નાણાવટું : વ્યાજ, વટાવ વગેરેથી નાણાંની હેરફેર કે ધીરધાર કરતો નાણાવટીનો કે શરાફનો ધંધો. ભારતમાં નાણાવટાનો ઇતિહાસ બહુ જ પ્રાચીન છે. ગૌતમ, બૃહસ્પતિ અને બોધાયને વ્યાજના દરનો ઉલ્લેખ કર્યો છે. મનુના કાયદામાં નાણાંની ધીરધારનો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં વ્યાજવટાવનો ઉલ્લેખ છે. મુઘલોના સમયમાં દેશના જુદા જુદા ભાગોમાં જુદી જુદી ધાતુનાં ચલણો હતાં, તેથી શરાફો ધીરધાર કરવા ઉપરાંત વિભિન્ન સિક્કાઓનું ખરીદ-વેચાણ પણ કરતા હતા. પાશ્ચાત્ય પ્રકારનો બૅંકવ્યવસાય ભારતમાં ઓગણીસમી સદીમાં શરૂ થઈને વીસમી સદીમાં વિકસ્યો છે, પરંતુ તે અગાઉ પણ કૌટુંબિક કે વ્યક્તિગત ધંધાના સ્વરૂપમાં સ્વદેશી બૅંકવ્યવસાય અસ્તિત્વમાં હતો. અંગ્રેજી શાસન દરમિયાન તેમને દેશી શરાફો તરીકે વર્ણવવામાં આવ્યા હતા. દેશી શરાફો ભારતના જુદા જુદા ભાગોમાં ‘શરાફ’, ‘શેઠ’, ‘શાહુકાર’, ‘મહાજન’ અને ‘ચેટ્ટી’ એમ ભિન્ન ભિન્ન નામોથી ઓળખાય છે. તેમનો વ્યાપ નાના પાયા પર નાણાં ધીરનારથી માંડીને મોટા શરાફ સુધીનો હોય છે. તેમના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે : (1) માત્ર શરાફી ધંધો કે વ્યવસાય કરનારાઓ, (2) શરાફી ધંધો અને વાણિજ્ય-દલાલીનો ધંધો સાથોસાથ કરનારાઓ તથા (3) વેપાર અને દલાલીનો ધંધો મુખ્ય વ્યવસાય તરીકે, પરંતુ સાથે સાથે થોડોઘણો શરાફી ધંધો કરનારાઓ. આમ છતાં, દેશી શરાફોનો બહુમતી વર્ગ બીજા પ્રકારનો છે. ધંધામાં તેઓ પોતાની જ મૂડી રોકે છે અને જાહેર જનતાની થાપણો અપવાદ રૂપે જ સ્વીકારે છે. તેઓ દરેક પ્રકારની જામીનગીરી જેવી કે સોનું, જરઝવેરાત, જમીન, વચનચિઠ્ઠી, હૂંડી વગેરે અને ઋણ લેનારની અંગત શાખ સામે ધિરાણ આપતા હોય છે. વળી તેઓ હૂંડીઓ વટાવે છે, ગામડાંમાંથી દેશનાં વેપારી કેન્દ્રો અને બંદરો તરફ જતા પાકની હેરફેર માટે નાણાં પૂરાં પાડે છે અને દેશી પદ્ધતિ પ્રમાણે નામું રાખે છે. ખેતીની ખૂબ કામકાજવાળી ઋતુમાં નાણાંની ખેંચ ઊભી થાય તો તેઓ બૅંકો દ્વારા હૂંડીઓનો પુનર્વટાવ કરાવે છે. દેશી શરાફો અર્થતંત્રના અસંગઠિત ક્ષેત્રના બૅંકરો ગણાય છે, પરંતુ તેમના અંગત ધીરધારના વ્યવસાયમાં તેઓ પોતાના વેપારધંધાનું જોખમ પણ ભેળવી દે છે. તેઓ ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ધિરાણમાં તથા ઋણ લેનારાઓના વિભિન્ન હેતુઓમાં ભેદભાવ રાખતા નથી. તેઓ આકરું વ્યાજ લેતા હોય છે. આમ છતાં તેઓ ભારતના નાણાબજારમાં આગવું સ્થાન ધરાવે છે.
ભારતીય રિઝર્વ બૅંક દેશી શરાફોને પોતાના કાર્યક્ષેત્રમાં લાવવા માટે 1935થી પ્રયત્નો કરતી આવી છે. તે માટે વખતોવખત તેણે વિવિધ સૂચનો કર્યાં છે; દા. ત., દેશી શરાફોએ વાણિજ્યવ્યવસાય અને વટાવનો ધંધો બંધ કરવો જોઈએ, પાશ્ચાત્ય પદ્ધતિથી નામું રાખીને તેનું ઑડિટ કરાવવું જોઈએ અને હૂંડીઓનાં સંદિગ્ધ સ્વરૂપો દૂર કરીને ફક્ત નિર્ભેળ વાણિજ્યવ્યવહાર અંગેની હૂંડીઓ લખવી જોઈએ. દેશી શરાફો જો આવાં બંધનો સ્વીકારે તો અનુસૂચિત બૅંકોને અપાતા અધિકારો તેમને આપવાનું રિઝર્વ બૅંકે વચન પણ આપ્યું હતું; પરંતુ દેશી શરાફો તેમની વર્ષોપુરાણી પોતાની સ્વતંત્ર રૂઢિઓ છોડવા માગતા નહોતા તેથી તેમણે આ બધાં સૂચનો તથા પ્રસ્તાવનો સ્વીકાર કર્યો ન હતો. દેશી શરાફોને રાષ્ટ્રની સંગઠિત બૅંકિંગ પ્રથા સાથે સાંકળવા માટે 1972ના બૅંકિંગ કમિશને તેમને માટે કરવામાં આવેલાં સૂચનોનું પુનરાવર્તન કર્યું હતું, પરંતુ દેશી શરાફોએ આ પ્રસ્તાવ સ્વીકારવા ઉત્સુકતા દર્શાવી નહોતી. ભારતીય સ્ટેટ બૅંકે ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયા ઉપર શાખાઓ ઉઘાડી હોવાથી તથા સહકારી બૅંકોનું પણ તે વિસ્તારોમાં વિસ્તરણ થવાથી દેશી શરાફોનાં ધિરાણોમાં કદાચ થોડો ઘટાડો થયો હશે, પરંતુ સંગઠિત ક્ષેત્રની બૅંકો લઈ શકતી નથી તેવું જોખમ ઉઠાવવાની દેશી શરાફોની વિશિષ્ટ લાક્ષણિકતા હોવાથી નગરો અને ગામડાંમાં તેમનો વ્યવસાય તેઓ ચાલુ રાખી શક્યા છે અને મુંબઈ, કૉલકાતા, ચેન્નાઈ અને દિલ્હી જેવાં મહાનગરોમાં તેમનું સ્થાન લગભગ યથાવત્ રહ્યું છે.
દેશના કેટલાક વિસ્તારોમાં ભાગીદારી તથા ખાનગી પેઢીઓ દ્વારા તેમના થાપણદારોને છેતરવામાં આવ્યાના બનાવો ધ્યાનમાં લઈને 1997માં એક કાયદા દ્વારા રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા ઍક્ટની કલમ 45Sમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના અન્વયે કંપની સિવાયની કોઈ પણ વ્યક્તિ પોતાનાં સગાંસંબંધી સિવાય અથવા તો પોતાના વ્યક્તિગત હેતુ સિવાય ધિરાણ કે બીજા કોઈ પણ ધંધાકીય હેતુઓ માટે કોઈ પણ પ્રકારની થાપણ સ્વીકારી શકશે નહિ. આ કાયદાના પરિણામે દેશી શરાફોની એવી પેઢીઓ જે અગાઉ થાપણો સ્વીકારી ધિરાણની પ્રવૃત્તિ કરતી હતી તે તમામ પેઢીઓ જો થાપણ સ્વીકારવા માગતી હોય તો તેમને રિઝર્વ બૅંક પાસેથી તે માટેના પરવાના લેવા પડશે અથવા તો લોકો પાસેથી થાપણો લેવાની પોતાની પરંપરાગત પ્રવૃત્તિઓ બંધ કરવી પડશે.
ભારતના અન્ય પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ શરાફો વ્યાજનો ઊંચો દર લેવા માટે જાણીતા હતા તેથી મુંબઈ શાહુકાર અધિનિયમ (Bombay Money Lenders Act – 1946) પસાર કરવામાં આવ્યો. તે શરૂઆતમાં બ્રિટિશ શાસન હેઠળના ગુજરાતના પાંચ જિલ્લામાં લાગુ પાડવામાં આવ્યો અને દેશી રજવાડાં જેમ જેમ મુંબઈ રાજ્યમાં જોડાતાં ગયાં તેમ તેમ ત્યાં પણ લાગુ પાડવામાં આવ્યો. આ અધિનયમથી શરાફોના નાણાકીય વ્યવહારો ઉપર પ્રથમ વાર રાજ્યનું અસરકારક અને પ્રગતિશીલ નિયંત્રણ દાખલ કરવાનો પ્રયાસ થયો. શરાફો માટે પરવાનો, હિસાબકિતાબ રાખવા માટેનાં પત્રકો તથા તારણવાળાં અને તારણ વગરનાં ધિરાણો ઉપર વ્યાજનો નિર્ધારિત દર આ કાયદાનાં વિશિષ્ટ અંગો હતાં. નિયંત્રણો હેઠળ કામ કરવાનું શરાફોને વસમું લાગવા માંડ્યું અને બીજી તરફ સહકારી પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો છે તેથી ગુજરાતમાં પરવાના ધરાવતા શરાફોની સંખ્યા ક્રમશ: ઘટતી ગઈ છે.
જયન્તિલાલ પો. જાની
બાળકૃષ્ણ માધવરાવ મૂળે