નાણાવાદ : સમગ્રલક્ષી આર્થિક સિદ્ધાંત અને નીતિ અંગેનો એક પ્રભાવશાળી નીવડેલો અભિગમ. આ અભિગમમાં નાણાકીય રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરતા મુખ્ય પરિબળ તરીકે નાણાંના પુરવઠા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણાં માટેની માંગ સ્થિર રહે છે એ તેનું પાયાનું અનુભવમૂલક પ્રતિપાદન છે.

ભૂમિકા : મૂડીવાદી દેશોમાં પ્રવર્તતી આર્થિક અસ્થિરતા માટે એ દેશોમાં થતાં મૂડીરોકાણોની અસ્થિરતા જવાબદાર છે એવો મત કેઈન્સે રજૂ કર્યો હતો. કેઈન્સના વિશ્લેષણમાંથી બીજા બે મુદ્દાઓ પણ ફલિત કરવામાં આવ્યા હતા : એક, અર્થતંત્રમાં સર્જાતી આર્થિક અસ્થિરતાને, ખાસ કરીને મંદીને નિવારવાના દૃષ્ટિબિંદુથી નાણાકીય નીતિ અસરકારક નીવડી શકે તેમ નથી. તેથી સરકારે તેની રાજકોષીય નીતિ(કરવેરા અને જાહેર ખર્ચ)નો ઉપયોગ આર્થિક સ્થિરતા માટે કરવો જોઈએ. બીજું, બજારતંત્ર ઉપર આધારિત મૂડીવાદી વ્યવસ્થામાં વ્યાપક બેકારીના રૂપમાં જે અસ્થિરતા સર્જાય છે તે બજારનાં પરિબળો દ્વારા આપમેળે દૂર ન પણ થાય, તે બેકારીને નિવારવા માટે રાજ્ય તેની નીતિઓ દ્વારા દરમિયાનગીરી કરે તે આવશ્યક છે.

કેઈન્સના ઉપર્યુક્ત વિચારોની સામે અમેરિકામાં મિલ્ટન ફ્રીડમૅને નાણાવાદી પ્રતિક્રાંતિને જન્મ આપ્યો. તેમણે 1929ની મહામંદીનો અનુભવમૂલક અભ્યાસ કરીને એવું પ્રતિપાદન કર્યું કે એ મંદી નાણાંના પુરવઠામાં થયેલા મોટા ઘટાડાનું પરિણામ હતું. તેમણે અમેરિકાના નાણાકીય ઇતિહાસના આધારે એવું સિદ્ધ કરવાની કોશિશ કરી કે વાસ્તવમાં નાણાકીય નીતિ એક ખૂબ શક્તિશાળી શસ્ત્ર છે, મૂડીવાદી દેશોમાં આર્થિક અસ્થિરતાને ખાળવા માટે નાણાંના પુરવઠાનું નિયંત્રણ કરવું જરૂરી છે એવી તેમણે રજૂઆત કરી. આને પરિણામે અમેરિકામાં 1970 સુધીમાં આર્થિક નીતિની બાબતમાં પ્રવર્તતા વિવાદે નાણાવાદીઓ વિરુદ્ધ રાજકોષીય નીતિવાદીઓનું સ્વરૂપ ધારણ કર્યું.

નાણાવાદનું વિષયવસ્તુ બે મુખ્ય બાબતોનું બનેલું છે : સમગ્રલક્ષી અર્થશાસ્ત્રીય સિદ્ધાંતમાં નાણાંની ભૂમિકા (role) અને ટૂંકા ગાળાની આર્થિક સ્થિરતા માટેની નીતિમાં નાણાકીય નીતિની ભૂમિકા.

સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની એક પાયાની સમસ્યા મૂડીવાદી દેશોમાં જોવા મળતી આર્થિક અસ્થિરતા છે. નાણાવાદી અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે ખાનગી મિલકતના અધિકાર પર આધારિત મૂડીવાદી પ્રથા મૂળભૂત રીતે સ્થિર છે. તેમાં જે અસ્થિરતા જોવા મળે છે તેના મૂળમાં નાણાકીય અસ્થિરતા રહેલી છે. નાણાંના પુરવઠાના વૃદ્ધિદરની અસ્થિરતા અર્થતંત્રમાં ઉત્પાદન, રોજગારી અને ભાવસપાટીમાં અસ્થિરતા સર્જે છે. આના ખુલાસા રૂપે એમ કહેવામાં આવે છે કે અર્થતંત્રમાં થતી નાણાં માટેની માંગ સ્થિર હોય છે, એટલે કે લોકોની આવક, અન્ય અસ્કામતો પર વળતરના દર, લોકો પાસે રહેલી સંપત્તિ વગેરે પરિબળોના સંદર્ભમાં નાણાં માટેની માંગ સ્થિર છે. એ પરિબળો બદલાતાં નાણાં માટેની માંગ બદલાશે. તે કેટલી અને કઈ દિશામાં બદલાશે તેની આગાહી કરી શકાય. નાણા માટેની માંગની આ આગાહી-ક્ષમતાને આધારે, નાણાં માટેની માંગ સ્થિર છે એમ કહેવામાં આવે છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સર્જાતી આર્થિક અસ્થિરતાનું પાયાનું કારણ નાણાંના પુરવઠાની અસ્થિરતામાં પડેલું છે એવું નાણાવાદીઓનું તારણ નાણાં માટેની માંગ સ્થિર છે એવી ધારણા પર આધારિત છે. આ ધારણાને જો અનુભવમૂલક અભ્યાસોમાં સમર્થન ન સાંપડે તો નાણાવાદી પૃથક્કરણમાંથી નીકળતાં તારણો ટકી શકે નહિ.

નાણાવાદના અન્ય કેટલાક મુદ્દાઓ ઉપરના મુદ્દાઓની સાથે તાર્કિક રીતે સંકળાયેલા છે. નાણાંનો પુરવઠો બાહ્ય પરિબળો દ્વારા નક્કી થાય છે, આંતરિક પરિબળો દ્વારા નક્કી થતો નથી, એટલે કે રાષ્ટ્રીય પેદાશ, ભાવસપાટી વગેરે આંતરિક પરિબળોનું મૂલ્ય વધવાથી નાણાનો પુરવઠો વધતો નથી, પરંતુ સરકારના અંદાજપત્ર પરની ખાધ અને મધ્યસ્થ બૅંકની નાણાકીય નીતિ જેવાં બાહ્ય પરિબળોથી નાણાંના પુરવઠામાં વધારો-ઘટાડો થાય છે અને તેના પરિણામે ઉત્પાદન, રોજગારી, ભાવસપાટી વગેરેમાં વધઘટ થાય છે.

નાણાંના પુરવઠામાં થતા વધારાથી, નાણાં માટેની માંગ સ્થિર હોઈ, અર્થતંત્રમાં થતી કુલ માંગ નિશ્ચિત પ્રમાણમાં વધે છે, એટલે કે અર્થતંત્રમાં થતું કુલ ખર્ચ વધે છે. કુલ માંગ અથવા ખર્ચમાં થતા ફેરફારોને નાણાંના પુરવઠાના વૃદ્ધિદરોના ફેરફારોના આધારે સમજાવી શકાય.

નાણાંનો પુરવઠોએક પ્રભાવક પરિબળ : નાણાવાદી વિશ્લેષણમાં આર્થિક પ્રવૃત્તિઓના સ્તરને નક્કી કરવામાં નાણાકીય પરિબળો નિર્ણાયક ભાગ ભજવે છે. નાણાકીય (nominal) રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરવામાં નાણાંના જથ્થાના ફેરફારો સહુથી વધારે પ્રભાવક પરિબળ છે. અર્થતંત્રમાં લાંબા ગાળામાં વાસ્તવિક આવકની સપાટી બચત, મૂડીરોકાણ અને ટૅકનૉલૉજી જેવાં વાસ્તવિક પરિબળો દ્વારા નક્કી થાય છે. ટૂંકા ગાળામાં નાણાંના જથ્થાના ફેરફારો નાણાકીય રાષ્ટ્રીય આવકની સપાટી નક્કી કરે છે, એ મુદ્દામાં બે બાબતો અભિપ્રેત છે : તેનાથી વાસ્તવિક ઉત્પાદનમાં વધારો-ઘટાડો થઈ શકે અને/અથવા ભાવસપાટીમાં વધારો-ઘટાડો થઈ શકે. નાણાવાદનો આ પાયાનો મુદ્દો નાણાપરિમાણના સિદ્ધાંતમાં અભિપ્રેત છે. સત્તરમી સદીમાં રજૂ થયેલા આ સિદ્ધાંતને આધુનિક અર્થશાસ્ત્રીઓ નીચેના સમીકરણ દ્વારા રજૂ કરે છે :

MV = PO.

ઉપરના સમીકરણમાં M નાણાંનો (nominal) પુરવઠો દર્શાવે છે, V નાણાંનો આવક-ચલણવેગ દર્શાવે છે. PO રાષ્ટ્રીય પેદાશનું ચાલુ ભાવોએ નાણાકીય મૂલ્ય દર્શાવે છે, જેને નાણાકીય આવક કહેવામાં આવે છે. તેમાં P સરેરાશ ભાવસપાટી અને O ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન દર્શાવે છે.

અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં થતા ફેરફારો કયા માર્ગે ઉત્પાદન, રોજગારી અને ભાવસપાટીને અસર પહોંચાડે છે એ બાબતમાં નાણાવાદી અને કેઈન્સવાદી અર્થશાસ્ત્રીઓના દૃષ્ટિબિંદુમાં મહત્વનો તફાવત છે. કેઈન્સવાદી અર્થશાસ્ત્રીઓના વિશ્લેષણ પ્રમાણે નાણાંના પુરવઠામાં થતા ફેરફારો વ્યાજના દરમાં ફેરફાર નિપજાવીને મૂડીરોકાણ પર અસર પહોંચાડે છે અને મૂડીરોકાણમાં થતા ફેરફારો ઉત્પાદન, રોજગારી અને ભાવસપાટી પર અસર પાડે છે; કેટલાક કેઈન્સવાદીઓ એમ માને છે કે વ્યાજના દરમાં થતા ઘટાડાના જવાબ રૂપે મૂડીરોકાણમાં અલ્પ વધારો થાય છે. તેથી નાણાંનાં પુરવઠામાં થતા વધારાની અર્થતંત્ર પરની વિસ્તરણદાયક અસર અલ્પ અને અનિશ્ચિત હોય છે. નાણાકીય નીતિની કાર્યસાધકતા અંગે કેઈન્સવાદીઓની અશ્રદ્ધાના મૂળમાં તેમનું ઉપર્યુક્ત દૃષ્ટિબિંદુ રહેલું છે.

નાણાવાદીઓ એમ માને છે કે લોકો નાણાંને વપરાશની ચીજો, મૂડીની ચીજો અને નાણાકીય અસ્કામતોની અવેજી વસ્તુ તરીકે જુએ છે. તેથી નાણાંના પુરવઠામાં વધારો થતાં, લોકોની નાણાં માટેની માંગ વધી ન હોવાથી, લોકો નાણાંની અવેજીમાં અન્ય વસ્તુઓ અને અસ્કામતો ખરીદવાનું પસંદ કરે છે. આમ નાણાંના પુરવઠામાં વધારો થવાથી પ્રત્યક્ષ રીતે જ અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને નાણાકીય અસ્કામતો માટેની માંગ વધવાથી તેની અર્થતંત્ર પર નિશ્ચિત રીતે વિસ્તરણદાયક અસર પડે છે. અલબત્ત, નાણાંના પુરવઠામાં થતા વધારાથી ઉત્પાદન કેટલું વધશે અને ભાવો કેટલા વધશે તેનો આધાર અર્થતંત્રમાં બેકારી કેટલા પ્રમાણમાં પ્રવર્તે છે તેના પર રહેલો છે. અર્થતંત્રમાં જો બેકારી વ્યાપક હોય તો ઉત્પાદન વિશેષ વધે અને ભાવો  ઓછા વધે. એક મુદ્દો નિશ્ચિત છે : નાણાંનો પુરવઠો વધતાં રાષ્ટ્રીય નાણાકીય આવક (ઉત્પાદન × ભાવો) નિશ્ચિત રીતે વધશે.

અર્થતંત્રમાં નાણાંનો વધતો પુરવઠો કઈ પ્રક્રિયા દ્વારા ઉત્પાદન, ભાવસપાટી વગેરે પર અસર પાડે છે તેને અંગેનાં વિભિન્ન દૃષ્ટિબિંદુઓને પરિણામે કેઈન્સવાદી અને નાણાવાદી અર્થશાસ્ત્રીઓ નાણાકીય નીતિના લક્ષ્યની બાબતમાં પણ જુદા પડે છે. કેઈન્સવાદીઓ નાણાકીય નીતિ  દ્વારા વ્યાજના દરને નિયંત્રિત કરવાની હિમાયત કરે છે, જ્યારે નાણાવાદીઓ નાણાંના પુરવઠાને નિયંત્રિત કરવાની હિમાયત કરે છે.

નાણાં માટેની માંગ : નાણાવાદી અર્થશાસ્ત્રીઓના વિશ્લેષણમાં પાયાનો મુદ્દો નાણા માટેની માંગનો છે. મિલ્ટન ફ્રીડમૅને નાણાપરિમાણના સિદ્ધાંતનું જે નવસંસ્કરણ કર્યું તેમાં તેમણે એ મુદ્દો ભારપૂર્વક રજૂ કર્યો હતો કે નાણાપરિમાણનો સિદ્ધાંત ભાવસપાટીની સમજૂતી આપતો સિદ્ધાંત નથી, પરંતુ નાણાં માટેની માંગની સમજૂતી આપતો સિદ્ધાંત છે. નાણાં માટેની માંગ અંગે કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓએ રોકડ પુરાંતના સિદ્ધાંત(કેમ્બ્રિજ સમીકરણ)ના સ્વરૂપે ચર્ચા કરી હતી. કેઈન્સે પણ તેમના પ્રસિદ્ધ પુસ્તક ‘જનરલ થિયરી’માં નાણાં માટેની માંગના  ત્રણ હેતુઓ રજૂ કરીને નાણાંની માંગ પર અસર કરતાં પરિબળોની ચર્ચા કરી હતી.

અમેરિકાના અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમૅને 1956માં નાણાપરિમાણના સિદ્ધાંતનું જે નવસંસ્કરણ કર્યું તેમાં તેમણે પોતાની આગવી રીતે નાણાં માટેની માંગનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. અલબત્ત, ફ્રીડમૅને રજૂ કરેલા સિદ્ધાંતનાં બીજ નાણાપરિમાણના, રોકડ-પુરાંતના તથા કેઈન્સના સિદ્ધાંતમાં પડેલાં હતાં.

ફ્રીડમૅને નાણાં માટેની માંગને વપરાશની ટકાઉ (durable) વસ્તુની માંગની જેમ હાથ ધરી છે. મકાન, રેફ્રિજરેટર જેવી વપરાશની ટકાઉ વસ્તુઓમાંથી તેના ધારકને તે વસ્તુઓના જીવનકાળ દરમિયાન સેવા મળ્યા કરે છે, જેમાંથી તેને તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે. નાણાંમાંથી પણ તેના ધારકને સેવાઓ સાંપડે છે (એટલે કે તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે). તેથી નાણાંને એક અસ્કામત તરીકે જોવામાં આવે છે અને નાણાંનો જથ્થાસ્વરૂપે વિચાર કરીને તેને માટેની માંગનું વિશ્લેષણ કરવામાં આવે છે. નાણાં હાથ પર રાખવાથી મળતી સેવાઓ આ પ્રમાણે છે :  સગવડ, તેનું બજારમૂલ્ય ભાખી શકાય તેવું સ્થિર હોવાની હકીકતમાંથી મળતી સેવાઓ, નાણું પાસે હોવાનું ગૌરવ, નાણું હાથ પર હોવાથી સાંપડતી સલામતીની લાગણી, વગેરે.

અન્ય કોઈ પણ અસ્કામતની જેમ, નાણાં માટેની માંગ મુખ્ય ત્રણ પરિબળો પર આધાર રાખે છે : (1) વ્યક્તિની પાસે રહેલી કુલ સંપત્તિ : વ્યક્તિ વધુમાં વધુ કેટલાં નાણાં હાથ પર રાખી શકશે તેની મર્યાદા તેની પાસે રહેલી કુલ સંપત્તિ નક્કી કરે છે. (સામાન્ય વપરાશની વસ્તુઓ માટેની માંગને વ્યક્તિની આવકની મર્યાદા હોય છે.)

(2) સાપેક્ષ વળતર : નાણાં હાથ પર રાખવાથી વ્યક્તિને જે વળતર પ્રાપ્ત થાય તેની અન્ય અસ્કામતો હાથ પર રાખવાથી મળનાર વળતરની સાથે તુલના કરીને વ્યક્તિ અસ્કામતોની પસંદગી કરે છે. નાણું અનેક નાણાકીય અને વાસ્તવિક અસ્કામતો પૈકીની એક અસ્કામત છે.

(3) સંપત્તિ ધરાવનાર વ્યક્તિની રુચિ અને પસંદગી : સરખા મૂલ્યની સંપત્તિ ધરાવતા લોકોની વિવિધ અસ્કામતો હાથ પર રાખવાની રુચિ વિભિન્ન હોય છે. (સામાન્ય વસ્તુ માટેની માંગ નક્કી કરતું એક પરિબળ વસ્તુ માટેની રુચિ છે.)

ફ્રીડમૅનનો સંપત્તિનો ખ્યાલ વિસ્તૃત છે. તેમાં વ્યક્તિની ભૌતિક (બિનમાનવીય) સંપત્તિની સાથે માનવીય સંપત્તિનો સમાવેશ તેમણે કર્યો છે. બિનમાનવીય સંપત્તિમાં બૉન્ડ, શૅર વગેરે નાણાકીય અસ્કામતો અને વપરાશની ટકાઉ વસ્તુઓ જેવી વાસ્તવિક અસ્કામતોનો સમાવેશ થાય છે. સૈદ્ધાંતિક રીતે જોઈએ તો વ્યક્તિ પોતાને મળતી આવકનો ઉપયોગ કરવાનો અધિકાર વેચીને તેના દ્વારા મળતાં નાણાં પોતાના હાથ પર  રાખી શકે, પરંતુ ગુલામો માટેનાં બજારો ન હોવાથી આ વિકલ્પ વ્યક્તિને વ્યવહારમાં ઉપલબ્ધ નથી. તેથી નાણાં માટેની માંગને અસર કરતાં પરિબળોમાં ફ્રીડમૅન માનવીય સંપત્તિ : બિન-માનવીય સંપત્તિ એ ગુણોત્તરનો સમાવેશ કરે છે. કુલ સંપત્તિ ઉપરાંતનું આ પરિબળ છે. અન્ય પરિબળો સમાન હોય તો કુલ સંપત્તિમાં જેમ માનવીય સંપત્તિનું પ્રમાણ વધારે હોય તેમ નાણાં માટેની માંગ વધે છે; કેમ કે, જરૂર પડ્યે માનવીય સંપત્તિનું રૂપાંતર નાણાંમાં થઈ શકતું નથી.

નાણાં માટેની માંગ ઉપર અસર કરતાં જે વિવિધ પરિબળોની ઉપર ચર્ચા કરવામાં આવી છે, તેમને એક વિધેયના રૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય :

W = માનવીય સંપત્તિનો કુલ સંપત્તિ સાથેનો ગુણોત્તર

ઉપરનાં બે પરિબળો વ્યક્તિ કુલ વધુમાં વધુ કેટલી સંપત્તિ નાણાંના રૂપમાં રાખી શકે તેની મર્યાદા દર્શાવે છે.

Rb = બૉન્ડના રૂપમાં સંપત્તિ રાખવાથી પ્રાપ્ત થતું ચોખ્ખું વળતર

Re = શૅરના રૂપમાં સંપત્તિ હાથ પર રાખવાથી પ્રાપ્ત થતું ચોખ્ખું વળતર

 = ભાવસપાટીના ફેરફારનો દર

ઉપરનાં ત્રણ પરિબળો નાણાં પર તેમજ તેની હરીફ અસ્કામતો પર પ્રાપ્ત થતું વળતર દર્શાવે છે.

u = વ્યક્તિની રુચિ અને પસંદગી

ફ્રીડમૅન દ્વારા નાણાપરિમાણના સિદ્ધાંતનું જે નવસંસ્કરણ કરવામાં આવ્યું છે તે હકીકતમાં નાણાં માટેની માંગના કેઈન્સવાદી અભિગમનું વધુ શાસ્ત્રીય સ્વરૂપ જ છે એવી એક દલીલ કરવામાં આવી છે. ફ્રીડમૅને પોતે એ સ્વીકાર્યું છે કે કેઈન્સના રોકડ-પસંદગીના અભિગમનો તેમના પર ઘણો પ્રભાવ પડેલો છે તેમ છતાં તેમના અને કેઈન્સવાદીઓના અભિગમ વચ્ચે કેટલાક મહત્વના તફાવતો છે : એક, નાણું એક નાણાકીય અસ્કામત છે એ મુદ્દાને નોંધપાત્ર ગણીને ફ્રીડમૅન તેની કોઈ લાક્ષણિકતા પર ભાર મૂકતા નથી. તેઓ નાણાંને અન્ય ટકાઉ વપરાશની વસ્તુની સમકક્ષ ગણીને જ તેને માટેની માંગનો વિચાર કરે છે. આની વિરુદ્ધ કેઈન્સવાદી અભિગમમાં નાણું એક નાણાકીય અસ્કામત છે તે  મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો છે. બીજું, ફ્રીડમૅને એવો દાવો કર્યો છે કે અનુભવમૂલક રીતે તપાસતાં નાણાં માટેની માંગ જૂજ પરિબળો પર અવલંબે છે અને તે પરિબળોના સંદર્ભમાં નાણાં માટેની માંગ સ્થિર છે. કેઈન્સ અને કેઈન્સવાદીઓ નાણાં માટેની માંગ અસ્થિર છે એમ માને છે. ત્રીજું, ફ્રીડમૅન ફુગાવાના અપેક્ષિત દરને નાણાં માટેની માંગના વિધેયમાં એક પરિબળ તરીકે સ્થાન આપે છે, જ્યારે કેઈન્સવાદીઓ ભાવસપાટીને સ્થિર ધારીને ચાલે છે. જો ભાવવધારાનો દર ઝડપી હોય તો નાણાંનું વાસ્તવિક મૂલ્ય ઝડપથી ઘટે છે અને તેને પરિણામે હાથ પર રાખવામાં આવેલાં નાણાં પર ઋણ વળતર પ્રાપ્ત થાય છે. તેથી ફુગાવાના અપેક્ષિત દર અને વાસ્તવિક રોકડ પુરાંતો માટેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ હોવાની આગાહી ફ્રીડમૅને કરી.

નાણાં માટેની માંગઅનુભવમૂલક કસોટીઓ : મિલ્ટન ફ્રીડમૅને નાણાં માટેની માંગ અંગે જે તારણો કાઢ્યાં હતાં તે મૂળભૂત રીતે અનુભવમૂલક અભ્યાસનું પરિણામ હતું. નાણાં માટેની માંગ જૂજ પરિબળો પર અવલંબે છે અને તે પરિબળોના સંદર્ભમાં તે સ્થિર છે એ તારણો સૈદ્ધાંતિક રીતે, એટલે કે માનવવર્તનના નિરીક્ષણની વ્યાપ્તિ રૂપે મેળવાયેલાં નથી. તે એક હકીકતનો પશ્ન હોય એ રીતે તેની રજૂઆત થયેલી હોવાથી, તેના સંદર્ભમાં સંખ્યાબંધ અભ્યાસો થયા છે.

1971 પહેલાં થયેલા અભ્યાસોમાંથી સાંપડેલાં તારણોના આધારે નાણાવાદી અર્થશાસ્ત્રીઓએ એવો દાવો કર્યો હતો કે વાસ્તવિક નાણાં માટેની માંગ જૂજ પરિબળો પર આધાર રાખે છે અને તે તેમના સંદર્ભમાં સ્થિર છે. આ પરિબળોમાં વ્યાજનો દર અને સંપત્તિ એ બે મુખ્ય પરિબળો તરીકે ઊપસી આવ્યાં છે.

1971 પછીનાં વર્ષોમાં થયેલા અભ્યાસોએ નાણાં માટેની માંગ સ્થિર હોવા વિશે સંદેહ અને વિવાદ ઊભો કર્યો છે. નાણાવાદના પ્રખર પુરસ્કર્તા ડેવિડ લેડરલેએ 1986માં આ વાતનો સ્વીકાર કર્યો છે. આમ નાણાવાદ જે બુનિયાદ પર રચાયેલો છે તે નાણાં માટેની માંગની સ્થિરતા વિવાદાસ્પદ હોવાથી, તેમાંથી સાંપડતાં નીતિવિષયક તારણો પણ વિવાદાસ્પદ બન્યાં છે.

રમેશ ભા. શાહ