નાઇટ્રાઇડ : નાઇટ્રોજન કરતાં ઓછી ઇલેક્ટ્રૉન-ઋણતા ધરાવતાં અથવા વધુ ધનવિદ્યુતી (electropositive) તત્ત્વો સાથે નાઇટ્રોજનનાં દ્વિ-અંગી સંયોજનો. (અપવાદ : એઝાઇડ N3–).
આવર્તક કોષ્ટકમાંના સમૂહ a 1 ની ધાતુઓની નાઇટ્રોજન સાથે પ્રત્યક્ષ (direct) પ્રક્રિયાથી એઝાઇડ બને છે જેને કાળજીપૂર્વક (ધડાકો થતો અટકાવવા માટે) ગરમ કરતાં વિઘટન પામીને ઘન નાઇટ્રાઇડ, દા. ત., Li3N, Na3N, K3N, Rb3N તથા Cs3N મળે છે. આ નાઇટ્રાઇડ લગભગ 400° સે. તાપમાને ધાતુ તથા નાઇટ્રોજન વાયુમાં વિઘટન પામે છે. નાઇટ્રાઇડ પાણીની બાષ્પ સાથે પ્રક્રિયા કરીને NH3 તથા ધાતુનો હાઇડ્રૉક્સાઇડ આપે છે.
સમૂહ 2aની ધાતુના નાઇટ્રાઇડ (Be3N2, Mg3N2, Ca3N2, Sr3N2, Ba3N2) બનાવવા માટે ધાતુ તથા નાઇટ્રોજનની પ્રત્યક્ષ પ્રક્રિયા (i) અથવા એમોનિયા સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા (ii) કરવામાં આવે છે.
N2 + 3Be → Be3N2 ……………………………………………………………………………………………………….(i)
2NH3 + 3Be → Be3N2 + 3H2 ………………………………………………………………………………………..(ii)
ખૂબ સરળ રીત એમાઇડને ગરમ કરીને બનાવવાની છે.
3Ba(NH2)2 → Ba3N2+ 4NH3 ………………………………………………………………………………………..(iii)
આ નાઇટ્રાઇડ સંયોજનો આશરે 1000° સે. તાપમાને પીગળીને નાઇટ્રોજન તથા ધાતુમાં વિઘટન પામે છે. (Be2N2 અપવાદ છે, જે 2200° સે.એ પીગળે છે.)
સ્કૅન્ડિયમ સમૂહની ધાતુના તથા લેન્થેનાઇડ અને ઍક્ટિનાઇડ સમૂહના નાઇટ્રાઇડ લગભગ 1500° સે. તાપમાન સુધી સ્થાયી હોય છે. ટિટેનિયમ સમૂહની ધાતુના તથા વેનેડિયમ સમૂહની ધાતુના નાઇટ્રાઇડ પણ સ્થાયી હોય છે, પણ ક્રોમિયમ-સમૂહ તથા મૅંગેનીઝ-સમૂહના નાઇટ્રાઇડ ઓછા સ્થાયી છે. આ બધાં જ નાઇટ્રાઇડ ધાતુ તથા નાઇટ્રોજનની સીધી પ્રક્રિયાથી બનાવાય છે. Fe2N, Fe4N, Co2N, Co3N, Ni3N જેવા નાઇટ્રાઇડ ખૂબ ઓછા સ્થાયી છે અને એમોનિયા સાથે ધાતુની સીધી પ્રક્રિયાથી મેળવી શકાય છે. Ag, Au, Hg, Tl, Sn, Pb, Sb, Bi જેવાં તત્વો નાઇટ્રાઇડ બનાવતાં નથી. AlN, Si3N4, Ge3N4 તથા P3N5 સ્થાયી હોય છે, જ્યારે BN સૌથી વધુ સ્થાયી છે (ઊર્ધ્વીકરણ-બિંદુ 3000° સે.થી વધુ).
જગદીશ જ. ત્રિવેદી