નાક્ષત્રિક કાલ (sidereal time) : ખગોલીય ઉપયોગ માટે, તારાઓના સ્થાન ઉપર આધારિત સમયગણતરી. વ્યવહારમાં સમયની ગણતરી સૂર્યના સ્થાનને આધારે લેવામાં આવે છે. આ સામાન્ય ઉપયોગમાં આવતો સમય મુલકી (civil) સમય તરીકે ઓળખાય છે. પૃથ્વીના સૂર્યની આસપાસના ભ્રમણને કારણે તારાઓના સંદર્ભમાં સૂર્યનું સ્થાન દરરોજ 1 અંશ પૂર્વ તરફ ખસતું રહે છે. આ સમયગણતરીને નાક્ષત્રિક સમય કહેવામાં આવે છે. નાક્ષત્રિક દિવસ એટલે કોઈ પણ એક તારાનાં અનુક્રમે બે શિરોબિંદુ એટલે ઉચ્ચતમ કે સ્થિર સ્થાને (upper culmination) પસાર કરવા વચ્ચેનો સમયગાળો. તારાઓના સંદર્ભમાં દરરોજ સૂર્યનું સ્થાન આશરે 1 અંશ પૂર્વ તરફ ખસતું હોવાને કારણે નાક્ષત્રિક દિવસ, મુલકી દિવસ કરતાં આશરે 4 મિનિટ જેટલો ટૂંકો હોય છે. નાક્ષત્રિક દિવસનો શૂન્યકાલ એટલે કે નાક્ષત્રિક દિવસની શરૂઆત વસંતસંપાતબિંદુને ઉચ્ચતમ સ્થિર સ્થાને પસાર કરવાને સમયે ગણવામાં આવે છે. એટલે માર્ચ 23 નજીક નાક્ષત્રિક દિવસની શરૂઆત આશરે મધ્યાહનસમયે થાય છે.
દીપક ભદ્રશંકર વૈદ્ય