નાગેશ (જ. ઈ. સ. 1650, તાસગાંવ, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ. 1730) : પ્રસિદ્ધ સંસ્કૃત વૈયાકરણ. તે નાગોજી ભટ્ટ એવા નામે ઓળખાય છે. પિતાનું નામ શિવભટ્ટ અને માતાનું નામ સતી હતું. કાશીમાં ભટ્ટોજી દીક્ષિતના પૌત્ર હરિદીક્ષિત પાસે તેઓ વ્યાકરણ ભણ્યા હતા. શૃંગવેરના (હાલનું સિંગરૌર) રાજા રામસિંહના તેઓ આશ્રિત વિદ્વાન હતા. વાગીશ્વરીની ઉપાસનાથી પ્રખર વિદ્વાન થયા હતા.
વ્યાકરણશાસ્ત્રના આ ઉત્તમ વિદ્વાન ષડ્દર્શનોના પણ મોટા જ્ઞાતા હતા. રામાયણ, સપ્તશતી જેવા ગ્રંથો ઉપર એમના ટીકાગ્રંથો મળે છે. પાણિનીય વ્યાકરણ-પરંપરામાં નાગેશ મોખરાનું સ્થાન ભોગવે છે. એમણે લખેલા મહાભાષ્યપ્રદીપોદ્યોત, સિદ્ધાંતકૌમુદી પર લઘુ શબ્દેન્દુશેખર, પરિભાષેન્દુશેખર અને વૈયાકરણસિદ્વાંત મંજૂષા – એ ચાર ગ્રંથો અત્યંત પ્રસિદ્ધ છે. તેમણે 100થી વધુ સંખ્યામાં નાનીમોટી રચનાઓ કરી છે. જેમાં બૃહદ્-મંજૂષા, લઘુમંજૂષા, પરમલઘુમંજૂષા, લઘુશબ્દેન્દુશેખર, પરિભાષેન્દુશેખર, તીર્થેન્દુશેખર, પ્રાયશ્ચિત્તેન્દુ, આચારેન્દુશેખર, રામાભિરામી (રામાયણની) ટીકા, રસમંજરી પર ટીકા, દુર્ગાસપ્તશતી પર ટીકા, કાવ્યપ્રકાશપ્રદીપ પર ઉદ્યોત ટીકા, રસગંગાધર પર ગુરુમર્મપ્રકાશિની ટીકા, કુવલયાનંદ પર ટીકા, ગીતગોવિંદ પર ટીકા, સુધાલહરી પરની ટીકા વગેરેનો સમાવેશ થાય છે.
નાગેશ સ્વસ્થ વૈયાકરણની રીતે મુનિત્રયની આલોચના કરી તેનું સમર્થન કરે છે. પતંજલિના મહાભાષ્યને એકમાત્ર અંતિમ પ્રમાણ માનીને મહાભાષ્યથી જુદા પડનારા પૂર્વગામી આચાર્યોના વિચારોની તેઓ કડક આલોચના કરે છે. મહાભાષ્યના અર્થદર્શન માટે ઉદ્યોત નામની તેમની ટીકા અત્યંત ઉપયોગી ગ્રંથ છે.
નાગેશ એક જ ગ્રંથને પરમલઘુ કે/અને લઘુ તેમજ બૃહત્ એમ વિવિધ સ્વરૂપમાં લખવાની તે જમાનાની પરંપરાને અનુસર્યા છે. વળી, પૂર્વભારત-બંગાળની પ્રાચીન વૈયાકરણ પરંપરાની સામે નાગેશ કાશીની નવ્ય વૈયાકરણ પરંપરાના ધુરંધર આચાર્ય ગણાય છે અને કાશીમાં અનેક વૈયાકરણો તેમણે તૈયાર કર્યા હતા.
કમલેશ ચોકસી