નાટકલક્ષણરત્નકોશ : તેરમી સદીમાં રચાયેલો નાટ્યશાસ્ત્રની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. તેમાં નાટક વગેરે રૂપક પ્રકારનાં વિભિન્ન તત્વોનાં લક્ષણરત્ન અર્થાત્ તેમની ઉત્તમ વ્યાખ્યાઓ એકઠી કરવામાં આવી હોવાથી તેને ‘નાટકલક્ષણરત્નકોશ’ એવું શીર્ષક લેખકે આપ્યું છે. તેનું સંક્ષિપ્ત નામ ‘રત્નકોશ’ એવું લેખકે પોતે જ આપ્યું છે. લેખકનું નામ સાગર છે, પરંતુ તેઓ નંદી વંશમાં જન્મ્યા હોવાથી પોતાને સાગર નંદી એવું નામ પણ આપ્યું છે. ભરત મુનિ અને ધનંજય વગેરે જાણીતા તથા ગર્ગ અને નખકુટ્ટ જેવા ઓછા જાણીતા પૂર્વાચાર્યોએ આપેલાં લક્ષણોને ગદ્યમાં ટૂંકી સમજૂતી આપીને ઉદાહરણો સાથે લેખકે આ ગ્રંથમાં રજૂ કર્યાં છે. ભરત મુનિ લેખકનો મુખ્ય આધાર છે. પરિણામે લેખકે આપેલાં મૌલિક લક્ષણોની માત્રા અહીં ઓછી છે.
પ્રારંભમાં મંગલ શ્લોક પછી કીર્તિને કાવ્યનું પ્રયોજન લેખકે ગણાવ્યું છે. એ પછી નાટકની વ્યાખ્યા, કથાનકની 5 અવસ્થાઓ, પાત્રોની બોલવાની ભાષાઓ, 5 અર્થપ્રકૃતિઓ, કથાનકના પ્રકારો, અંકની વ્યાખ્યા, 5 અર્થોપક્ષેપકો, 5 નાટ્યસંધિઓ, 64 સંધ્યંગો, સંધિના 21 પ્રદેશો, 4 પતાકાસ્થાનકો, 4 નાટ્યવૃત્તિઓ અને તેમનાં અંગો, નાયકના ગુણો, 5 અભિનેયભેદો, 10 કાવ્યગુણો, 36 લક્ષણો, 33 નાટ્યાલંકારો, 8 રસો અને તેમના સ્થાયી ભાવો, 33 વ્યભિચારી ભાવો, વિભાવો, અનુભાવો, નાયકના સહાયકો, પાત્રોનાં સંબોધનો, નાયિકાના ગુણો અને પ્રકારો, નાયિકાના અલંકારો, નાટિકા અને તોટક એ બે ઉપરૂપકો, પ્રકરણ વગેરે 9 રૂપકપ્રકારો તથા ગોષ્ઠી વગેરે 15 ઉપરૂપકો વગેરેની વ્યાખ્યા વિસ્તૃત ચર્ચા સાથે આપી છે. ભરતના મતની અન્ય આચાર્યોના મતો સાથે તુલના, અન્ય આચાર્યોના મતો અને પૂર્વકવિઓનાં ઉદાહરણો માટે આ ગ્રંથ અગત્યનો છે. ઉત્તમ લક્ષણોથી નાટ્યશાસ્ત્રનું જ્ઞાન સહેલાઈથી આપવાનો લેખકનો દાવો છે.
પ્ર. ઉ. શાસ્ત્રી