નાણાવિભ્રમ : વ્યક્તિ વિવિધ આર્થિક પરિમાણોનાં નાણાકીય મૂલ્યોને નજર સમક્ષ રાખે અને વધેલા ભાવો પ્રમાણે તેમનાં વાસ્તવિક મૂલ્યોને ધ્યાનમાં ન લે તો તે નાણાવિભ્રમથી પીડાય છે એમ કહેવાય. દા. ત. સીંગતેલની કિંમત 1961માં એક કિગ્રા.ના રૂ. 2 હતી અને 1996માં તે રૂ. 40 હતી એ હકીકતને વ્યક્તિ ધ્યાનમાં લે, પરંતુ એ સમયગાળા દરમિયાન નાણાંમાં વધેલી પોતાની આવકને ગણતરીમાં ન લે તો તેનું વર્તન નાણાવિભ્રમથી પ્રેરિત છે એમ કહેવાય. તેનાથી ઊલટું પણ બની શકે. વ્યક્તિ તેની નાણાંમાં વધેલી આવક્ધો ધ્યાનમાં લે, પરંતુ ચીજવસ્તુઓના વધેલા ભાવોને નજર સમક્ષ ન રાખે તો તે નાણાવિભ્રમ ધરાવે છે એમ કહેવાય. વધતા જતા ભાવોની સ્થિતિમાં લોકો વત્તા-ઓછા સમય માટે આ પ્રકારના નાણાવિભ્રમથી પ્રેરિત વર્તન કરતા હોય છે.
રમેશ ભા. શાહ