નાતાલ : ક્વાઝુલુ નાતાલ તરીકે ઓળખાતો દક્ષિણ આફ્રિકાનો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 20’થી 31° 05’ દ. અ. અને 28° 40’થી 32° 50’ પૂ. રે. વચ્ચે આવેલો છે. દક્ષિણ આફ્રિકા દેશના ચાર પ્રાંતો પૈકી તે સૌથી નાનો છે, જે દેશના કુલ વિસ્તારનો માત્ર આઠ ટકા ભાગ ધરાવે છે. તે દેશના પૂર્વ કિનારા પર હિન્દી મહાસાગર નજીક આવેલો છે. તેની ઉત્તરે મોઝામ્બિક અને સ્વાઝીલૅન્ડ, પશ્ચિમે લેસોથો તથા ઑરેન્જ ફ્રી સ્ટેટ અને દક્ષિણે કેપ પ્રાંતનો ટ્રાન્સકાઈ પ્રદેશ આવેલા છે. તેનો કુલ વિસ્તાર 92,180 ચોકિમી. જેટલો છે. પીટરમૅરિટ્ઝબર્ગ તેનું પાટનગર છે અને ડર્બન તથા ઉમલાઝી અન્ય મુખ્ય શહેરો છે.
ભૂપૃષ્ઠ : નાતાલના પ્રદેશને ત્રણ કુદરતી વિભાગોમાં વહેંચેલો છે : (1) કિનારાપટ્ટો : પ્રાંતના છેક પૂર્વ ભાગમાં હિન્દી મહાસાગરના કિનારા તરફનો પટ્ટો મુખ્યત્વે મેદાની વિસ્તાર છે. સીધી કિનારારેખા પર રેતાળ કંઠારપટ્ટી પથરાયેલી છે. કિનારાના મેદાનને છેદીને અહીં દરિયાને મળતી નદીઓએ ઉગ્ર બાજુઓવાળી ખીણો કોતરી કાઢી છે. (2) સીમાવર્તી ભૂમિપ્રદેશ : આ વિભાગ કિનારાપટ્ટી અને પશ્ચિમના અંતરિયાળ ઉચ્ચપ્રદેશોની વચ્ચે આવેલો છે. નાતાલના મધ્યભાગને તે આવરી લેતો હોવાથી તેને ‘નાતાલની મધ્યભૂમિ’ પણ કહે છે. સ્થાનભેદે તેની ઊંચાઈ 400થી 1,500 મીટરની છે. (3) ઉચ્ચભૂમિનો પ્રદેશ : ડ્રેકન્સબર્ગ પર્વતો, ગ્રેટ એસ્કાર્પમેન્ટ તથા લેસોથો ટેકરીઓથી બનેલો ઊંચાણવાળો પ્રદેશ લેસોથો, ઑરેન્જ ફ્રી સ્ટેટ અને ટ્રાન્સવાલ નજીકની સરહદ રચે છે. ડ્રેકન્સબર્ગ પર આવેલું 3,375 મીટર ઊંચાઈ ધરાવતું શૅમ્પેઈન કૅસલ દક્ષિણ આફ્રિકાનું સર્વોચ્ચ શિખર છે.
દક્ષિણ આફ્રિકાની મોટી ગણાતી ચાર મુખ્ય નદીઓ પોંગલા, ટુગેલા, ઉમઝિમકુલુ અને ઉમઝિમવુબુ નાતાલમાં આવેલી છે. આ ઉપરાંત, કુઝે (Mkuze), ઉમફોલોઝી, ગેની (Mgeni), કોમાઝી (Mkomazi), તામ્વુના (Mtamvuna) પણ અગત્યની નદીઓ છે. અહીં નદીઓનો જળપરિવાહ અગ્નિકોણી છે. તેમણે તેમના મુખ પાસે દરિયાઈ આડ રચી છે અને નદીઓ છીછરી હોવાથી વહાણવટાના ઉપયોગ માટે કામમાં આવતી નથી. ગેની નદી પર હોવિક ધોધ આવેલો છે અને મિદમાર બંધ બાંધેલો છે. કિનારા નજીક સેન્ટ લુસિયા, સિબાયા અને કોસી જેવાં સ્વચ્છ જળનાં ખાડીસરોવરો આવેલાં છે.
આબોહવા : નાતાલ અયનવૃત્તીય (tropical) પ્રકારની લગભગ સમધાત આબોહવા ધરાવે છે. ઉનાળા હૂંફાળાથી માંડીને ગરમ, પરંતુ કિનારા નજીકનાં સ્થળો વધુ ભેજવાળાં રહે છે. ભેજનું પ્રમાણ 85% થી 90% જેટલું રહે છે. શિયાળા નરમ અને સૂકા હોય છે. કિનારા નજીકથી પસાર થતા અગુલ્હાસના ગરમ દરિયાઈ પ્રવાહની આબોહવા પર અસર પ્રવર્તે છે. વરસાદનું સરેરાશ વાર્ષિક પ્રમાણ 1,000 મિમી. જેટલું રહે છે, એ રીતે જોતાં કિનારાપટ્ટાની આબોહવા ઉપઅયનવૃત્તીય (sub-tropical) બની રહે છે; પરિણામે અહીં જંગલસમકક્ષ વનસ્પતિનું વિપુલ પ્રમાણ જોવા મળે છે. પ્રાંતનો લગભગ 37% ભાગ વનવિસ્તારથી છવાયેલો છે. વિપુલ વનસ્પતિસમૃદ્ધિને કારણે નાતાલનો પ્રદેશ દક્ષિણ આફ્રિકામાં ‘ગાર્ડન પ્રૉવિન્સ’થી જાણીતો બનેલો છે. પાઇન અને સખત લાકડું આપતાં વૃક્ષોની સંખ્યા અહીં ઘણી છે. અંદર સીમાવર્તી ભૂમિભાગની આબોહવા પ્રમાણમાં સૂકી રહે છે, ત્યાં વરસાદનું પ્રમાણ 600 મિમી. જેટલું રહે છે. શિયાળાનું તાપમાન પણ આ ભાગમાં ઓછું હોય છે. આ ભાગમાં છૂટાંછવાયાં વૃક્ષો સહિત ઘાસ પ્રકારની વનસ્પતિ થાય છે. પશ્ચિમે ઊંચાણવાળા ભાગોમાં વરસાદ વધુ પડે છે, કેટલાક વિસ્તારોમાં વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,000 મિમી.થી પણ વધુ રહે છે. શિયાળાનું તાપમાન તદ્દન નીચું જતું રહે છે. ક્યારેક ડ્રેકન્સબર્ગ પર્વત પર હિમવર્ષા પણ થાય છે. ઉત્તરી નાતાલ(ઝુલુલૅન્ડ)માં મિશ્ર પ્રકારની વનસ્પતિ (અયનવૃત્તીય ઘાસભૂમિ–સવાના) થાય છે, ત્યાં રમતગમત માટેનાં ઉદ્યાનો વિકસાવવામાં આવેલાં છે.
આર્થિક પ્રવૃત્તિઓ : ખેતી : ફળદ્રૂપ જમીન, પૂરતો વરસાદ અને ગરમ હૂંફાળી આબોહવાને કારણે આ પ્રાંતમાં ખેતીનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. અહીં 4,000 હેક્ટર જમીન આવરી લેતાં આશરે 7,000 જેટલાં ખેતરો છે. ઝાકળમુક્ત વિભાગોમાં ઉગાડાતી શેરડી આ વિસ્તારની મુખ્ય કૃષિપેદાશ છે, જેને લીધે આ પ્રાંતમાં ખાંડનું ઉત્પાદન કરતા એકમો વધુ વિકસ્યા છે. મહત્ત્વની અન્ય કૃષિપેદાશોમાં મકાઈ, શાકભાજી, ફળફળાદિ ઉલ્લેખનીય છે. સંબંધિત પેદાશો અને વ્યવસાયમાં ઢોરનું માંસ અને મરઘાંઉછેર ગણાવી શકાય.
ખાણઉદ્યોગ : નાતાલમાં કોલસાનો સમૃદ્ધ ભંડાર છે. કોલસાનાં ક્ષેત્રો ઉત્તર વિભાગમાં આવેલાં છે. કિનારા પરનું રિચાર્ડ્ઝ બે કોલસા નિકાસ માટેનું મુખ્ય બારું છે. આ ઉપરાંત લોહ, ટિટેનિયમ અને ઝર્કોનિયમનાં ખનિજો અહીંની મુખ્ય પેદાશો છે.
ઉત્પાદન–એકમો : આ પ્રાંતમાં ખાદ્યપ્રક્રમણ (ફળોની વાનગીઓ), પીણાં, રસાયણો, કપડાં અને કાપડ-ઉદ્યોગ, લોખંડ-પોલાદના એકમો, ઇમારતી લાકડાં તથા ચામડાની ચીજવસ્તુઓ બનાવતા એકમો, તેમજ તેલશુદ્ધીકરણ કારખાનાંનો વિકાસ થયો છે. ડર્બન નાતાલમાં ઉત્પન્ન થતી પેદાશો માટેનું ઔદ્યોગિક કેન્દ્ર બની રહેલું છે. આ ઉપરાંત, દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થતી 13% પેદાશો માટે પણ ડર્બન નજીક આવેલાં પાઇનટાઉન અને ઇનાન્ડા અગત્યનાં મથકો છે. ડર્બન પાઇનટાઉનમાં 6,000 થી વધુ કારખાનાં આવેલાં છે. નાતાલના અર્થતંત્રમાં પ્રવાસન-ઉદ્યોગ પણ મહત્વ ધરાવે છે.
પરિવહન : ડર્બન સમગ્ર દક્ષિણ આફ્રિકા માટે ધમધમતું બારું બની રહેલું છે, જે પ્રતિવર્ષ લગભગ 2.5 કરોડ મેટ્રિક ટન માલની હેરફેર કરે છે. ત્યાંથી ઈશાનમાં કિનારા પર આવેલું રિચાર્ડ્ઝ બે પણ એટલું જ અગત્યનું બીજા ક્રમે આવતું બંદર છે, જ્યાંથી 4 કરોડ મેટ્રિક ટન માલની હેરફેર થાય છે. ડર્બન અને જોહાનિસબર્ગ હવાઈ સેવાઓથી સંકળાયેલાં છે. આ પ્રાંતમાં 380 કિમી.ના દ્વિમાર્ગી રેલરસ્તા, 560 કિમી.ના એકમાર્ગી રેલરસ્તા અને 9,500 કિમી.ના સડકમાર્ગો છે. ડર્બન અને પીટરમૅરિટ્ઝબર્ગ વચ્ચે મુખ્ય ધોરી માર્ગ છે. આ પ્રાંત દક્ષિણ આફ્રિકાનાં ઘણાંખરાં શહેરો અને નગરો સાથે રેલવેથી સંકળાયેલો છે. જથ્થાબંધ ખનિજ પેદાશોની નિકાસ માટે રિચાર્ડ્ઝ બે સુધીનો ખાસ રેલમાર્ગ બનાવવામાં આવેલો છે.
સંદેશાવ્યવહાર : ‘સનડે ટ્રિબ્યૂન’, ‘ઈલાન્ગા પોસ્ટ’, ‘ડેઈલી ન્યૂઝ’, ‘નાતાલ મરક્યૂરી’ અને ‘ટેમ્પો’ અહીંનાં અગત્યનાં સમાચારપત્રો છે. રાષ્ટ્રીય કક્ષાનું ‘સાઉથ પૉર્ટ નાતાલ’ પ્રાદેશિક રેડિયો સેવા આપે છે. નૅશનલ સાઉથ આફ્રિકન રેડિયો અને ટેલિવિઝન નેટવર્ક અહીંથી માહિતીપ્રસારણ સેવા આપે છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રે પણ રેડિયો અને ટીવી સેવાઓ ઉપલબ્ધ છે.
વસ્તી : નાતાલની કુલ વસ્તી આશરે 24,30,753 (1993) છે. અશ્વેત વસ્તીમાં મુખ્યત્વે ઝુલુ જાતિના લોકો છે, તો એશિયન મૂળના લોકોમાં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તી ભારતીયોનું પ્રમાણ વિશેષ છે. હિન્દુઓ હિન્દુસ્તાની, ગુજરાતી, તમિળ, તેલુગુ અને મુસ્લિમો ગુજરાતી અને ઉર્દૂ ભાષા બોલે છે. દક્ષિણ આફ્રિકામાં વસતા કુલ હિન્દુઓમાંથી આશરે 85% આ પ્રાંતમાં અને તે પૈકીના મોટા ભાગના ડર્બન શહેરમાં વસે છે. નાતાલમાં વસતા ગોરા લોકો મૂળ બ્રિટિશ વસાહતીઓના જ વંશજો છે, તેઓ અંગ્રેજી ભાષા બોલે છે. અન્ય ગોરાઓ ડચમાંથી ઊતરી આવેલી આફ્રિકાન્સ ભાષાનો ઉપયોગ કરે છે. પીટરમૅરિટ્ઝબર્ગ, ડર્બન, પાઇનટાઉન અને ઇનાન્ડા નાતાલના ગીચ વસ્તીવાળા વિસ્તારો છે.
વહીવટ : પીટરમૅરિટ્ઝબર્ગ એ નાતાલનું વહીવટી મથક છે. તે સર્વોચ્ચ અદાલતનું કેન્દ્ર પણ છે. નાતાલ એ પ્રાંત હોઈ, પ્રાંતીય કાઉન્સિલમાં એક વહીવટકર્તા હોય છે, તેને મદદરૂપ થવા માટે ચૂંટાયેલા સભ્યો અને વહીવટી સમિતિ હોય છે. અહીંની વસ્તી 3.03 લાખ (2020)
ઇતિહાસ : ચોથા અને પાંચમા સૈકા દરમિયાન જ્યારે લોહયુગના માનવો અહીં આવેલા ત્યારે નાતાલ ખોઈસાન શિકારી ટોળકીઓનું વતન હતું. 1000ના અરસામાં, ગુની (Nguni) ભાષા બોલતા નવા વસાહતીઓનો સમૂહ અહીં આવેલો અને વસવાટ કરેલો. 1497ના ડિસેમ્બરમાં પોર્ટુગીઝ સફરી વાસ્કો દ ગામા અહીં આવેલો, તેણે આ વિસ્તારને ‘ટેરા દો નાતાલ’ (ઈસુ ખ્રિસ્તની જન્મભૂમિ) એવું નામ આપ્યું. 18મી અને 19મી સદીના શરૂઆતના ગાળા સુધી અન્ય કોઈ યુરોપિયન લોકોએ આ પ્રદેશ માટે ખાસ રસ દાખવેલો નહિ. 1820ના દસકા દરમિયાન, ઝુલુ રાજવી શાકાએ નાતાલના ગુની લોકોને વસ્તીવિસ્તૃતિના આશયથી છૂટા છૂટા વસાવેલા. તે પછી 1824માં કેટલાક યુરોપિયનો વેપાર માટે શાકાના દરબારમાં આવેલા, શાકાએ ડર્બન નજીક ભૂમિ આપેલી. બ્રિટિશ લોકોની આ પ્રથમ વસાહત હતી. 1837 થી 1842ના ગાળા દરમિયાન કેટલાક સંઘર્ષો થયા અને 1843માં આ પ્રદેશ બ્રિટિશ શાસન હેઠળ આવરી લેવામાં આવ્યો. 1844માં તે કેપ કૉલોનીનો પ્રાંત બન્યો અને 1856માં અલગ સંસ્થાન બન્યું. 1870થી 1880 દરમિયાન ઝુલુઓ અને બ્રિટિશ સત્તા-વહીવટ વચ્ચે સંઘર્ષો થયા. 1893માં બ્રિટિશ સરકારે નાતાલને જવાબદાર સરકારનો વહીવટ સોંપ્યો. 1899થી 1902 દરમિયાન ઍંગ્લો-બોઅર યુદ્ધ થયું. 1910માં દક્ષિણ આફ્રિકા સંઘમાં નાતાલનું વિલીનીકરણ કરવામાં આવ્યું, ત્યારથી નાતાલ તેનો પ્રાંત બનેલો છે. હવે નાતાલ ક્વાઝુલુ નાતાલ નામથી ઓળખાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ગિરીશભાઈ પંડ્યા