નાઇટ્રાઇડિંગ : પોલાદના દાગીનાની સપાટી પર નાઇટ્રાઇડના પડ દ્વારા કઠિનીકરણની પ્રવિધિ. આયર્ન કાર્બાઇડની માફક આયર્ન નાઇટ્રાઇડ પણ સખત (કઠણ) હોય છે. એટલે પૃષ્ઠ કઠિનીકરણ માટે કાર્બુરાઇઝિંગની રીત ઉપરાંત નાઇટ્રાઇડિંગની રીત પણ વપરાય છે. જે દાગીના પર નાઇટ્રાઇડિંગ કરવાનું હોય તેને વાયુચુસ્ત ભઠ્ઠીમાં ગોઠવવામાં આવે છે અને 500° સે. તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. આ ભઠ્ઠીમાં એમોનિયા વાયુ પસાર કરવામાં આવે છે. આ ક્રિયા 40થી 90 કલાક સુધી ચાલે છે. એમોનિયા(NH3)નું વિભાજન NH3 → 3H+N એ પ્રમાણે થાય છે. છૂટો પડેલો નાઇટ્રોજન દાગીનાની સપાટી પર ચુસાય છે અને Fe4N (ફેરિક નાઇટ્રાઇડ) સંરચનાવાળો પદાર્થ બને છે જે ખૂબ કઠિન હોય છે. એક અન્ય પ્રવિધિમાં પીગળેલ સોડિયમ સાયનાઇડમાં ગરમ ધાતુને ડુબાડવામાં આવે છે. નાઇટ્રાઇડિંગ કરવું હોય તો તે માટે ખાસ પ્રકારનું પોલાદ જેને ‘નાઇટ્રો-એલૉય’ કહે છે તે વપરાય છે. નાઇટ્રો-એલૉયમાં મિશ્ર તત્વ તરીકે ક્રોમિયમ અને મૉલિબ્ડિનમ ઉપરાંત ઍલ્યુમિનિયમ પણ ઉમેરવામાં આવેલું હોય છે. ફેરિક નાઇટ્રાઇડ(Fe4N)ને સ્થિરતા બક્ષવા ઍલ્યુમિનિયમ વપરાય છે. ઍલ્યુમિનિયમ વગરનાં પોલાદોનું પણ નાઇટ્રાઇડિંગ કરી શકાય છે પરંતુ તેમાં ઍલ્યુમિનિયમવાળા ખાસ પોલાદ જેટલી પૃષ્ઠકઠિનતા મળતી નથી. નાઇટ્રોએલૉયમાં નાઇટ્રા-એઇડિંગ દ્વારા 1,050 BHN જેટલી પૃષ્ઠકઠિનતા મળે છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ