નવપ્રભાવવાદ (neo-impressionism) : પ્રભાવવાદે શોધેલા ચિત્ર-સિદ્ધાંતોના આધારે ઉદ્ભવેલી ફ્રેંચ ચિત્રકલાની ઝુંબેશ. તેમાં પ્રભાવવાદના સિદ્ધાંતોને એવી ચરમસીમાએ પહોંચાડવામાં આવ્યા છે કે નવપ્રભાવવાદ અને પ્રભાવવાદ વચ્ચે ભાગ્યે જ કોઈ સામ્ય જણાય. સર્શને નવપ્રભાવવાદના અગ્રણી ચિત્રકાર ગણી શકાય. આ ચિત્રશૈલીના નીતિનિયમો ઘણા ચોક્કસ અને ચુસ્ત છે અને એમાં સહજ અભિવ્યક્તિનું સ્થાન પછી આવે છે. આ શૈલીમાં ચાક્ષુષ મિશ્રણોની પદ્ધતિએ ચિત્રાલેખન કરવાની નેમ હોય છે. રંગોની મિલાવટ રંગદાની(pallet)માં નહિ કે કૅન્વાસ પર પણ નહિ; પણ દર્શકની આંખમાં થવી જોઈએ એમ તે ચિત્રકારો માને છે. તેથી લીલો રંગ દર્શાવવા રંગદાની પર કે કૅન્વાસ પર લીલો રંગ ન મૂકતાં ચિત્રમાં બે મૂળ રંગો(પીળો અને ભૂરો)નાં નાનાં નાનાં ટપકાં બાજુ બાજુમાં મૂકી દર્શકની આંખમાં નેત્રદર્પણ (retina) પર લીલો રંગ આપોઆપ ઊપસી આવે એવી નેમ હોય છે. પ્રભાવવાદે શુદ્ધ રંગો વાપરવાનો અતિ આગ્રહ રાખ્યો હતો તેનું આ આત્યંતિક પરિણામ લેખી શકાય. પ્રભાવવાદની માફક નવપ્રભાવવાદમાં પણ કાળો રંગ પૂર્ણતયા વર્જ્ય છે અને તેથી આ શૈલીનાં ચિત્રોમાં પડછાયા પણ રંગીન જોવા મળે છે. પણ સફેદતરફી રંગછાયાઓને વર્જ્ય નથી ગણવામાં આવી, તેથી રંગને આછો કરવા માટે ટપકાંમાં સફેદ ઉમેરી શકાય છે. ટપકાં વડે ચિત્ર કરવાની આ શૈલી ટપકાવાદ (pointilism) કે બિંદુવાદ (divisionism) જેવા નામે પણ ઓળખાતી. ટપકાં ખૂબ ગણતરી અને વિચારપૂર્વક મૂકવામાં આવતાં હોવાથી પ્રભાવવાદ જેવી સાહજિકતા અને અનાયાસ ઊપસતું પરિણામ તથા રંગલેપનની ત્વરા જેવી લાક્ષણિકતાઓ આ શૈલીમાં ન રહી.
સર્શે પૅરિસમાં સાલોં દ આર્તીસ્તે ઇન્દિપેન્દાંમાં ‘બાથર્સ ઍટ આસ્નીરે’ નામની ચિત્રકૃતિ પ્રદર્શિત કરી ત્યારે દુનિયાને સૌપ્રથમ વાર 1884માં નવપ્રભાવવાદી ચિત્ર જોવા મળ્યું. આ પછી નવપ્રભાવવાદના ત્રણ મહત્ત્વના ચિત્રકારો સર્શ, સિન્યૅક અને પિસારોએ 1886ના છેલ્લા પ્રભાવવાદી પ્રદર્શનમાં પોતાની ચિત્રકૃતિઓ પ્રદર્શિત કરી.
સિન્યૅકના મતે નવપ્રભાવવાદી ચિત્રસિદ્ધાંતો અનુસાર આ શૈલીમાં રંગોની ઝળહળતી તેજસ્વિતા, રંગસામંજસ્ય અને શુદ્ધ રંગોનો લાભ મળે છે, કારણ કે એમાં ચિત્રગત રંગો અને પ્રકાશના રંગોને અલગ તારવવામાં આવે છે. નવપ્રભાવવાદી ચિત્રો અમુક અંતરેથી જ અવલોકવાનાં હોય છે, કારણ કે અમુક અંતરેથી જ સપાટી પરનાં રંગનાં ટપકાંનું આંખોમાં યોગ્ય સંયોજન થવાથી અપેક્ષિત રંગછટા ઊપસી આવે. વૅન ગૉફ, પૉલ ગોગીં અને તૂલૂઝ લોટ્રકે પર પણ નવપ્રભાવવાદનો ઓછેવત્તે અંશે પ્રભાવ જોઈ શકાય છે. આધુનિક ભારતીય ચિત્રકલામાં શ્રીધર નારાયણ બેન્દ્રેએ નવપ્રભાવવાદી સિદ્ધાંતો અનુસાર ચિત્રો કર્યાં છે.
અમિતાભ મડિયા