નાંબુદ્રીપાદ, ઇ. એમ. એસ. (જ. 14 જૂન 1909; અ. 19 માર્ચ 1998, થિરુઅનંતપુરમ્) : ભારતના અગ્રણી માર્કસવાદી ચિંતક, માર્કસવાદી સામ્યવાદી પક્ષના ટોચના નેતા અને કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. કેરળના પાલઘાટ જિલ્લાના એક ગામડામાં રૂઢિચુસ્ત મલયાળી કુટુંબમાં જન્મેલા ‘ઇ. એમ. એસ.’ના પિતા પરમેશ્વરનનું નાનપણમાં અવસાન થતાં માતા વિષ્ણુદત્તાની દેખરેખ હેઠળ તેમનો ઉછેર થયો હતો.
તેમણે બાળપણમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનું શિક્ષણ પારંપરિક પદ્ધતિ દ્વારા પરિવારમાં પ્રાપ્ત કર્યું અને સાતમા ધોરણમાં શાળામાં દાખલ થયા. પેરિન્થલમન્ના હાઈસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ વિક્ટોરિયા કૉલેજ, પાલઘાટ અને સેન્ટ ટૉમસ કૉલેજ, ત્રિચુરમાંથી મેળવ્યું. 1932 માં બી. એ.ના વર્ગમાં હતા ત્યારે સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ ત્રણ વર્ષની સજા થઈ, પરંતુ 1933માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. કારાવાસ દરમિયાન ક્રાંતિકારીઓના સંપર્કમાં આવતાં ડાબેરી વિચારસરણી પ્રત્યે આકર્ષાયા. તે પૂર્વે સામાજિક ક્ષેત્રે કામ કરતી ‘યોગક્ષેમ સભા’ નામક સંસ્થા મારફત જાહેર જીવનની શરૂઆત કરી હતી. આ સંસ્થા સાથે છેક 1948 સુધી સંકળાયેલા રહ્યા. સાથોસાથ ‘ઉન્ની નાંબુદરી’ નામક સાપ્તાહિક પત્રિકાનું સંપાદન પણ કરતા. 1934માં કાગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના થઈ તેના તે સ્થાપક સભ્ય બન્યા. રાષ્ટ્રીય કૉંગ્રેસમાંના સમાજવાદી વિચારસરણીને વરેલા આ જૂથના તેઓ શરૂઆતથી જ સહમંત્રી હતા. તે જ વર્ષે (1934) અખિલ ભારતીય કાગ્રેસ કમિટી(AICC)ના સભ્ય ચૂંટાયા. 1937–39 દરમિયાન કેરળ પ્રદેશ કાગ્રેસ કમિટીના મંત્રીપદે કામ કર્યું. 1940માં તેમની જ પ્રેરણાથી કાગ્રેસ સમાજવાદી પાર્ટીની કેરળ શાખાનો ભારતીય સામ્યવાદી પક્ષમાં વિલય થયો. 1943–64 દરમિયાન ભારતીય સામ્યવાદી પક્ષના પૉલિટ બ્યૂરોના સભ્ય રહ્યા. 1964માં સામ્યવાદી પક્ષમાં ભંગાણ પડતાં તેઓ નવા માર્કસવાદી સામ્યવાદી પક્ષ(CPIM)માં જોડાયા અને ત્યારથી અત્યાર સુધી (1964–98) તેના પૉલિટ બ્યૂરોના સભ્ય રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન થોડાંક વર્ષો માટે તેઓ આ પક્ષના મહામંત્રીપદે પણ રહ્યા હતા.
1937–39 દરમિયાન તેઓ તે વખતના મદ્રાસ(ચેન્નાઈ) પ્રાંતની ધારાસભાના સભ્ય હતા. 1957માં કેરળ રાજ્યમાં થયેલ ધારાસભાની ચૂંટણીમાં તેઓ વિશાળ બહુમતી સાથે વિજયી બન્યા અને સામ્યવાદી પક્ષના ધારાસભ્યોએ સર્વાનુમતે તેમને નેતાપદ આપ્યું, જેને પરિણામે ભારતમાં સામ્યવાદી પક્ષની પ્રથમ સરકાર રચવાનો જશ તેમને ફાળે ગયો (1957–59). બે વર્ષ બાદ કેન્દ્ર-સરકારે તેમના નેતૃત્વ હેઠળની સરકાર બરખાસ્ત કરી અને કેરળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. 1967માં કેરળમાં થયેલ ધારાસભાની ચૂંટણીમાં માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેજા હેઠળ રચવામાં આવેલ ડાબેરી વિચારસરણી ધરાવતા કેટલાક પક્ષોની મિશ્ર સરકાર રચવામાં આવી, જેના નેતાપદે તેમની ચૂંટણી થતાં તે બીજી વાર કેરળના મુખ્યમંત્રી બન્યા (1967–69). 1969માં આ સરકારનું પતન થયા પછી તેઓ કેરળની ધારાસભામાં વિરોધપક્ષના નેતા બન્યા. ત્યાર-પછીના ગાળામાં કેરળમાં સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળની સરકારો બની ત્યારે મુખ્યમંત્રીપદ માટે તેમના નામનું સૂચન થતું હતું, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે એ જવાબદારી સ્વીકારવાની તેમણે ના પાડી. માત્ર પક્ષના રાજ્યસ્તરના ઘટકની પ્રવૃત્તિઓમાં તથા માર્કસવાદી સામ્યવાદી પક્ષની કેન્દ્રીય સમિતિ અને પૉલિટ બ્યૂરોમાં તેઓ સક્રિય રહ્યા હતા
મલયાળમ ભાષામાં તેમની કેટલીક વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે, જે કેરળના ખેડૂતોના જીવનનાં કેટલાંક પાસાંઓને આલેખે છે. ઉપરાંત તેમની અન્ય કૃતિઓમાં ‘નૅશનલ ક્વેશ્ચન ઑવ્ કેરાલા’, ‘ઑન અગ્રેરિયન ક્વેશ્ચન’, ‘પેઝન્ટ ઇન નૅશનલ રીકન્સ્ટ્રક્શન’, ‘સોશિયલ ડેમૉક્રસી ઍન્ડ કમ્યુનિઝમ’, ‘ધ મહાત્મા ઍન્ડ ધી ઇઝમ’, ‘ઇન્ડિયા અન્ડર કૉંગ્રેસ રૂલ’, ‘પ્રૉબ્લેમ્સ ઑવ્ નૅશનલ ઇન્ટિગ્રેશન’ તથા ‘ઇન્ડિયન પ્લૅનિંગ ઇન ક્રાઇસિસ’ વિશેષ નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે