નાણાવટી, કમલેશ (જ. 21 મે 1950, અમદાવાદ) : ગુજરાતના જાણીતા તરવૈયા અને કોચ. બી.કૉમ., એલએલ.બી. થયા પછી તરણસ્પર્ધામાં રસ લેતા. 1968થી 1973 સુધી રાજ્યકક્ષાએ વિજેતાપદ જાળવી રાખ્યું. 1973માં લંડનના વિન્ડરમિયરમાં યોજાયેલી લાંબી તરણસ્પર્ધામાં ભાગ લીધો. 1975માં ગુજરાત રાજ્યનો સરદાર પટેલ ઍવૉર્ડ મેળવ્યો. 1977માં ભારતીય વૉટર પોલો ટીમના કૅપ્ટન બન્યા અને ભારત, શ્રીલંકા તથા બાંગ્લાદેશ વચ્ચેની વૉટર પોલો મૅચમાં સુવર્ણચંદ્રક મેળવ્યો. 11મા અને 12મા એશિયાઈ રમતોત્સવના વૉટર પોલોના રેફરી તરીકે કામગીરી બજાવી. હાલમાં તરણસ્પર્ધાનાં તાલીમ, આયોજન અને વ્યવસ્થાની કામગીરી બજાવતા કમલેશ નાણાવટીને 1994નો નાનુભાઈ સુરતી ફાઉન્ડેશનનો રમતગમતમાં સિદ્ધિ મેળવવા બદલ ઍવૉર્ડ એનાયત થયો. 2013માં હૈદરાબાદમાં જુનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં 13 વર્ષની મીના પટેલે ત્રણ રાષ્ટ્રીય વિક્રમો સર્જ્યા. નીર કોન્ટ્રાક્ટરે બે સુવર્ણચંદ્રક અને બે રજતચંદ્રક જીત્યા જ્યારે ગીતાંજલિ પાંડેએ બે સુવર્ણચંદ્રક અને એક રજતચંદ્રક મેળવ્યા. આ ત્રણેય સ્પર્ધકોને કમલેશ નાણાવટીએ તરણ સ્પર્ધાની તાલીમ આપી હતી અને એ રીતે ગૂજરાત વિદ્યાપીઠના સ્વિમિંગ પુલમાં શ્રી કમલેશ નાણાવટી આ ક્ષેત્રે નવી નવી પ્રતિભાઓને તૈયાર કરી રહ્યા છે.

કમલેશ નાણાવટી
નાનુભાઈ સુરતી