નાઇટ્રાઇટ : અસ્થાયી નાઇટ્રસ ઍસિડ(HNO2)માંથી મેળવાતાં સંયોજનોના બે વર્ગો ક્ષારો તથા લવણો પૈકીનું ગમે તે એક સંયોજન ક્ષારો. દા. ત., સોડિયમ નાઇટ્રાઇટ, NaNO2 આયનિક સંયોજનો હોઈ તેઓ નાઇટ્રાઇટ ઋણાયન (NO2-) ધરાવે છે. આ ઋણાયનમાં બંધ – કોણ (bond angle) 115° હોય છે. નાઇટ્રસ ઍસિડના એસ્ટરો (esters) સહસંયોજક સંયોજનો હોઈ R-O-N-O સંરચના ધરાવે છે. જેમાં R કાર્બન પરમાણુ ધરાવતો સમૂહ હોય છે; જેમ કે, ઇથાઇલ નાઇટ્રાઇટમાં ઇથાઇલ (C2H3) સમૂહ. નાઇટ્રાઇટમાં નાઇટ્રોજનનો ઉપચયનાંક +3 છે; તેથી તે ઉપચયનકારક તેમજ અપચયનકારક એમ બંને રીતે વર્તી શકે છે. મોટાભાગનાં નાઇટ્રાઇટ સંયોજનો જળદ્રાવ્ય છે. સોડિયમ તથા પોટૅશિયમ નાઇટ્રાઇટ સ્થાયી છે તથા કાર્બનિક સંશ્ર્લેષણ તેમજ રંગક-ઉત્પાદનમાં ખૂબ વપરાય છે. સોડિયમ નાઇટ્રાઇટનું ઔદ્યોગિક ઉત્પાદન, સોડિયમ હાઇડ્રૉક્સાઇડ દ્રાવણમાં નાઇટ્રિક ઑક્સાઇડ તથા નાઇટ્રોજન ડાયૉક્સાઇડના મિશ્રણને પસાર કરીને કરવામાં આવે છે.
NO + NO2 + 2NaOH ⇌ 2NaNO2 + H2O
નાઇટ્રાઇટ દ્રાવણોમાં જલદ ઍસિડ ઉમેરવાથી ઉપરની પ્રક્રિયા પ્રતિવર્તી બને છે. અને NO તથા NO2 વાયુઓ નીકળવા ઉપરાંત આ વિઘટન દરમિયાન થોડો નાઇટ્રેટ પણ બને છે.
નાઇટ્રાઇટ આયનને તપખીરિયા(brown)રંગનો Fe(NO)+2 બનાવીને પારખી શકાય છે.
જગદીશ જ. ત્રિવેદી