નાટેકર, નંદુ મહાદેવ

January, 1998

નાટેકર, નંદુ મહાદેવ (. 12 મે 1933) : ભારતનો વિખ્યાત બૅડમિન્ટન-ખેલાડી. નિશાળમાં વાંસકૂદકો, ટેનિસ અને બૅડમિન્ટનની રમતમાં કુશળતા ધરાવતો નંદુ નાટેકર 1951માં સાંગલી જુનિયર ઓપન ટેનિસ સ્પર્ધામાં વિજેતા બન્યો. પછીના વર્ષે એ મુંબઈ રાજ્યનો બૅડમિન્ટન-વિજેતા બન્યો. 1951માં નંદુ નાટેકરે રાષ્ટ્રીય જુનિયર ટેનિસ ફાઇનલમાં ભારતના પ્રસિદ્ધ ખેલાડી રામનાથન કૃષ્ણનનો મુકાબલો કર્યો હતો. ટેનિસ કે બૅડમિન્ટનમાંથી કઈ રમત અપનાવવી તે અંગે દ્વિધા અનુભવતા નંદુ નાટેકરે પિતા મહાદેવ અને માતા સુમતિનો બૅડમિન્ટનપ્રેમ જોઈને એ રમત અપનાવી.

નંદુ મહાદેવ નાટેકર

સમય જતાં નંદુ નાટેકર બૅડમિન્ટનનો છટાદાર સ્ટ્રોક-પ્લેયર બન્યો. એના પાવરફુલ બૅક હૅન્ડ, ડ્રૉપ્સ, નેટ પરના ડ્રિબલ અને જોશભર્યા રિટર્નને કારણે વિશ્વકક્ષાના ખેલાડીઓ એની સામે રમતાં મૂંઝવણ અનુભવતા. 1953માં 20 વર્ષના નંદુ નાટેકરે ઉત્તરપ્રદેશના ટી. એન. શેઠને હરાવીને બૅડમિન્ટનની સિનિયર સ્પર્ધામાં વિજય મેળવ્યો. અથાગ પરિશ્રમ કરીને નંદુ નાટેકરે ખેલાડી તરીકે શરીરનો બાંધો મજબૂત કર્યો. છ વખત બૅડમિન્ટનની સિંગલ્સમાં અને ડબલ્સમાં રાષ્ટ્રીય વિજેતા બન્યો. મિક્સ ડબલ્સમાં પણ એ ત્રણ વાર વિજેતા બન્યો. પોતાની કારકિર્દી દરમિયાન નંદુ નાટેકરે મહત્વના 53 સિંગલ્સના ખિતાબો, 43 ડબલ્સના અને 38 મિક્સ ડબલ્સના વિજય મેળવ્યા. 1954માં વિશ્વવિખ્યાત ઑલ ઇંગ્લૅન્ડ બૅડમિન્ટન સ્પર્ધામાં એ ક્વાર્ટર-ફાઇનલમાં પહોંચ્યો અને અમેરિકન ઓપન તથા વર્લ્ડ ઇન્વિટેશન ટુર્નામેન્ટમાં સેમીફાઇનલમાં પહોંચ્યો. ટૉમસ કપમાં ભારતીય ટીમના સુકાની નંદુ નાટેકરે શાનદાર રમત બતાવી. મલેશિયન સેલોનગોર ચૅમ્પિયનશિપ, મરડેકા ઓપન સ્પર્ધા અને થાઇલૅન્ડની કિંગ્ઝ કપ સ્પર્ધામાં નંદુ નાટેકર વિજયી બન્યો. 1961માં એને અર્જુન ઍવૉર્ડ મળ્યો અને થાઇલૅન્ડની રૅકેટ મ્યુઝિયમ ક્લબ તરફથી અમર ખેલાડીનો ઇલકાબ આપવામાં આવ્યો. 2001માં નંદુ નાટેકરને ભારતના પેટ્રોલિયમ સ્પૉર્ટ્સ કંટ્રોલ દ્વારા ‘લાઇફ ટાઇમ એચિવમેન્ટ’ ઍવૉર્ડ આપવામાં આવ્યો અને 2002માં ‘સહ્યાદ્રિ નવરત્ન પુરસ્કાર’માં ‘રત્ન સૌરભ’ પુરસ્કાર આર્પણ થયો હતો. આજે નંદુ નાટેકર ‘સ્પૉર્ટ્સ ઍન્ડ ફિટનેસ’ સંસ્થાના ડાયરેક્ટર તરીકે કામ કરે છે. સમય જતાં વેટરન ખેલાડીઓ માટેની સ્પર્ધાઓમાં નંદુ નાટેકરે ભાગ લીધો. મહારાષ્ટ્ર સ્ટેટ બૅડમિન્ટન ઍસોસિયેશનનો ઉપપ્રમુખ બન્યો. નંદુ નાટેકરનો પુત્ર ગૌરવ નાટેકર ટેનિસમાં સાત વખત ભારતનો રાષ્ટ્રીય ચૅમ્પિયન બન્યો.

કુમારપાળ દેસાઈ