નન્નેચોડ (સમય : 1080થી 1125) : તેલુગુના વીરશૈવ સંપ્રદાયના પ્રથમ કવિ. એ ઓસ્યુરુના સૂર્યવંશી ક્ષત્રિય રાજા હતા. એમને એમની કવિપ્રતિભાને લીધે ‘કવિરાજશિખામણિ’ તથા વીરતાને લીધે ‘ટેંકણાદિત્યુડુ’ની ઉપાધિ મળી હતી. એ સંસ્કૃતના પંડિત હતા. તેઓ એવા કવિ હતા કે તેમની કવિતામાં તેમણે કન્નડ અને તમિળ ભાષાના શબ્દો પ્રયોજ્યા હતા. એમણે શૈવમતના પ્રચાર માટે શિવવિષયક કાવ્ય ‘કુમારસંભવમુ’ રચ્યું હતું અને એ કાવ્ય અત્યંત લોકપ્રિય બન્યું હતું. એ કાવ્યમાં મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જ પ્રચલિત શિવ જોડે સંકળાયેલી કથાઓ સમાવાયેલી છે. નન્નેચોડના ‘કુમારસંભવમુ’ના બાર સર્ગોમાં સ્કંદપુરાણ, વાયુપુરાણ, બ્રહ્મપુરાણ વગેરેનો આધાર લેવાયો છે અને પ્રચલિત શિવકથાના બધા અંશો જેવા કે સતીનો જન્મ, ગુડાધીશનો જન્મ, દક્ષયજ્ઞની ઘટનાઓ, કામદહન, પાર્વતીની તપસ્યા, શિવ-પાર્વતીવિવાહ, કુમારજન્મ, તારકાસુરવધ – બધા પ્રસંગોને આવરી લેવાયા છે. પ્રત્યેક સર્ગની શરૂઆતમાં ઇષ્ટદેવની સ્તુતિ, પૂર્વકવિઓની પ્રશસ્તિ, કુકવિની નિંદા, ગ્રંથલેખકનો આત્મપરિચય અને અંતમાં ફલશ્રુતિ આપવામાં આવી હોય છે.

ચન્દ્રકાન્ત મહેતા