નાણાબજાર : ટૂંકા ગાળાની મૂડી પૂરી પાડતું બજાર. ઔદ્યોગિક અને વેપારી વિકાસ માટે લાંબા ગાળાનાં અને ટૂંકા ગાળાનાં – એમ બે પ્રકારનાં ધિરાણોની જરૂર પડે છે. લાંબા ગાળાની મૂડી પૂરી પાડતા બજારને મૂડીબજાર કહેવામાં આવે છે જ્યારે ટૂંકા ગાળા માટે ભિન્ન ભિન્ન સ્વરૂપે ધિરાણ પૂરું પાડતી પેઢીઓ અને સંસ્થાઓના સમૂહને નાણાબજાર કહેવામાં આવે છે. નાણાબજારનાં બે મૂળભૂત લક્ષણો છે : એક, તે સાપેક્ષ રીતે તરલ એવી અસ્કામતો જેવી કે કૉલ મની, ટ્રેઝરી બિલો, વિનિમયપત્રો અને ટૂંકા ગાળાની મુદતવાળાં સરકારી બૉન્ડો સાથે સંકળાયેલા વ્યવહારો હાથ ધરે છે અને બીજું, અમુક સ્થળોએ અથવા કેન્દ્રોએ નાણાબજાર કેન્દ્રિત થયેલું નથી હોતું.

ભારતમાં નાણાબજારને ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : સંગઠિત ક્ષેત્ર, બિનસંગઠિત ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા, સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયા, વિદેશી મુદ્રા બૅંકો, રાષ્ટ્રીયકૃત અને અન્ય શિડ્યુલ્ડ વેપારી બૅંકો, પ્રાદેશિક ગ્રામીણ બૅંકો અને કૉર્પોરેટ ક્ષેત્રમાં આવેલી નૉનબૅંકિંગ ફાઇનાન્સ કંપનીઓ સંગઠિત ક્ષેત્રના ઘટકો છે. બિનસંગઠિત ક્ષેત્રમાં શાહુકારો, મહાજન, ચેટ્ટિયાર, શરાફો વગેરે જેવા ધિરાણકર્તાઓનો સમાવેશ થાય છે. બિનસંગઠિત ક્ષેત્રમાં પણ ત્રણ ઘટકો જોવા મળે છે : જેમનો મુખ્ય ધંધો બૅંકિંગ છે એવા ધિરાણકર્તાઓ, જે બૅંકિંગની સાથે સાથે વ્યાજવટાવનો પણ ધંધો કરે છે એવા ધિરાણકર્તા અને જે પોતાની વેપારપ્રવૃત્તિની સાથે સાથે વ્યાજવટાવનો પણ ધંધો કરે છે તેવા વેપારી. આમાંનો મોટો વર્ગ હૂંડીવટાવનો ધંધો કરે છે. ભારતમાં આંતરિક વેપારના લગભગ અડધોઅડધ હિસ્સાને આ ક્ષેત્ર નાણાં પૂરાં પાડે છે. સહકારી ક્ષેત્ર આ બે ક્ષેત્રોની વચ્ચે પડે છે. આ ક્ષેત્રની સંસ્થાઓ ગ્રામવિસ્તારોને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું – એમ બંને પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. તે ગ્રામવિસ્તારોમાં પૂરક નાણાકીય સેવાઓ આપે છે. ટૂંકા ગાળાનું ધિરાણ ખેતી સાથે સંકળાયેલી ઉત્પાદક અને વેચાણપ્રવૃત્તિઓ માટે સંબંધિત મોસમોમાં પૂરું પાડવામાં આવે છે. જ્યારે મધ્યમ અને લાંબા ગાળાનું ધિરાણ ખેતીક્ષેત્રમાં હાથ ધરવામાં આવતી વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે પૂરું પાડવામાં આવે છે. રાજ્ય અને જિલ્લા કક્ષાની સહકારી ધિરાણસંસ્થાઓ તથા ગ્રામસ્તરે કાર્યરત એવી સહકારી ધિરાણમંડળીઓ આ વ્યવસ્થાના ઘટકો છે.

કોઈ પણ અર્થતંત્ર માટે નાણાબજાર અનેક રીતે મહત્વ ધરાવે છે : એક, તે વિવિધ આંતરબૅંક વ્યવહારો અને નાણાબજારમાં પ્રવર્તમાન અન્ય સાધનોની મદદથી અર્થતંત્રની વિવિધ સંસ્થાઓમાં ટૂંકા ગાળાની પુરાંતો અને ખાધ વચ્ચે મેળ બેસાડે છે. બીજું, સરકારી અંદાજપત્રમાં રહેલી ખાધને બિનફુગાવાજનક રીતે દૂર કરવામાં, વ્યાજના દરો નક્કી કરવામાં અને ખુલ્લા બજારની નીતિઓ દ્વારા નાણાકીય નીતિનો અમલ કરવામાં તે સરકારને મદદરૂપ બને છે. ત્રીજું, તે મોટી વેપારી બૅંકોની સત્તાને મર્યાદિત કરે છે અને નાની વેપારી બૅંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને નાણાં ઊભાં કરવામાં મદદરૂપ બને છે અને એ દ્વારા નાણાબજારમાં સ્પર્ધાના તત્વને વેગ આપે છે.

ભારતનું નાણાબજાર સંતોષકારક સ્થિતિમાં નથી. નાણાબજારમાં અસ્તિત્વ ધરાવતા બિનસંગઠિત ક્ષેત્રને કારણે રિઝર્વ બૅંકની નિયંત્રણાત્મક નાણા-નીતિની અસરકારકતા ઘટે છે. નાણાબજારમાં અસ્તિત્વ ધરાવતી સંસ્થાઓ અને સાધનો અપૂરતાં છે, અને તેમાં વ્યાજના અનેક દરો અસ્તિત્વ ધરાવે છે. સુવિકસિત વિનિમયપત્રના બજારની ગેરહાજરી એ ભારતીય નાણાબજારની સૌથી મોટી ખામી છે. રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાએ આ ખામીઓ દૂર કરવા અનેક પગલાં લીધાં છે. એપ્રિલ, 1991 માં રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયાએ મની માર્કેટ મ્યુચ્યુઅલ ફંડો સ્થાપવાનો નિર્ણય લીધો છે જે નાણાબજારને સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું મનાય છે.

રમેશ કાળીદાસ શાહ