નાઇટિંગેલ, ફ્લૉરેન્સ
January, 1998
નાઇટિંગેલ, ફ્લૉરેન્સ (જ. 12 મે 1820, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 13 ઑગસ્ટ 1910, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ ઑર્ડર ઑવ્ મેરિટનાં પ્રથમ સ્ત્રી વિજેતા (1907). 1854–56ના ક્રિમિયન યુદ્ધમાંથી તેમની સેવાઓએ તબીબી વિદ્યામાંની પરિચારિકા સેવાઓ(nursing services)માં એક ક્રાંતિના જેવો ફેરફાર આણ્યો હતો. તે કામગીરીને વિશ્વમાં બધે બિરદાવાઈ છે. તેમને લોકો દીવાવાળી દેવી (lady with the lamp) કે દયાની દૂતી (angel of mercy) તરીકે ઓળખતા હતા.
યુદ્ધપીડિતો(war victims)ની સંભાળ, આધુનિક પરિચર્યા (nursing) અને જાહેર સ્વચ્છતા (sanitation) અને સ્વાસ્થ્યવિદ્યા(hygiene)ના ક્ષેત્રની તેમની સેવા ઘણી મહત્વની ગણાઈ છે. તેમને આધુનિક પરિચર્યાનાં સ્થાપક તરીકે પણ ગણવામાં આવે છે. તેમણે કુટુંબની ઇચ્છા વિરુદ્ધ 1850માં નર્સિંગવિદ્યાનો ટૂંકો અભ્યાસ કર્યો હતો. 1854–56ના ક્રિમિયા ખાતેના યુદ્વમાં નર્સિંગનાં અધીક્ષક (supervisor) તરીકે તેમણે કામગીરી સંભાળી હતી. તેમની આ કામગીરીએ મૃત્યુદર ઘટાડ્યો હતો (42 %માંથી 2 %). જાહેર સફાઈ તેમજ પરિચર્યાનાં ધોરણો તેઓ ઊંચાં લાવ્યાં હતાં. રાત્રે જ્યારે ડૉક્ટરો સહિત બધાં સૂઈ જતાં ત્યારે તે દીવો લઈને ઘાયલોની શુશ્રૂષા કરતાં. 1860માં તેમણે પરિચારિકાઓની તાલીમ માટે એક શાળા ખોલી અને તેઓ આધુનિક પરિચર્યા તાલીમના આદર્શરૂપ (model) બની રહેલ છે. તેમનું મુખ્ય લખાણ બ્રિટિશ લશ્કરની આરોગ્ય, ક્ષમતા અને હૉસ્પિટલ-સંચાલનની બાબતોની નોંધ રૂપે છે (1858). તેમના પર અનેક કાવ્યો અને પુસ્તકો લખાયાં છે. તેમણે પરિચારિકા-સેવાનો સામાજિક મોભો ઊંચો આણ્યો છે.
અનિલા ધ. દવે