નાઝીવાદ : વીસમી સદીના ત્રીજા દશકમાં જર્મનીમાં પ્રબળ બનેલી તથા એડૉલ્ફ હિટલરની માન્યતાઓ અને નીતિઓ દ્વારા ઘડાયેલી રાજકીય વિચારધારા. વૈચારિક ભૂમિકા અને કાર્યપદ્ધતિની દૃષ્ટિએ હિટલરના કાર્યકાળ (1933–45) દરમિયાન જર્મનીમાં નાઝીવાદના નામે અને બેનિટો મુસોલિનીના કાર્યકાળ (1922–45) દરમિયાન ઇટાલીમાં ફાસીવાદના નામે પ્રસરેલી રાજકીય ચળવળમાં ઘણું સામ્ય જોવા મળે છે. નાઝીવાદી ચિંતનના મુખ્ય સ્રોતોમાં ગ્રૉટફ્રીડ ફિડરનું ‘ધ પોલિટિકલ ઍન્ડ ઇકૉનૉમિક પ્રોગ્રામ ઑવ્ ધ નૅશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી’, હિટલરનું આત્મકથા રૂપે લખાયેલું ‘મેઇન કેંફ’ તથા આલ્ફ્રેડ રોઝેનબર્ગનું ‘ધ મિથ ઑવ્ ટવેન્ટીએથ સેન્ચ્યુરી’નો ઉલ્લેખ થાય છે. આદર્શવાદ સામાજિક ઉત્ક્રાંતિવાદ, પરંપરાવાદ અને એકહથ્થુ સત્તાવાદ (authoritarianism) – આ બધા નાઝીવાદી વિચારસરણીના આધારસ્તંભો ગણાય. નાઝીવાદીઓ રાષ્ટ્રને એક કાયમી અલૌકિક ઘટક ગણતા, તમામ નાગરિકોના સામૂહિક વ્યક્તિત્વ કરતાં તે પૃથક્ અને વિશેષ છે એવું દૃઢપણે માનતા. આ આદર્શવાદી વિભાવનાઓ નાઝીવાદે હેગલવાદમાંથી મેળવી હતી. એટલા માટે જ તેણે રાષ્ટ્રને દૈવી સ્વરૂપ બક્ષ્યું હતું. રાષ્ટ્રના હિતમાં વ્યક્તિએ પોતાનાં જીવન અને હિતોનું બલિદાન આપવું જોઈએ એવી તેની શિખામણ હતી.

શક્તિશાળીઓના વિજય(survival of the fittest)માં તેમની શ્રદ્ધા હતી; એટલું નહિ પરંતુ જે જાતિ શુદ્ધ છે તે જ સાચા અર્થમાં શક્તિશાળી હોઈ શકે અને જાતિની શુદ્ધતાની કસોટી પર વૈશ્વિક સ્તરે માત્ર જર્મન પ્રજા જ ખરી ઊતરી શકે એવો તેમનો દૃઢ વિશ્વાસ હતો. જર્મન પ્રજામાં જ મૂળ આર્યકુળનો વારસો ઊતરેલો છે અને તેથી રાજ્ય કરવાનો પરંપરાગત અધિકાર માત્ર તેને જ છે, બાકીની પ્રજા હલકી કક્ષાની છે એવી ગ્રંથિથી નાઝીવાદ અભિભૂત હતો. લોકશાહી, સમાજવાદ, સામ્યવાદ અને અન્ય રાજકીય વિચારધારાઓ પ્રત્યે તેમનામાં રહેલી ઘૃણાનાં મૂળ તેમાં જોઈ શકાય છે. એટલા માટે જ નાઝીવાદમાં ઉગ્ર રાષ્ટ્રવાદ, રાજકીય વિસ્તારવાદ તથા લશ્કરી શાસનનાં બીજ શરૂઆતથી જ રોપાયેલાં દૃષ્ટિગોચર થાય છે.

નાઝીવાદનો ઉદ્ભવ પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં જર્મનીના પરાજય પછીની પરિસ્થિતિને આભારી છે. એક તો યુદ્ધમાં પરાજયને કારણે જર્મન પ્રજાનો અહંકાર હણાયો હતો. અધૂરામાં પૂરું, વિજયી રાષ્ટ્રોએ આ પરાજિત રાષ્ટ્ર પર ખંડણીનો જે અસહ્ય નાણાકીય બોજ તથા અન્ય શરતો લાદી હતી તેને કારણે તેમનું સ્વાભિમાન ઘવાયું હતું. યુદ્ધ પછીના ગાળામાં જર્મનીમાં ફુગાવો તથા બેકારીનું જે મોજું આવ્યું તેને કારણે દેશનું અર્થતંત્ર છિન્નભિન્ન થયું હતું. તેની અસર ઓછાવત્તા પ્રમાણમાં બધા જ વર્ગો પર પડી હતી. છતાં બુદ્ધિજીવી ગણાતો મધ્યમવર્ગ તો લગભગ પાયમાલ સ્થિતિમાં ધકેલાઈ ગયો હતો. આના કારણે ઉગ્રવાદી અતિરેકી પગલાં તરફ જનમાનસનો ઝોક દેશમાં વધતો હતો.

મે, 1918માં મ્યૂનિકમાં એક નાનકડા જૂથે જુદા જુદા વ્યવસાયોમાં કામ કરતા કામદારોનું એક મંડળ રચ્યું, જેનો તાત્કાલિક ઉદ્દેશ યુદ્ધનો સન્માનપૂર્વક અંત લાવવાનો હતો. જાન્યુઆરી, 1919માં તેમાંથી જર્મન વર્કર્સ પાર્ટીનું સર્જન થયું, જેને 1920માં નૅશનલ સોશિયાલિસ્ટ જર્મન વર્કર્સ પાર્ટી નામ આપવામાં આવ્યું. 1919માં હિટલર તેમાં દાખલ થયો હતો અને તે વખતની પરિસ્થિતિ અને જનમાનસની ઉગ્રતાનો લાભ લઈ તેણે પક્ષ પર પોતાનો સંપૂર્ણ અંકુશ જમાવ્યો હતો. હિટલરના નેતૃત્વ હેઠળ આ પક્ષે રાજકીય ક્ષેત્રે હરણફાળ ભરી હતી. 1923 સુધી પક્ષની સભ્યસંખ્યામાં ધરખમ વધારો થયો હતો. 1929ની વિશ્વમહામંદીને લીધે જર્મનીનું અર્થતંત્ર વધારે કથળ્યું હતું. તેને પરિણામે આ પક્ષને લોકોના ટેકાને લીધે વધુ બળ મળ્યું હતું. હિટલરના નેતૃત્વ હેઠળના આ પક્ષે પોતાના જડબેસલાક પ્રચારતંત્ર દ્વારા જર્મન પ્રજાને આર્થિક પુનર્રચના, રાજકીય સત્તા અને રાષ્ટ્રગૌરવની પુન:સ્થાપનાની બાંયધરી આપી. 1932માં જર્મનીમાં થયેલ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધારે બળવાન પક્ષ તરીકે નૅશનલ સોશિયાલિસ્ટ પાર્ટી ઊપસી આવી. 1933માં હિટલરે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં અને તરત જ તેણે કટ્ટર ફાસીવાદી નીતિ અમલમાં મૂકી. દેશનાં બધાં જ પ્રચારમાધ્યમો–અખબારો, રેડિયો વગેરે પર કડક નિયંત્રણો મૂક્યાં, વિરોધ પક્ષોને કચડી નાંખવા માટે તેણે ગેસ્ટાપો નામથી ઓળખાતી ગુપ્તચર સંસ્થા સંગઠિત કરી અને યહૂદીઓ તથા અન્ય લઘુમતી કોમોના નરસંહાર માટે ઠેરઠેર નજરબંધીઓની શિબિરો (concentration camps) ખોલી. એક અંદાજ મુજબ હિટલરના કાર્યકાળ દરમિયાન આ શિબિરો મારફત સાઠ લાખ યહૂદીઓ અને પચાસ લાખ અન્ય લોકોને ભયંકર યાતનાઓ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

વિશ્વમાં જર્મન લોકો જ શુદ્ધ જાતિના છે અને તેથી માત્ર તેમને જ રાજ્ય કરવાનો અધિકાર છે આવી વિચારસરણીને વરેલા નાઝીવાદનો અંત બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં જર્મનીના આકરા પરાજયને લીધે થયો હતો. આ વિચારસરણીને પુનર્જીવિત કરવાના તે પછીના પ્રયાસોને સફળતા મળેલી નથી.

નવનીત દવે