નાગ : કશ્યપ ઋષિ અને દક્ષપુત્રી કદ્રુના પુત્રો. કશ્યપ અને કદ્રુના એક હજાર પુત્રો નાગ તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામ્યા છે. એમાં શેષનાગ, વાસુકિ, કર્કોટક, શંખ, મહાશંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, મહાપદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, પુષ્પદંત, શુભાનન, શંકુસોમા, બહુલ, વામન, પાણિન, કપિલ, દુર્મુખ, પતંજલિ, કૂર્મ, કુલિક, અનંત, આર્યક, લોહિત, પદ્મચિત્ર – એ 32 નાગોને મુખ્ય ગણવામાં આવ્યા છે. નાગોની બહેનનું નામ મનસા છે. કશ્યપ ઋષિએ આપેલાં વરદાનો પ્રમાણે કદ્રુને હજાર પુત્રો અને તેની બહેન તથા સપત્ની વિનતાને બે બળવાન પુત્રો થયેલા. વિનતાને સૂર્યના અશ્વોના પુચ્છનો રંગ કાળો છે, સફેદ નહિ એમ શરત લગાવી કદ્રુએ પોતાના પુત્રોને સૂર્યના અશ્વોના પુચ્છ પર વીંટળાવાનો આદેશ આપી કપટથી હરાવેલી અને પોતાની દાસી બનાવેલી. વિનતાનો પ્રથમ પુત્ર અરુણ પાંગળો હોવાથી નાના પુત્ર ગરુડે પોતાના જન્મ પછી કદ્રુના પુત્રોને અમૃતકુંભ લાવી આપી તેને દાસીમાંથી મુક્ત સ્ત્રી બનાવેલી.
ખેતરમાં રાફડો બાંધીને રહેતા અને પાકને બચાવતા સાપ કે નાગને ક્ષેત્રપાલ કે ક્ષેત્રદેવતા કહી શ્રાવણ માસની સુદ કે વદ પાંચમ, અર્થાત્, નાગપંચમીને દિવસે તેમની પૂજા કરવાની પ્રથા ગુજરાતમાં છે. આ નાગપૂજા આર્યોએ ભારતમાં આવી અનાર્ય પ્રજા પાસેથી સ્વીકારી હોવાનું મનાય છે.
ધર્મની નજરે નાગનો મહિમા ઘણો છે. કર્કોટક નાગે પોતાની ઝેરી અસરથી નળરાજાને વિકૃત સ્વરૂપ આપીને સહાય કરેલી. ભગવાન વિષ્ણુ શેષનાગ પર સમુદ્રની અંદર શયન કરે છે. કૃષ્ણાવતારમાં ગરુડના ભયથી જીવ બચાવવા યમુના નદીમાં વસતા કાલિયા નાગનું દમન કરવાનું પરાક્રમ વિષ્ણુએ કર્યું છે. પૃથ્વી શેષનાગના મસ્તક પર રહેતી હોવાની પુરાણોની માન્યતા છે. સમુદ્રમંથનમાં મંદર પર્વતને ફેરવવા માટે વાસુકિ નાગે નેતરા તરીકે કામગીરી બજાવેલી. પરીક્ષિતને તક્ષકે દંશ દીધેલો. ભગવાન શિવની નાગને ગળા અને હાથ પર અલંકાર તરીકે ધારણ કરવાની વાત જાણીતી છે. સર્વવિદ્યાઓના જ્ઞાતા શિવ પાસેથી વ્યાકરણશાસ્ત્રનું જ્ઞાન મેળવેલા શેષનાગે પતંજલિ તરીકે અવતરી પાણિનીય અષ્ટાધ્યાયી પર મહાભાષ્ય જેવો અજોડ વ્યાકરણગ્રંથ રચ્યો છે. પતંજલિના યોગદર્શનમાં કુંડલિની શક્તિને નાગના જેવી કલ્પવામાં આવી છે. નાગનું ઝેર ઉતારવાના મંત્રો છેક અથર્વવેદથી માંડીને મંત્રશાસ્ત્ર સુધી જોવા મળે છે. જૈન ધર્મ નજરમાં ઝેર ધારણ કરતા નાગને વર્ણવે છે. આ રીતે નાગ ભારતીય ધર્મ અને સંસ્કૃતિમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી