નસોતર : દ્વિદળી વર્ગના કૉન્વોલ્વ્યુલેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Operculina turpethum (Linn.) Silva Manso syn. Ipomoea turpethum R. Br. (સં. ત્રિવૃત્, નિશોત્તર, હિં. નિશોથ, પનીલા; બં. તેઉડી; મ. તેડ; ગુ. નસોતર; ફા. નિસોથ; અં. ટરપીથરૂટ) છે તે મોટી બહુવર્ષાયુ વળવેલ (twiner) છે અને ક્ષીરરસ તથા માંસલ શાખિત મૂળ ધરાવે છે. તેનું વિતરણ સમગ્ર ભારતમાં 900 મી.ની ઊંચાઈ સુધી થયેલું છે અને કેટલીક વાર ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે પણ ઉછેરવામાં આવે છે. તેના પ્રકાંડ ઉપર સફેદ રોમનું આચ્છાદન થયેલું હોય છે. આ વેલ ત્રણધારી હોવાથી તેને ત્રિવૃત્ કહે છે. પર્ણો હૃદયાકાર કે ભાલાકાર, લંબાઈ 5–20 સેમી. અને પહોળાઈ 3–12.5 સેમી., સાદાં અને એકાંતરિત હોય છે. પુષ્પનિર્માણ ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે. પુષ્પો સફેદ રંગનાં, નલિકાકાર–ઘંટાકાર (tubular-campanulate) અને પરિમિત ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે. ફળ એપ્રિલ–મેમાં પાકે છે. અને તેઓ પ્રાવર પ્રકારનાં તથા ગોળ હોય છે. તેઓ ચાર અથવા તેથી ઓછાં, આછાં કાળાં અને અરોમિલ બીજ ધરાવે છે.
મૂળ કાળાં કે લાલ, એક બાજુથી ફાટેલાં અને ગોળ હોય છે. મૂળને ‘નસોતર’ કહે છે. સફેદ નસોતર Marsdenia tenacissima Wight & Arn. (મોટી ડોડી)માંથી પણ પ્રાપ્ત થાય છે. નસોતર ‘ટરપીથ’ અથવા ‘ઇન્ડિયન જૅલપ’ તરીકે જાણીતા ઔષધનો સ્રોત છે અને તેનો રેચક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ઔષધ બે સ્વરૂપમાં મળી આવે છે : સફેદ નસોતર અને કાળું નસોતર. તે મૂળ અને પ્રકાંડના નળાકાર ટુકડાઓનું બનેલું હોય છે. તેની લંબાઈ 1.5–15 સેમી. અને વ્યાસ 1.5 સેમી. હોય છે. તથા તેના કાષ્ઠમય મધ્ય ભાગ એક બાજુએથી ચીરીને કાઢી નાખવામાં આવે છે. તેની વાસ અણગમતી અને સ્વાદ કેટલેક અંશે વમનકારી કે સહેજ કડવો હોય છે. તે વાસ્તવિક જૅલપ (Exogonium purga) જેટલું લગભગ અસરકારક છે અને રૂબાર્બ કે રેવંચી (Rheum emodi) કરતાં ઉચ્ચ ગુણધર્મ ધરાવે છે. ઔષધનો ચૂર્ણ સ્વરૂપમાં ઉપયોગ થાય છે. વિરેચક (cathartic) તરીકે કાળા કરતાં સફેદ નસોતરને પસંદ કરવામાં આવે છે. કાળું નસોતર ઉગ્ર રેચક છે અને તેનાથી ઊલટી, મૂર્છા (fainting) અને ચક્કર આવે છે.
નસોતરમાં સક્રિય ઘટક ગ્લાયકોસિડિક રાળ (ગ.બિ. 183° સે.; ઍસિડ-આંક 20.5–24.5; સાબૂકરણ-આંક 160.5 –164) છે. તેનું પ્રમાણ 10 % જેટલું હોય છે. રાળ બદામી પીળા રંગની અને ગંધવિહીન હોય છે તથા તીક્ષ્ણ કડવો સ્વાદ ધરાવે છે. તે આલ્કોહૉલ દ્રાવ્ય અને ઈથરમાં અશત: દ્રાવ્ય હોય છે. તે ઈથરમાં અદ્રાવ્ય ગ્લાયકોસાઇડ, ટર્પેથિન ધરાવે છે, જે રાળમાં લગભગ 50 % જેટલું હોય છે. ઉપરાંત, બે ઈથર દ્રાવ્ય ગ્લાયકોસાઇડ, a-ટર્પેથેઇન (8 %) અને b-ટર્પેથેઇન (0.6 %) પણ તે ધરાવે છે. રાળ અને ઔષધમાં અલ્પ પ્રમાણમાં બાષ્પશીલ તેલ અને પીળા રંગનું દ્રાવ્ય પણ હોય છે.
નસોતરના તાજા મૂળનો આલ્કોહૉલીય નિષ્કર્ષ Micrococcus pyogenes var. aureus અને Escherichia coli સામે પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર તે તૂરી, તીખી, મધુર, રુક્ષ, ઉષ્ણવીર્ય, વાતકર અને વિરેચન દ્રવ્યોમાં શ્રેષ્ઠ છે. તે કફ, પિત્ત, કૃમિ, જળોદર, જ્વર, સોજા, પાંડુરોગ, પ્લીહાવૃદ્ધિ અને વ્રણનો નાશ કરે છે. તાવમાં નસોતરનું ચૂર્ણ દ્રાક્ષના રસ સાથે આપવામાં આવે છે. રક્તપિત્તવાળાને ખૂબ મધ અને સાકર સાથે નસોતરના મૂળના ચૂર્ણનો જુલાબ આપવામાં આવે છે. અર્શમાં ત્રિફળાના ક્વાથ સાથે નસોતરનું મૂળ પિવડાવાય છે અને દોષ નીકળી જતાં અર્શ ખરી પડે છે. ઘી અને તેલમાં સિદ્ધ કરેલું નસોતરના પાનનું શાક જમતાં પહેલાં અપાય છે. પાંડુરોગમાં બે ગણી સાકર સાથે નસોતરનું ચૂર્ણ દૂધ સાથે પિવડાવાય છે. સંધિવાના દર્દીને નસોતરનું ચૂર્ણ 15 દિવસ સુધી આપવામાં આવે છે. પ્રબળ તાવમાં નસોતરનું ચૂર્ણ મધ સાથે આપવાથી પ્રબલ જ્વર પણ ઊતરી જાય છે. કમળાના દર્દીને નસોતરનું ચૂર્ણ સાકર સાથે અપાય છે. એકાંતરિયા તાવમાં નસોતરનું ચૂર્ણ મધ સાથે આપવામાં આવે છે.
નસોતરનાં મૂળ લેવાથી પીળા રંગનો પાણી જેવો ઝાડો થાય છે. પિત્તદોષના વિરેચન માટે નસોતર શ્રેષ્ઠ છે. ચૂંક સાથે ઝાડો થાય છે તેમાં સુગંધી દ્રવ્ય અને સિંધવ, મીઠું અથવા સાકર મેળવીને અપાય છે. જળોદર, આમવાત અને વાતરક્તમાં તે વિશેષ લાભદાયી છે.
ત્રિવૃતાદિ ચૂર્ણ : આ ચૂર્ણ નસોતર 5 ભાગ, સૂંઠ 1 ભાગ અને સંચળ 9 ભાગ મેળવી બનાવાય છે. સવારમાં ગરમ પાણી સાથે લેવાથી 5થી 7 દસ્ત થાય છે; ઊલટી પણ થાય છે અને અજીર્ણ દૂર થાય છે. યકૃતોદર, પ્લીહોદર અને જળોદરમાં નસોતર ઉપયોગી છે. માથાનો દુ:ખાવો હલકો પડે છે. સંધિવા, ગૃધ્રસી અને કટિશૂલમાં તેનો જુલાબ અપાય છે. પંચસમ ચૂર્ણમાં નસોતરનું મૂળ, સૂંઠ, હીમજ, પીપર અને સંચળ સમાન ભાગે લેવાય છે.
નારાયણ ચૂર્ણ : આ ચૂર્ણ નસોતરનું મૂળ 23 ગ્રા., લીંડીપીપર 23 ગ્રા. અને સાકર 184 ગ્રા. મેળવીને બનાવાય છે. તે 3-6 ગ્રા. પાણી સાથે લેવાય છે.
આદિત્યભાઈ છ. પટેલ
બળદેવભાઈ પટેલ