નાઇટ્રિક ઍસિડ : એક પ્રબળ અકાર્બનિક ખનિજ (mineral) ઍસિડ. સૂત્ર HNO3. શુદ્ધ નાઇટ્રિક ઍસિડ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉ.બિંદુ 83° સે., બાષ્પદબાણ 62 મિમી.(25° સે.), શ્યાનતા 0.761 સેપો.(25° સે.), ઘનતા 1.52 (25° સે.), અને ઠારબિંદુ –47° સે. છે. તેના ઉપર પ્રકાશ પડવાથી તેમાંથી NO2 ઉત્પન્ન થવાને લીધે તેનું દ્રાવણ પીળા રંગનું બને છે. નાઇટ્રિક ઍસિડના ઔદ્યોગિક ઉત્પાદન માટે ઑસ્વાલ્ડ વિધિ વપરાય છે, જેમાં એમોનિયા વાયુનું હવા વડે ઉદ્દીપકીય ઉપચયન NO2(નાઇટ્રોજન-ડાયૉક્સાઇડ)માં કરવામાં આવે છે. ડાયૉક્સાઇડને પાણીમાં પસાર કરવાથી 60 % નાઇટ્રિક ઍસિડ મળે છે. જો 90 %થી 100 % નાઇટ્રિક ઍસિડ બનાવવો હોય તો સોડિયમ નાઇટ્રેટ તથા H2SO4 દ્વારા અથવા 60 % નાઇટ્રિક ઍસિડના નિર્જળીકરણ દ્વારા અથવા NO2ના મંદ નાઇટ્રિક ઍસિડમાં ઉપચયન દ્વારા તે મેળવી શકાય છે.
નાઇટ્રિક ઍસિડ પ્રબળ ઉપચયનકર્તા છે જે કાર્બનનું CO2માં, Sનું H2SO4 માં તથા Pનું H3PO4માં ઉપચયન કરે છે. ઍસિડ ઝડપથી વિઘટન પામે છે : 2HNO3 → H2O + 2NO2 + O2. નાઇટ્રિક ઍસિડ મોટાભાગની ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે અને કઈ નીપજ બનશે તેનો આધાર વિદ્યુતરાસાયણિક શ્રેણીમાં ધાતુના સ્થાન ઉપર તેમજ નાઇટ્રિક ઍસિડની સંક્રેન્દ્રિતતા ઉપર છે.
નાઇટ્રિક ઍસિડ કાર્બનિક પદાર્થના સંસર્ગમાં આવે તો કાર્બનિક પદાર્થો સળગી ઊઠવાનું જોખમ હોય છે. શ્વાસમાં તેની બાષ્પ ખૂબ દાહક, ચામડી ઉપર દાહક તથા પ્રબળ ઉપચયનકારક હોય છે.
એમોનિયમ નાઇટ્રેટ તથા ફૉસ્ફેટ ખાતરો, નાઇટ્રોસ્ફોટકો, પ્લાસ્ટિક, રંગકો, ઔષધો, પ્રલાક્ષ (lacquers), યુરિથેન તથા રબર-રસાયણો બનાવવા માટે નાઇટ્રિક ઍસિડ મોટા પ્રમાણમાં વપરાય છે.
જગદીશ જ. ત્રિવેદી