નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : પૂર્ણ રોજગારીમાં આર્થિક સમતુલા તથા આર્થિક વૃદ્ધિનું પૃથક્કરણ કરતી, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની પરંપરામાં વિકસેલી, આર્થિક વિશ્લેષણની એક આગવી પદ્ધતિ. ઓગણીસમી સદીમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રે સીમાવર્તી વિશ્લેષણની પદ્ધતિ અપનાવીને એક વિશિષ્ટ અભિગમ કેટલાક અર્થશાસ્ત્રીઓએ અપનાવ્યો હતો. તેમને અનુસરીને ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રના ક્ષેત્રે જે સિદ્ધાંતો વિકસાવ્યા તેમના સમૂહને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રના આદ્ય સ્થાપકોમાં ઇંગ્લૅન્ડના માર્શલ, ફ્રાંસના વોલરા(સ), ઑસ્ટ્રિયાના મેંજર વગેરેનો સમાવેશ થાય છે. માર્શલે માગ-પુરવઠાના ખ્યાલોનો ઉપયોગ કરીને કોઈ એક વસ્તુની કિંમતની સમજૂતી આપી. તેના આધારે તેમણે કોઈ એક ઉદ્યોગ દ્વારા બજારમાં મૂકવામાં આવતા પુરવઠાનું વિશ્લેષણ કર્યું. વોલરાએ એકસાથે બધી જ વસ્તુઓ માટેના માગ-પુરવઠાની સર્વસામાન્ય સમતુલાનો વિચાર કર્યો અને તે માટેની ગાણિતિક શરતો દર્શાવી. કાર્લ મેંજરે આર્થિક સંગઠનના પાયાના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના અનુયાયીઓએ બજાર દ્વારા કામ કરતી આર્થિક સંસ્થાઓને ઘડવામાં ત્રેવડપૂર્વક વર્તવાનું લોકોનું વલણ કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તે દર્શાવ્યું. આ અર્થશાસ્ત્રીઓએ રિકાર્ડો અને મિલ જેવા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બાંધેલી ભૂમિકા પર રહીને અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને વિકસાવ્યા હોઈ તેમને નવપ્રશિષ્ટ  અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખવામાં આવે છે. જોકે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ પસંદ કરેલા પ્રશ્નો અને અપનાવેલા અભિગમને નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ ત્યજી દીધા છે એવી ટીકા પણ કેટલાક અર્થશાસ્ત્રીઓએ કરી છે.

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સીમાવર્તી ખ્યાલનો ઉપયોગ કરીને સીમાવર્તી વિશ્લેષણ વિકસાવ્યું. તેનો ઉદ્દેશ ચીજવસ્તુઓ, સેવાઓ અને ઉત્પાદનનાં સાધનોની કિંમતો તથા તેમાં થતા ફેરફારોની સમજૂતી આપવાનો હતો. આ સમજૂતી તેમણે સ્પર્ધાત્મક બજારોના સંદર્ભમાં આપી હતી.

અર્થતંત્રને વ્યક્તિગત ગ્રાહક અને પેઢી જેવા એકમલક્ષી ખ્યાલો દ્વારા સમજવાનો અભિગમ આ વિચારધારાની એક વિશેષતા છે. પોતાના લાભને તર્કબદ્ધ રીતે મહત્તમ કરવાની કોશિશ કરતી વ્યક્તિઓના વર્તન દ્વારા બજારમાં વસ્તુઓની કિંમતો નક્કી થાય છે એવું તેમનું પ્રતિપાદન તેમને પ્રશિષ્ટ અને કેઇન્સવાદી અર્થશાસ્ત્રીઓથી જુદા પાડે છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સમગ્ર અર્થતંત્રના લાંબા ગાળાના વિકાસના પ્રશ્નમાં રસ ધરાવતા હતા. તેમાં આર્થિક અધિશેષની વહેંચણી અને વિકાસની તરેહ ઉપર તેમણે સવિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ તેમના મૂલ્યના સિદ્ધાંત દ્વારા અર્થતંત્રમાં થતી સાધનોની ફાળવણીની કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જેમ ઓગણીસમી સદીના નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એમ માનતા હતા કે બજારમાં એવાં પરિબળો કામ કરે છે જે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીને ટકાવી રાખે છે. કેઇન્સના મંતવ્યથી આ મત તદ્દન જુદો પડે છે. કેઇન્સે એવું પ્રતિપાદન કર્યું હતું કે બજારનાં પરિબળોની કામગીરી છતાં અર્થતંત્રમાં ફરજિયાત બેકારી ઉદ્ભવી શકે અને ટકી શકે.

આધુનિક નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તેમની વિચારધારાના આદ્યસ્થાપકોના મધ્યવર્તી વિચારોના આધાર પર આગળ ચાલતા જણાય છે. તેનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે : વસ્તુનું મૂલ્ય તેના ઉત્પાદનખર્ચના આધારે નક્કી થાય છે એવા સિદ્ધાંતના સ્થાને તેમણે તુષ્ટિગુણ જેવા આત્મલક્ષી ખ્યાલ પર આધારિત મૂલ્યનો સિદ્ધાંત  રજૂ કર્યો, જેમાં વસ્તુની કિંમત માગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. રાષ્ટ્રીય આવકની વહેંચણી માટે તેમણે સીમાવર્તી ઉત્પાદકતાનો સિદ્ધાંત રજૂ કર્યો, જેણે આવકની વહેંચણી અર્થતંત્રની બહારનાં સામાજિક–રાજકીય પરિબળો દ્વારા નક્કી થાય છે એવા સિદ્ધાંતનું સ્થાન લીધું. અર્થતંત્ર વિવિધ વર્ગોનાં હિતો વચ્ચેના સંઘર્ષથી ગ્રસ્ત છે એવા સિદ્ધાંતના સ્થાને તેમણે વિવિધ વર્ગોનાં હિતો વચ્ચેની સંવાદિતા ઉપર ભાર મૂકયો.

નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની ચર્ચામાંથી કાર્યક્ષમતાનો જે ખ્યાલ ઉદ્ભવ્યો છે તે ટીકાને પાત્ર બન્યો છે. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મત પ્રમાણે જે આર્થિક નીતિઓથી ખર્ચની તુલનામાં લાભ વિશેષ થતા હોય તે કાર્યક્ષમ ગણાય. ખર્ચ અને લાભનું મૂલ્ય ગણવા માટે વસ્તુઓ અને સેવાઓની બજારમાં નક્કી થયેલી કિંમતોનો ઉપયોગ કરવો પડે છે. આ કિંમતો નક્કી કરવામાં ચીજો માટેની માગ મહત્ત્વનો ભાગ ભજવે છે, અને વસ્તુઓ માટેની માગ નક્કી કરવામાં લોકોને મળતી આવક એક નિર્ણાયક પરિબળ હોય છે. આમ આવકની વહેંચણી અગત્યનું પરિબળ બની રહે છે; પરંતુ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તેના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.

રમેશ ભા. શાહ