નસ્લિન-વૉલ્હાર્ડ, ક્રિશ્ચિયન (Nasslein-Volhard Christiane) (જ. 20 ઑક્ટોબર 1942, મગ્ડેબર્ગ, જર્મની) : સન 1995ના નોબેલ પુરસ્કારનાં એડવર્ડ બી. લૂઇસ અને એરિક વીઝકોસ સાથેનાં વિજેતા. ભ્રૂણ અથવા પ્રાગર્ભ(embryo)ના શરૂઆતના વિકાસમાં જનીનો દ્વારા થતા નિયંત્રણ અંગે સંશોધન કરવા માટે તેમને આ સન્માન પ્રાપ્ત થયું. આર્કિટેક્ટ પિતાનાં પાંચ સંતાનોમાંનાં એક એવાં ક્રિશ્ચિયને ફ્રેંકાફરટના ગ્યૂઇથે વિશ્વવિદ્યાલયમાં જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને પછી મૅક્સ પ્લક ઇન્સ્ટિટ્યૂટમાં જૈવરસાયણશાસ્ત્રનો અભ્યાસ કરીને હેડલબર્ગની યુરોપિયન આણ્વિક જીવવિજ્ઞાન-પ્રયોગશાળામાં જોડાયાં. સન 1984માં તેઓ પાછાં મૅક્સ પ્લક ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યાં. ફલિત થયેલા અંડકોષમાં કોષદ્વિભાજન, સંખ્યાવૃદ્ધિ, વિભેદન (differentiation) વગેરે પ્રક્રિયા થઈને વિવિધ અવયવો બને છે. ક્રિશ્ચિયન નસ્લિન-વૉલ્હાર્ડ અને એરિક વીઝકોસે ફળમાખી (fruitfly) પર અભ્યાસ કરીને 15 જનીનો શોધી કાઢ્યા, જે આ પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે. સન 1970માં એડવર્ડ લૂઇસે ફળમાખી પર અભ્યાસ કરીને માખીના શરીરમાં બનતા અવયવોનું નિયંત્રણ કરતાં જનીનો અને રંગસૂત્ર પરના તેમના સ્થાનને શોધી કાઢ્યું હતું. આ સંશોધનને કારણે તેઓ સન્માનનાં અધિકારી બન્યાં.
શિલીન નં. શુક્લ