નાણાકીય પત્રકો (financial statements) : ધંધાની કાર્યક્ષમતા, નફાકારકતા અને સધ્ધરતા જાણવા માટે નિશ્ચિત સમયગાળાના અંતે તૈયાર કરવામાં આવતાં હિસાબી પત્રકો; જેમાં વેપાર ખાતું, નફાનુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે. ધંધાની ઉપાર્જનશક્તિનો અંદાજ મેળવવા, તેની ઉત્પાદનશક્તિનું મૂલ્યાંકન કરવા, કંપનીની આર્થિક શક્તિનો લોન આપનાર બૅંકને ખ્યાલ આપવા, ભાવનીતિ ઘડવામાં સંચાલકોને મદદ કરવા, કંપનીધારા અને આવકવેરા અધિનિયમની જોગવાઈઓનું પાલન કરવા – એમ વિવિધ હેતુસર નાણાકીય પત્રકો તૈયાર કરવામાં આવે છે.
નાણાકીય પત્રકો તૈયાર કરવામાં હિસાબી ચોપડામાં નોંધેલી વિગતો, હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ તથા હિસાબનીસ અને સંચાલકના વ્યક્તિગત અભિપ્રાયો – એમ ત્રણ પરિબળોની અસર હોય છે. હિસાબી ચોપડામાં કાયમ મિલકતોની પડતર કિંમતે નોંધ કરેલી હોય છે, પરંતુ તેમની બજારકિંમત વધારે હોય છતાં તેની નોંધ નાણાકીય પત્રકોમાં સામાન્ય રીતે ધ્યાનમાં લેવાતી નથી. વળી કાર્યક્ષમ કંપની અધિકારીઓની કંપનીની નફાકારકતા તથા આર્થિક સુદૃઢતા ઉપર નોંધપાત્ર અસર હોય છે, છતાં તેમના સ્વાસ્થ્ય કે મૃત્યુની નોંધ હિસાબી ચોપડામાં લેવાતી નથી. આમ, હિસાબી ચોપડામાં નોંધેલી વિગત તે ત્રણ પરિબળોમાંનું પ્રથમ પરિબળ છે. આખર માલ/સ્ટૉકની કિંમત, બજારકિંમત અથવા પડતર કિંમત બેમાંથી જે ઓછી હોય તે સિદ્ધાંતના આધારે તથા અગાઉથી મળેલી આવક અને નહિ ચૂકવેલા ખર્ચના હવાલા હિસાબી પ્રણાલિકાના આધારે લખવામાં આવે છે. આમ, હિસાબી સિદ્ધાંતો અને પ્રણાલિકાઓ ત્રણ પરિબળોમાંનું બીજું પરિબળ છે. ઘસારો સીધી લીટીની પદ્ધતિએ અથવા ઘટતી જતી બાકીની પદ્ધતિએ ગણવો, આખર માલ/સ્ટૉકની પડતર કિંમત ફિફો (fifo) પદ્ધતિથી અથવા લિફો (lifo) પદ્ધતિથી નક્કી કરવી, લેણાંની ઘાલખાધ અનામતની જોગવાઈ કેટલા ટકા લેખે કરવી, અવાસ્તવિક મિલકતો કયા સમયે માંડી વાળવી તેવી અનેક બાબતો હિસાબનીસ અને સંચાલકના વ્યક્તિગત અભિપ્રાય ઉપર નિર્ભર છે. તેથી આવો અભિપ્રાય પણ ત્રણ પરિબળોમાંનું ત્રીજું બળ છે.
નાણાકીય પત્રકો અનેક મર્યાદાઓથી આચ્છાદિત હોય છે. સંચાલક અને કંપની અધિકારીઓની કાર્યક્ષમતા અને કંપનીનો નફો ગાઢ રીતે સંકળાયેલાં છે, છતાં આ કાર્યક્ષમતાની નોંધ નાણાકીય પત્રકોમાં લઈ શકાતી નથી. મિલકતોની નોંધણી હિસાબી ચોપડામાં પડતર કિંમતે થતી હોવાથી પાકું સરવૈયું ફુગાવાના સમયમાં મિલકતની અનેકગણી વધુ કિંમતનું પ્રતિબિંબ પાડી શકતું નથી. વિવિધ કંપનીઓની ધંધાની લેવડદેવડ (business transactions) એક જ પ્રકારની હોય છતાં દરેક કંપની પોતે નક્કી કરેલી રૂઢિ મુજબ હિસાબો તૈયાર કરતી હોવાથી નફાનુકસાન ખાતામાં દર્શાવેલો નફો સાપેક્ષ હોય છે. જુદી જુદી કંપનીઓના ઘસારા, આખર/માલ સ્ટૉકનું મૂલ્યાંકન અને લેણાંની ઘાલખાધ અનામતના આંકડામાં હિસાબનીસ અને સંચાલકના અભિપ્રાયનું વજન પડતું હોવાથી જુદી જુદી કંપનીઓનાં નાણાકીય પત્રકો સરખાવી શકાતાં નથી. નાણાકીય પત્રકો ઘણુંખરું સંચાલકના દૃષ્ટિબિંદુને રજૂ કરતાં હોવાથી તેમાં ગ્રાહકો, કામદારો, લેણદારો વગેરે અન્ય પક્ષકારોનું દૃષ્ટિબિંદુ ધ્યાનમાં લેવાતું નથી. હિસાબી પ્રણાલિકાઓમાં રહેલી છૂટછાટોનો લાભ ઉઠાવીને કંપનીઓ પાકા સરવૈયામાં ઘણીબધી જવાબદારીઓ બતાવતી નથી અને સાચી પરિસ્થિતિ રજૂ કરતી નથી. વળી ધંધાની પરિસ્થિતિ હોય તેના કરતાં વધારે સારી દેખાય તે માટે કંપનીઓ પોતાને અનુકૂળ હોય તેવી તારીખ પસંદ કરીને નાણાકીય પત્રકો બનાવતી હોય છે. આમ નાણાકીય પત્રકોમાં અનેક મર્યાદાઓ રહેલી હોય છે.
પાકું સરવૈયું અને નફાનુકસાન ખાતું એ બંને મહત્વનાં નાણાકીય પત્રકો છે. અમુક તારીખે કંપની પાસે મૂડી, દેવાં, મિલકતો અને લેણાં કેટલાં છે તેનો નિર્દેશ પાકા સરવૈયામાં હોય છે. પાછલા પાકા સરવૈયાની તારીખથી ચાલુ પાકા સરવૈયાની તારીખ સુધીમાં એટલે કે અમુક ચોક્કસ સમય દરમિયાન ધંધો ચલાવવાથી કંપનીને ચોખ્ખો નફો કે ખોટ કેટલાં થયાં તેનો નિર્દેશ નફાનુકસાન ખાતામાં હોય છે. આ બે મહત્વનાં નાણાકીય પત્રકોની પુરવણી માટે : (1) તુલનાત્મક નાણાકીય અને સંચાલન પત્રક (comparative financial and operative statement), (2) સામાન્ય માપનનું પત્રક (commonsize statement), (3) કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક (statement of changes in working capital), (4) ભંડોળ પ્રવાહ પત્રક (funds flow statement), (5) રોકડ પ્રવાહ પત્રક (cash flow statement), (6) વલણ દર્શાવતી ટકાવારીઓ (trend percentages) અને ગુણોત્તર વિશ્લેષણ (ratio analysis) તૈયાર કરવામાં આવે છે.
ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખર્ચ અને ઊપજની પરિસ્થિતિ કેવી છે, કંપનીનાં દેવાં અને મિલકતોમાં કેવા ફેરફાર થયા છે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો કે બગાડ થઈ રહ્યો છે તેનું વલણ જાણવા માટે દરેક મુદ્દા(item)ની સામે પાછળના એક કે વધુ વર્ષના તે જ મુદ્દાને લગતા આંકડા દર્શાવીને તુલનાત્મક નાણાકીય અને સંચાલન પત્રક તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ તૈયાર કરેલું નફાનુકસાન ખાતું અને પાકું સરવૈયું સરખામણી માટે ઉપયોગી નીવડે છે.
પાકા સરવૈયા અથવા નફાનુકસાન ખાતાની દરેક મુદ્દાવાર રકમ કુલ મિલકતના અથવા કુલ વેચાણના કેટલા ટકા છે તેનો ખ્યાલ મેળવવા માટે સામાન્ય માપનનું પત્રક બનાવવામાં આવે છે. એક કંપનીના સરવૈયામાં મૂડી અને અનામત ભંડોળના ટકા કુલ દેવાના 60 % હોય અને બીજી કંપનીના સરવૈયામાં 45 % હોય તો સામાન્ય માપનના પત્રકની સરખામણી કરતાં સ્પષ્ટ જણાય કે પ્રથમ કંપની બીજી કંપની કરતાં આર્થિક રીતે સધ્ધર છે, કારણ કે રોજબરોજના ધંધા માટે તે મુખ્યત્વે પોતાનાં નાણાં ઉપર આધાર રાખે છે.
ધંધાના સંચાલન માટે કાર્યશીલ મૂડી ઘણી મહત્વની છે. તેમાં વર્ષોવર્ષ થઈ રહેલા ફેરફારો સમજવા માટે કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક તૈયાર કરવામાં આવે છે. પ્રચલિત રીત પ્રમાણે બે વર્ષની ચાલુ મિલકતો અને ચાલુ દેવાની સરખામણી કરતું પત્રક બનાવીને તેના આધારે ચાલુ વર્ષમાં કાર્યશીલ મૂડીમાં વધારો થયો કે ઘટાડો તે જાણી શકાય છે.
ધંધામાં વર્ષ દરમિયાન કેટલાં ભંડોળ આવ્યાં અને તેમનું ક્યાં રોકાણ થયું તે દર્શાવતું પત્રક ભંડોળ પ્રવાહપત્રક કહેવાય છે. વર્ષ દરમિયાન વધારાના શૅર બહાર પાડી નાણાં ઊભાં કર્યાં હોય તો તે ભંડોળની પ્રાપ્તિ તરીકે અને યંત્રો ખરીદ્યાં હોય તો તે ભંડોળના ઉપયોગ તરીકે બતાવાય છે. અમુક અમુક સમયે રોકડની જરૂર પડશે ત્યારે પૂરતી રોકડ રકમ મળી રહેશે કે નહિ તે જાણવા માટે રોકડ પ્રવાહપત્રક જરૂરી છે. આ પત્રકમાં વર્ષ દરમિયાન કેટલી રોકડ આવક થઈ/થશે અને કેટલી રોકડ જાવક થઈ/થશે તે દર્શાવવામાં આવે છે. લાંબા અને મધ્યમ ગાળાના આયોજન માટે સંચાલકોને ભંડોળ પ્રવાહપત્રક અને રોકડ પ્રવાહપત્રક ઘણાં ઉપયોગી છે.
વર્ષોવર્ષનાં વેચાણ, આવક, ખર્ચ, નફો, મિલકતો, લેણાં, દેવાં વગેરેનું શું વલણ છે તે સમજવા માટે વલણ દર્શાવતી ટકાવારીનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં સામાન્ય (normal) વર્ષને આધાર વર્ષ તરીકે પસંદ કરીને તે વર્ષના આંકડાને 100 ગણીને અન્ય વર્ષના આંકડાની ટકાવારી ગણવામાં આવે છે અને તેમાં થતા વધારા કે ઘટાડાનું વલણ નક્કી કરાય છે. આવી વલણ દર્શાવતી ટકાવારીનો ઉદ્દેશ જે કોઈ વિગતો વચ્ચે તાર્કિક સંબંધ હોય તેની સરખામણી કરવાનો હોય છે; ઉદાહરણ તરીકે, ચાલુ મિલકતોની ટકાવારીમાં વધારો અને ચાલુ દેવાંની ટકાવારીમાં ઘટાડો થઈ રહ્યો હોય તો તે સારી પરિસ્થિતિનું સૂચન કરે છે. આખર માલસ્ટૉક, લેણાં વગેરેની ટકાવારીમાં વધારો હોય અને વેચાણની ટકાવારીમાં ઘટાડો થઈ રહ્યો હોય તો તે પ્રતિકૂળ પરિસ્થિતિનું સૂચન કરે છે. એકલી ટકાવારીની સરખામણી કેટલીક વાર ખોટી છાપ ઊભી કરે છે. જાહેરખબરનું ખર્ચ રૂ. 5,000થી વધીને રૂ. 7,500 થયું હોય અને વેચાણ રૂ. 5,00,000થી વધીને રૂ. 7,50,000 થયું હોય તો બંનેમાં 50 % વધારો થયો છે, પરંતુ જાહેરખબરમાં માત્ર રૂ. 2,500ના વધારા સામે વેચાણમાં રૂ. 2,50,000નો વધારો થયો છે તેથી ફક્ત ટકાવારી ઉપરથી અનુમાન બાંધવાને બદલે ખરેખર આંકડાઓનો પણ વિચાર કરવો પડે છે.
નાણાકીય પત્રકોની કોઈ પણ બે વિગતો વચ્ચેનો સંબંધ દર્શાવતો આંકડો ગુણોત્તર (ratio) અને તેના આધારે ઉપયોગી અનુમાનો તારવવાની પદ્ધતિને ગુણોત્તર વિશ્લેષણ કહેવાય છે.
કવચિત્ બજારની પરિસ્થિતિ, કંપનીના શૅરોના ભાવો, કંપનીની નીતિઓ, ભવિષ્યનું પણ આયોજન વગેરેને પણ નાણાકીય પત્રકો તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે.
રોહિત ગાંધી