નાડી-ગ્રંથો : સમયના સૂક્ષ્મ માપ નાડીને આધારે ભવિષ્યકથનની પદ્ધતિ ધરાવતા ગ્રંથો. દક્ષિણ ભારતમાં નાડી ઉપર વિવિધ ગ્રંથો લખાયા છે. નાડી એટલે સમયનું માપ. આ સમયમાપને જુદી જુદી રીતે આ શાસ્ત્રમાં વણી લેવાય છે. એમ કહેવાય છે કે દક્ષિણ ભારતમાં જુદા જુદા 20 પ્રકારના નાડી-ગ્રંથો છે, જેમાંના બધા પ્રાપ્ય નથી. આ નાડી-ગ્રંથોમાંના કેટલાક તો ખૂબ નામના પામેલા છે. આવા નાડી-ગ્રંથોમાં સૂર્ય નાડી, ચંદ્ર નાડી, મંગળ નાડી, બુધ નાડી, ગુરુ નાડી, શુક્ર નાડી, શનિ નાડી, લગ્ન નાડી, લગ્નાધિપતિ નાડી, યોગ નાડી, ધ્રુવ નાડી, સપ્તર્ષિ નાડી, ભૃગુ નાડી, ચંદ્રકલા નાડી (દેવકેરાલમ્), અગસ્ત્ય નાડી, કાક કે ભુજંગ નાડીનો સમાવેશ થાય છે. નાડી-ગ્રંથો સંસ્કૃતમાં લખાયેલા છે અને તેમાં વિવિધ ફળકથનો દર્શાવ્યાં છે, જેમાં જાતક, જાતકના પિતા, પુત્ર, પત્ની, લગ્નોની સંખ્યા, લગ્નજીવન, મિલકત, ધંધો, ગતજન્મ, આગામી જન્મ વગેરેની વિગતો જણાવી છે.
સપ્તર્ષિ નાડીમાં તો સાત ઋષિઓની બેઠકમાં કુંડળીની ચર્ચા જણાવી છે, જેમાં એક ઋષિ ફળકથન કરે અને બીજા ઋષિ બીજા ગ્રહોની અસર કે યોગો દર્શાવી જુદું ફળકથન કરે અને જો તેઓમાં સંમતિ સધાય નહિ તો તેમના પ્રમુખ તરીકે દેવી પાર્વતી આખરી નિર્ણય આપે. રાશિવાર લગ્નની કુંડળીઓની મોટી સંખ્યામાંની કુંડળીઓની ચર્ચા જણાવી છે; પરંતુ તેમાં તમામ માનવોની કુંડળીઓનો સમાવેશ થઈ જતો નથી.
ધ્રુવનાડી ગ્રંથ ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ લાઇબ્રેરી, મદ્રાસ-(ચેન્નાઈ)માં છે, જેમાં 43 પુસ્તકો છે અને તેમાં 2,75,000 શ્લોકો છે.
આ જ પુસ્તકાલય દ્વારા ચંદ્રકલા નાડી ભાગ 1 અને ભાગ 2 પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેમાં 9,182 શ્લોકો છે. ચંદ્રકલાનો અર્થ 16 થાય છે તેથી પારાશરની 16 વર્ગીય કુંડળીનો આધાર આ નાડી-ગ્રંથ માટે હોય તેમ જણાય છે. જો 16 વર્ગીય કુંડળી બનાવવામાં આવે તો દરેક રાશિ માટે તેનો વિભાગીય સરવાળો 150 થાય છે અને આ ભાગને જ નાડી-અંશ ગણવામાં આવ્યો છે. આમ રાશિના ભાગ અંશનો 4 નાડી-અંશ ગણાય છે. આવા દરેક ભાગને વિશિષ્ટ નામ અને ક્રમ આપવામાં આવ્યાં છે. પૂર્વ ક્ષિતિજે આવા ભાગના ઊગવાના ક્રમમાં આવા નાડીના ભાગને ઊગવામાં જે સમય લાગે તેને નાડી-અંશ ગણ્યા છે. નાડી-અંશોના કલા વિકલાના ભાગ પણ અસમાન હોવાનું જણાઈ આવે છે. એક રાશિના જો સમાન 150 ભાગ કરીએ તો બાર કલા આવે અને આ ભાગને ઊગવામાં આશરે 48 સેકન્ડનો સમય લાગે. આવા નાડી-અંશને પણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે, જેથી એક ભાગ 24 સેકન્ડનો થાય. અમુક કિસ્સાઓમાં તો નાડી-અંશને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે અને તેને વિપ્ર, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કલા એવાં નામ આપવામાં આવ્યાં છે; પરંતુ આવા વિભાગનું નામકરણ માત્ર નાડી-અંશની ગુણવત્તા દર્શાવવા માટે જ કરવામાં આવ્યું છે અને તે મુજબની જ્ઞાતિમાં જન્મ થયો હોય તેમ દર્શાવતા નથી અને આ રીતે સૂક્ષ્મતમ ગણિત સાથે ફળકથનમાં સંપૂર્ણ સફળતા અને સચોટતા મેળવવા જ આમ કરવામાં આવ્યું છે. આમ નાડીના 3 કળા સુધીના વિભાગો થયા હોવાનું જણાઈ આવે છે. બાર સેકન્ડના સમય સુધીની સૂક્ષ્મતા જોવાનો પ્રયત્ન થયો છે. આ રીતે આખા રાશિચક્રના 360 અંશની 21,600 વિકલાને 7200 ભાગોમાં વહેંચી ફળકથન દર્શાવ્યું છે જેથી ઉત્તમ ચોકસાઈ મેળવી શકાય.
નાડી-ગ્રંથોમાં ફળકથનની પદ્ધતિ આપવામાં આવી છે તે ભિન્ન છે અને આ પદ્ધતિઓ ઉત્તમ અને પ્રમાણભૂત ગ્રંથોમાં પણ દર્શાવાઈ નથી, જેથી આ નાડી-ગ્રંથોની ફળકથન પદ્ધતિમાં ભાગ્યે જ મળી આવતાં સૂત્રો આપ્યાં છે જે જ્યોતિષીઓને ફળકથનમાં વિશિષ્ટતા પ્રદાન કરે છે. જાતકની જન્મકુંડળી ઉપરથી જાતકનાં જુદાં જુદાં કોઈ પણ સગાંવહાલાંનું ભવિષ્યકથન કરવાની પદ્ધતિથી ફળકથન પણ દર્શાવ્યું છે જે વિશિષ્ટ ગણી શકાય.
નાડી-ગ્રંથો દ્વારા ભવિષ્યકથન મેળવવાનો દક્ષિણ ભારતમાં કેટલાકને અનુભવ થયો હશે. આવા ફળકથનમાં શુભ તેમજ અશુભ બનાવોનો નિર્દેશ થયેલો હોય છે અને જાતકની મુલાકાત સુધીના ભૂતકાળના સમયનું બધું જ ફળકથન રજેરજ સત્યવાળું જણાઈ આવે છે જ્યારે ભવિષ્યકથન ઘણાને બરાબર જણાતું નથી તેથી નાડી વાચનકારની કાર્યપદ્ધતિમાં કોઈક સુધારાનો અવકાશ દર્શાવે છે; કારણ કે જો ભૂતકાળ બરાબર આવતો હોય તો ભવિષ્ય પણ બરાબર આવવું જોઈએ. જાતક આવા વાચનકાર પાસે જતાં વાચનકાર જાતકનું નામ, વસવાટનું શહેર, બધો ભૂતકાળ વગેરે આશ્ચર્યકારક રીતે જણાવે છે તે આ નાડી-ગ્રંથોની સચોટતા દર્શાવે છે અને આવા નાડી-ગ્રંથો અને તેના વાચનકારો હાલ પણ દક્ષિણ ભારતમાં હયાત છે. નાડી-ગ્રંથોના અભ્યાસકર્તાઓના જણાવ્યા પ્રમાણે ગ્રહોના કારકત્વના આધારે ફળકથન કરવામાં આવેલું છે અને આ કારકત્વ સામાન્ય કારકત્વ કરતાં કેટલુંક અલગ છે. નાડી-ગ્રંથોમાં લગ્નથી કે ગ્રહથી બીજા, બારમા, પાંચમા અને સાતમા ભાવમાં રહેલી રાશિને અને તેમાંના ગ્રહને ધ્યાનમાં લેવામાં આવે છે. ગ્રહોના પરિવર્તનના કારણે અન્ય ગ્રહ સાથે સંબંધ ધરાવતો હોય અને ગોચરના પ્રતિકૂળ ગ્રહના પરિભ્રમણથી ભીંસમાં આવે ત્યારે તે ગ્રહ પોતાની જગ્યાએથી ખસી અને આવા સંબદ્ધ ગ્રહના સ્થળે સ્થળાંતર કરી જાય છે તેમ માની ફળકથન કરવાની આગવી દૃષ્ટિનો પણ તેમાં સમાવેશ થાય છે. આ જ રીતે ગ્રહ વક્રી થતાં પોતાના સ્થાનથી પાછળની રાશિ ઉપર દૃષ્ટિ કરે છે તે દૃષ્ટિબિંદુ પણ નાડી-ગ્રંથોનું છે. આમ નાડી-ગ્રંથો એ દક્ષિણ ભારત અને ખાસ કરીને કેરળ પ્રદેશના જ્યોતિષવિજ્ઞાનનું અદ્વિતીય એવું મહત્વનું પ્રદાન છે.
રમેશ શુક્લ