની સ્થિતિ સારી ન હોવાથી નોકરી કરતાં કરતાં ભણ્યા. કૉલેજમાં હતા ત્યારે ક્રાન્તિકારી દળમાં જોડાયેલા. લડતમાં એમનાં રાષ્ટ્રપ્રેમનાં કાવ્યો ખૂબ લોકપ્રિય થયેલાં અને એ માટે એમની ધરપકડ પણ થયેલી; તેથી કૉલેજ છોડવી પડી. પછી બહારથી પરીક્ષા આપી પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. એમના પ્રથમ કાવ્યપાઠના જાહેર કાર્યક્રમે જ એમને લોકપ્રિયતા અપાવી. 1947માં જ્યારે કાશ્મીર પર હુમલો થયો ત્યારે એમણે સાંસ્કૃતિક મોરચાની સ્થાપના કરેલી. એમણે લેખનની શરૂઆત માકર્સવાદી તરીકે કરેલી. 1970માં એમને સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર મળેલો. એમને કુમારન આસાન પારિતોષિક અને 1984માં પ્રથમ કલ્હણ પારિતોષિક મળેલું. 1986માં એમના ‘શિહિલકુલ’ કાવ્યસંગ્રહ માટે એમને સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો હતો.
કાશ્મીરની વિધાનસભામાં પણ એ ચૂંટાયા હતા. એમના લેખનસમયને કાશ્મીરી સાહિત્યમાં ‘નાદિમયુગ’ નામ આપવામાં આવ્યું છે. એમના સાહિત્યમાં વાચકને સીધું સંબોધન હોય છે, જે એમની વિશેષતા છે. માર્કસવાદી લેખક તરીકે શરૂઆત કરેલી છતાં પછીના સમયમાં એમની કવિતા વિશેષ અંતર્મુખી બનતી ગઈ. એમની કવિતા આધુનિક પરવર્તી યુગની કવિતામાં મોખરાનું સ્થાન ધરાવે છે. એમણે વાર્તાઓ પણ લખી છે.
ચન્દ્રકાન્ત મહેતા