નાઝી, મુનવ્વર (જ. 1933, કાપ્રિન્ન, જિ. પુલવામા, જમ્મુ–કાશ્મીર) : કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમની કૃતિ ‘પુરસાં’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ. (ઑનર્સ) અને બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપક તરીકેની કામગીરી કરી. તેઓ કાશ્મીરી ઉપરાંત ઉર્દૂ, અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાની જાણકારી ધરાવે છે.
1950માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને બાળકો માટેનાં ગીતો અને વાર્તાઓ લખ્યાં. અત્યાર સુધીમાં તેમણે 6 પુસ્તકો આપ્યાં છે; તેમાં ‘નાજીરાદ’ કાવ્યસંગ્રહ, ‘શુરેં હિંદી બાથ’ નામક બાળગીતોના 3 સંગ્રહ, ‘કાશૂર ગ્રામર’ નામનું કાશ્મીરી વ્યાકરણ તથા ‘કાશ્રી આદબિક તવારીખ’ કાશ્મીરી ભાષા અને સાહિત્યના ઇતિહાસનો સમાવેશ થાય છે. વળી તેમણે ‘કિંગ લિયર’, ‘જૂલિયસ સીઝર’, ‘ઓડિપસ રેક્સ’ની કૃતિઓના અનુવાદ કર્યા છે. તેમણે મહમૂદ ગમી, અબ્દુલ્લા બૈહાકી, સાહેબ કૌલ અને મકબૂલ અમૃતસરી જેવા મહત્ત્વપૂર્ણ કવિઓની કૃતિઓનું સંકલન અને સંપાદન કર્યું છે. 14મી સદીના કવિ નૂરુદ્દીન શેખનાં કાવ્યોનું સંકલન પણ તેમણે કર્યું છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘પુરસાં’ કાશ્મીરી ભાષાના સંશોધનક્ષેત્રે એક મહત્ત્વનું પ્રદાન છે. તેમાં કેટલીક મહત્ત્વપૂર્ણ મધ્યકાલીન કૃતિઓ જેવી કે ‘કુલ્લિયાતી મીર બૈહાકી’, ‘કુલ્લિયાતી મકબૂલ અમૃતસરી’ તથા ‘સિકંદરનામા’નું વિવેચનાત્મક પૃથક્કરણ છે. લેખો માટે સંકલિત-સંપાદિત શોધપરક મહત્ત્વની સામગ્રી હોવાથી અને તે ભાષાના ગદ્યભંડારને સમૃદ્ધ બનાવતી હોવાથી કાશ્મીરમાં લખાયેલી આ કૃતિ ભારતીય વિવેચન-સાહિત્યમાં નોંધપાત્ર છે.
બળદેવભાઈ કનીજિયા