નાટેસન, જી. એ. (જ. 24 ઑગસ્ટ 1873, ગણપતિ અહરાહરમ, જિ. તાન્જાવુર, તમિળનાડુ; અ. 10 જાન્યુઆરી 1949, ચેન્નાઈ) : વિદ્વાન પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કુંભકોણમની હાઈસ્કૂલમાં તિરુચિરાપલ્લીની સેન્ટ જૉસેફ્સ કૉલેજમાં અને ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને 1897માં તેઓ સ્નાતક થયા. ત્યારપછી તેમના ભાઈ વૈદ્યરામને તેમને ‘મદ્રાસ ટાઇમ્સ’ના પ્રસિદ્ધ તંત્રી ગ્લીન બારલો પાસે પત્રકારત્વની તાલીમ લેવા મોકલ્યા. ત્યાં થોડો સમય અનુભવ લીધા પછી તેઓ તેમના ભાઈની પ્રકાશનની પેઢીમાં જોડાયા હતા.
જી. એ. નાટેસને એમના ભાઈની મદદથી શરૂઆતમાં ‘ઇન્ડિયન પૉલિટિક્સ’ નામનું માસિક પત્ર શરૂ કર્યું. એ પછી ઈ. સ. 1900માં એમણે ‘ઇન્ડિયન રિવ્યૂ’ નામનું સામયિક શરૂ કર્યું. આ પત્ર ભારતની સ્વાતંત્ર્યચળવળનાં વિવિધ પાસાંઓ ઉપર ભારતના શિક્ષિત લોકોના વિચારોનું પ્રતિબિંબ પાડતું હતું. એના લેખકોમાં આર. સી. દત્ત, ગોપાલ કૃષ્ણ ગોખલે, ઍની બેસન્ટ, સી. એફ. ઍન્ડ્રૂઝ અને ગાંધીજીનો સમાવેશ થતો હતો. રાજકારણમાં નાટેસન મવાળ, માનવતાવાદી અને ઉદાર વિચારસરણી ધરાવતા હતા. ગાંધીજી તરફ માન હોવા છતાં એમની સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહની લડતના તેઓ વિરોધી હતા. એમણે સરકારને ગમે તે ભોગે કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ કરી હતી.
નાટેસને અનેક પ્રવૃત્તિઓ કરી હતી અને ઘણા હોદ્દા પર કામ કર્યું હતું. તેઓ ઇન્ડિયન લિબરલ ફેડરેશનના પ્રથમ મહામંત્રી અને ત્યારબાદ લિબરલ પાર્ટીની ચેન્નાઈ શાખાના કાયમી મંત્રી હતા. તેઓ કાઉન્સિલ ઑવ્ સ્ટેટના દસ વર્ષ સુધી નિમાયેલા સભ્ય હતા. ચેન્નાઈ કૉર્પોરેશનના કાઉન્સિલર હતા. વીસ વર્ષ સુધી મદ્રાસ યુનિવર્સિટીની સેનેટ તથા સિન્ડિકેટના સભ્ય હતા. અંગ્રેજ સરકારે એમને ‘રાવ બહાદુર’નો ઇલકાબ આપ્યો હતો. 1935માં તેઓ ચેન્નાઈના શેરિફ બન્યા હતા. તેઓ બકિંગહામ અને કર્ણાટક મિલ્સના ડિરેક્ટર હતા તથા 1933માં ઇન્ડિયન ટેરિફ બોર્ડના સભ્ય બન્યા હતા. 1920માં કૅનેડામાં એમ્પાયર પાર્લમેન્ટરી ઍસોસિયેશનની બેઠક મળી ત્યારે ભારતીય પ્રતિનિધિમંડળના તેઓ નેતા હતા. એમના મિત્રોમાં સર વૅલેન્ટાઇન શિરોલ, મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, તેજબહાદુર સપ્રુ, વી. એસ. શાસ્ત્રી વગેરેનો સમાવેશ થતો હતો. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી બંને ભાષાના વિદ્વાન હતા. રૂઢિચુસ્ત હોવા છતાં એમણે દલિતો માટે અને સામાજિક સમાનતા માટે કામ કર્યું હતું. તેઓ લોકશાહીવાદી હતા અને સુરાજ્ય કરતાં સ્વરાજ્ય વધારે ઇચ્છનીય છે એમ માનતા હતા. એમના ખાસ આગ્રહને કારણે જ અંગ્રેજ સરકારે આઇ. સી. એસ.ની પરીક્ષા ઇંગ્લૅન્ડ અને ભારત એમ બંને સ્થળોએ લેવાનું નક્કી કર્યું હતું. એમણે 1900થી 1949 સુધી ‘ઇન્ડિયન રિવ્યૂ’નું સંપાદન કર્યું એ એમની મહત્વની સિદ્ધિ હતી.
મુગટલાલ પોપટલાલ બાવીસી