નાઇટ્રસ ઍસિડ : આછા વાદળી રંગના દ્રાવણ રૂપે મળતો નાઇટ્રોજનનો નિર્બળ (weak) ઍસિડ. તેનું સૂત્ર છે HNO2. અણુભાર 47.01 તથા સંરચનાત્મક સૂત્ર
શુદ્ધ સ્વરૂપમાં નાઇટ્રસ ઍસિડ મેળવી શકાયો નથી પરંતુ તેનાં ઊંચા સંકેન્દ્રણવાળાં જલીય દ્રાવણો નાઇટ્રાઇટ ક્ષારો(દા. ત., બેરિયમ નાઇટ્રાઇટ)માં ઍસિડ ઉમેરીને મેળવી શકાય છે.
Ba(NO2)2 + H2SO4 → 2HNO2 + BaSO4.
NO તથા NO2નું સમાન મોલસંખ્યાનું મિશ્રણ પાણીમાં ઓગાળવાથી નાઇટ્રસ ઍસિડનું દ્રાવણ બને છે જે એસેટિક ઍસિડથી થોડી વધુ ઍસિડિકતા દર્શાવે છે. નાઇટ્રસ ઍસિડ અપચનયકર્તા તેમજ ઉપચયનકર્તા તરીકે વર્તી શકે છે. જે ગતિથી નાઇટ્રિક ઍસિડ ધાતુઓ સાથે કે I– આયનો સાથે પ્રક્રિયા કરે છે તે ગતિ નાઇટ્રિક ઍસિડમાં રહેલી નાઇટ્રસ ઍસિડની અશુદ્ધિના પ્રમાણ ઉપર આધાર રાખે છે. કાર્બનિક રસાયણમાં ડાયાઝોનિયમ સંયોજનો બનાવવા તે વધુ વપરાય છે. આલ્કોહૉલ સાથે તે સ્થાયી (stable) એસ્ટર બનાવે છે.
જગદીશ જ. ત્રિવેદી