નાઉરૂ : મધ્ય પ્રશાંત મહાસાગરમાં વિષૃવવૃત્તની તદ્દન નજીક દક્ષિણે આવેલો નાનકડો ટાપુ તથા દુનિયાનું સૌથી નાનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. દુનિયાના નાના દેશો પૈકી તે ત્રીજા ક્રમે આવે છે, માત્ર વેટિકન શહેર અને મોનેકો જ તેનાથી નાનાં છે.
ભૌગોલિક સ્થાન : 0° 32´ દ. અ. અને 166° 55´ પૂ. રે. તેની કુલ લંબાઈ 5.6 કિમી. તથા કુલ પહોળાઈ 4 કિમી. જેટલી છે. કુલ ક્ષેત્રફળ માત્ર 21.3 ચોકિમી. જેટલું છે. તે વિષુવવૃત્તથી 65 કિમી. દક્ષિણે, ઑસ્ટ્રેલિયા અને હવાઈ ટાપુઓ વચ્ચે અડધે અંતરે આવેલું છે. તે પરવાળાંથી બનેલો અંડાકાર ટાપુ છે. તેની મધ્યમાં આવેલું સપાટ મેદાન સમુદ્રસપાટીથી 61 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ મેદાનની મધ્યમાં આજુબાજુ ફળદ્રૂપ ભૂમિથી ઘેરાયેલું ખાડી-સરોવર છે. આજુબાજુનો ફળદ્રૂપ ભાગ કિનારા સુધી વિસ્તરેલો છે. અહીંની આબોહવા અયનવૃત્તીય છે. વ્યાપારી પવનો ગરમીને ઓછી કરે છે. તાપમાન જાન્યુઆરીમાં 27.2° સે. અને જુલાઈમા્ં 27.8° સે. જેટલું રહે છે. વાર્ષિક વરસાદ લગભગ 2000 મીમી. પડે છે.
કૃત્રિમ ખાતરોના ઉત્પાદન માટે જરૂરી ઊંચી ગુણવત્તાવાળું ફૉસ્ફેટ તેની એકમાત્ર મુખ્ય ખનિજ-પેદાશ છે, જેના પર તેનું અર્થતંત્ર નભે છે. તે જરૂરી હૂંડિયામણ કમાવી આપે છે. ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયાના દેશોમાં તેની નિકાસ થાય છે. ઑસ્ટ્રેલિયન ડૉલર તેનું મુખ્ય ચલણ છે.
આ ટાપુની કુલ વસ્તી 10,670 (2018) જેટલી છે. મોટાભાગની વસ્તી 20 કિમી. લાંબા કિનારા પર વસે છે. અગાઉના વખતમાં લોકો તેમના ખોરાક પૂરતું અનાજ ઉગાડી લેતા હતા, પરંતુ હવે ખોરાકી તેમજ દવા, યંત્રસામગ્રી, પગરખાં વગેરે જરૂરિયાતની ચીજવસ્તુઓની તે આયાત કરે છે. કુલ વસ્તીનો અર્ધો ભાગ પૉલિનેશિયન, માઇક્રોનેશિયન અને મેલેનેશિયન વંશોમાંથી ઊતરી આવેલી મિશ્ર પ્રજાથી બનેલો છે. તેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેમની ભાષા અંગ્રેજી અને નાઉરી છે. બાકીની અર્ધી વસ્તી કિરિબાતી, તુવાલુ, હૉંગકૉંગ અને ઑસ્ટ્રેલિયાથી આવીને વસેલી છે. તેઓ ફૉસ્ફેટની ખાણોમાં કામ કરવા જાય છે. હવાઈ માર્ગ અને જળમાર્ગનું સંચાલન સરકારને હસ્તક છે. સરકાર માછીમારી અને અન્ય વ્યવસાયોને પણ પ્રોત્સાહન આપે છે. મુખ્ય સરકારી કચેરીઓ ટાપુના નૈર્ઋત્ય ભાગમાં આવેલી છે.
કૅપ્ટન ફર્ન નામના અંગ્રેજ પ્રવાસીએ 1798માં તેની શોધ કરી હતી. 1888માં જર્મનીએ તેના પર કબજો મેળવ્યો હતો અને 1914 સુધી તેના પર શાસન કરેલું. પ્રથમ વિશ્વયુદ્વ દરમિયાન 1914માં તે ઑસ્ટ્રેલિયાના શાસન હેઠળ આવ્યું. લીગ ઑવ્ નૅશન્સની સ્થાપના થતાં આ ટાપુ તેના શાસન હેઠળનો પ્રદેશ બન્યો ત્યારે તેનો વહીવટ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને ગ્રેટ બ્રિટનને સંયુક્ત રીતે સોંપવામાં આવ્યો હતો. 1942–45 દરમિયાન જાપાને તેના પર કબજો કર્યો હતો. બીજા વિશ્વયુદ્વ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થતાં તે તેના વાલીપણા હેઠળ મુકાયું. 1964માં ત્યાંના વતનીઓએ સ્વતંત્રતા માટે તેમજ ફૉસ્ફેટની ખાણોના કબજા માટે ચળવળ શરૂ કરી. 1968માં તેને સ્વાધીનતા બક્ષવામાં આવી, ત્યારથી તે સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય બન્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે