નાડેલ, એસ. એફ. (જ. 24 એપ્રિલ 1903, ઑસ્ટ્રિયા; અ. 14 જાન્યુઆરી 1956, કેનબેરા) : પ્રસિદ્ધ માનવશાસ્ત્રી. તેમનો ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમનો મૂળ રસ અને તાલીમ સંગીત પરત્વેનાં હતાં. તેમણે પીએચ.ડી.ની પદવી વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પ્રાપ્ત કરી હતી. સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક પણ લખ્યું તથા સંગીતના કાર્યક્રમો પણ આપ્યા. 1932માં ‘રૉકફેલર ફાઉન્ડેશન’ અને ‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ આફ્રિકન લૅંગ્વેજિઝ ઍન્ડ કલ્ચર’ સંસ્થા દ્વારા લંડનમાં સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં આવતાં મેલિનૉવસ્કીના તથા સી.જી. સેલિંગમૅનના પરિચયમાં આવ્યા. મેલિનૉવસ્કીના વિદ્યાર્થી થવાથી તેમનું ભારે આકર્ષણ રહ્યું. 1930માં આફ્રિકામાં વાસ્તવિક રીતે માનવશાસ્ત્રમાં ક્ષેત્રકાર્ય દ્વારા પ્રવેશ કર્યો. તેમણે Nupe જાતિ અને અન્ય આદિવાસી જાતિઓ વચ્ચે નાઇજિરિયામાં 1934–36 અને ઍંગ્લો-ઇજિપ્શન સુદાનમાં ન્યૂબા જાતિ પર 1938–40માં સંશોધનકાર્ય કર્યું. 1954માં તેમણે નુપા જાતિના ધાર્મિક જીવન વિશે સુંદર પુસ્તક લખ્યું. તેમાં ધાર્મિક માન્યતાઓ, વિધિઓ, રૂઢિગત ધાર્મિક વલણો સાથે સૈદ્ધાંતિક રજૂઆત કરવામાં આવી છે. આ પુસ્તક કેવળ એથ્નોગ્રાફિક અભ્યાસ કરતાં વિશેષ તે સમાજની સંરચનાના પૃથક્કરણની દૃષ્ટિએ મહત્વનું ગણાયું છે.
આ ગ્રંથે તેમને એક એથ્નોગ્રાફરને બદલે માનવશાસ્ત્રના સૈદ્ધાંતિક અભ્યાસીની કક્ષામાં પ્રવેશ અપાવ્યો. તેઓ બ્રિટિશ સોશિયલ સ્કૂલ ઑવ્ ઍન્થ્રોપૉલૉજીની વિચારશાખામાં ગણનાપાત્ર બન્યા. તેમના વિચારો પર મેલિનૉવસ્કી, રૅડક્લિફ બ્રાઉન ઉપરાંત મૅક્સ વેબર અને પારસન્સ જેવા સમાજશાસ્ત્રીઓના વિચારોની છાયા હતી. છતાં તેમનાં લખાણો કોઈ વિચારશાખાના ઢાંચામાં ગોઠવાયેલાં ન હતાં. તેમના વિચારો વાસ્તવમાં કઈ વિદ્યાશાખાથી પરિમાર્જિત થઈને વ્યક્ત થાય છે તે કહેવું મુશ્કેલ હતું. તેમણે વર્ણનાત્મક રજૂઆત કરવાને બદલે સૈદ્ધાંતિક પૃથક્કરણ પર વધુ ભાર મૂક્યો છે.
તેમણે 1957માં લખેલા પોતાના ગ્રંથ ‘ધ થિયરી ઑવ્ સોશિયલ સ્ટ્રક્ચર’માં વ્યક્તિની ક્રિયાઓ અને તેની દિશાઓ પરત્વે સંરચનાત્મક વિશ્લેષણની રજૂઆત કરી છે. સામાજિક સંરચનાને દર્શાવવા તેઓ ત્રણ પ્રકારનાં ભૂમિકાસ્વરૂપોને સમજાવે છે. આમ સામાજિક સંરચના વિશેના માનવશાસ્ત્રમાં તેમના વિચારો માર્ગદર્શક ભૂમિકારૂપ બન્યા. આ રીતે સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર તથા રાજ્યશાસ્ત્રમાંના સામાજિક સંરચના વિશેના તેમના વિચારો ચિંતનમાં મહત્વના બન્યા. માનવશાસ્ત્રીય પૃથક્કરણમાં મનોવૈજ્ઞાનિક ભૂમિકાને સ્થાન આપવા પર તેમણે ભાર મૂક્યો તથા સહસંબંધ બાંધવાના અભિગમ પર વધુ ભાર મૂક્યો. આફ્રિકાના વિદ્યાર્થીઓ એથ્નોગ્રાફિક લખાણના સંદર્ભમાં નાડેલના ઉપકારી બન્યા છે.
અરવિંદ ભટ્ટ