નાગેરકોઈલ

January, 1998

નાગેરકોઈલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યના કન્યાકુમારી જિલ્લાનું મુખ્ય મથક. કન્યાકુમારીથી ઉત્તરે 16 કિમી. દૂર દરિયાકિનારાથી અંદરના ભાગમાં તિરુવનંતપુરમ–કન્યાકુમારી અને ચેન્નાઈ–તિરુવનંતપુરમ્ રાષ્ટ્રીય માર્ગ પર આવેલું નગર. તે અરનબોલી ઘાટથી લગભગ 18 કિમી. દૂર 8° 10´ ઉ. અ. અને 77° 26´ પૂ. રે. પર આવેલું છે. નાગેરકોઈલનો અર્થ સર્પમંદિર થાય છે.

નાગેરકોઈલ નગરનું ભૌગોલિક સ્થાન

અહીં કાપડ-ઉદ્યોગ, ડાંગર છડવાની મિલો, મોટર-સમારકામ, રબરની બનાવટો, કાથીનાં દોરડાં, ચટાઈઓ, તાડીમાંથી ખાંડ અને ગોળ, દારૂ ગાળવાનો, વીજળીનાં સાધનો વગેરેને લગતા નાના પાયા પરના ઉદ્યોગો વિકસેલા છે. દરિયાકિનારા પરનાં મોનેઝાઇટ અને ઇલ્મેનાઇટ જેવાં ખનિજો અહીંથી મળે છે.

નાગેરકોઈલની વસ્તી 2,10,000 (2011) હતી. મુખ્ય વસ્તી હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની છે. શિવમંદિર અને પ્રાચીન જૈન મંદિરના અવશેષો વિશેષ ઉલ્લેખનીય છે. અહીંથી 14 કિમી. દૂર વાયવ્યમાં આવેલા પદ્મનાભપુરમ્ના મહારાજાનો મહેલ પર્યટનકેન્દ્ર તરીકે જાણીતો છે.

નિયતિ મિસ્ત્રી