નરસિમ્હારાવ  પી. વી. (. 28 જૂન, 1921, લાકનેપલ્લી, વારંગલ, તેલંગાણા; અ. 23 ડિસેમ્બર, 2024, નવી દિલ્હી) :  દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારતરત્ન’થી સન્માનિત ભારતના નવમા પ્રધાનમંત્રી. દક્ષિણ ભારતમાંથી પ્રધાનમંત્રી બનેલા પ્રથમ અને બિનહિંદીભાષી રાજ્યોમાંથી પ્રધાનમંત્રી બનેલા બીજા પીઢ રાજકીય નેતા. વળી, નહેરુ-ગાંધી પરિવારની બહારની પ્રથમ વ્યક્તિ રાવ, જેમણે પ્રધાનમંત્રી તરીકે પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, ઇન્દિરા અને રાજીવ ગાંધીના કાર્યકાળમાં ગૃહ, વિદેશ અને સંરક્ષણ જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયો સંભાળનાર કૉંગ્રેસના પીઢ નેતા હતા.

17થી વધારે ભાષાઓના તેઓ જાણકાર હતા. જન્મ તેલુગુભાષી ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા સીતારામ રાવ અને માતા રુકમાબાઈ.

ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી અને નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદા શાખામાં અનુસ્નાતકની ઉપાધિ મેળવનાર રાવે 1930ના દાયકામાં વંદેમાતરમ્ અભિયાનમાં સામેલ થઈને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે રાજકીય સફરની શરૂઆત કરી હતી. 1957થી 1977 સુધી આંધ્રપ્રદેશમાં ધારાસભ્ય રહેલા રાવે 1971માં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનીને રાજ્યમાં ઐતિહાસિક જમીનસુધારાના કાયદાનો અમલ કડક રીતે કરાવ્યો હતો અને જમીનની ટોચમર્યાદા લાદી દીધી હતી. 1970ના દાયકાના અંતે કૉંગ્રેસની જૂની પેઢીના નેતાઓ સાથે છેડો ફાડીને પોતાની આગવી કૉંગ્રેસ બનાવનાર ઇન્દિરા ગાંધીને સાથ આપનાર રાવની ગણના ગાંધી પરિવારના વફાદારોમાં થતી હતી.

કટોકટી પછી મોરારજી દેસાઈની શંભુમેળાની સરકારની રચના થઈ હતી, જેનું પતન થયા પછી 1980માં ઇન્દિરા ગાંધીનું રાષ્ટ્રીય રાજકારણમાં જંગી બહુમતીથી સફળતાપૂર્વક પુનરાગમન થયું હતું. તેની સાથે રાવનો રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ થયો હતો અને તેઓ આંધ્રપ્રદેશના હનામકોંડામાંથી સાંસદ બન્યા હતા. જ્યારે રાજીવ ગાંધીએ શ્રીલંકામાં એલટીટીઇ સામે ભારતીય સૈન્ય મોકલવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે વિદેશમંત્રી તરીકે રાવે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. રાજીવ ગાંધીએ સલાહ કાને ન ધરી અને રાવની ધારણા સાચી પડી હતી. ભારતને મોટું નુકસાન થયું હતું અને રાજીવ ગાંધીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

1991માં રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્તિ લેવાની તૈયારી કરતા રાવને પ્રધાનમંત્રીનું પદ નસીબજોગે મળ્યું હતું એમ કહીએ તોપણ ચાલે. 1991ની લોકસભાની ચૂંટણીના પ્રચારમાં રાજીવ ગાંધીની હત્યા થયા પછી કૉંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી અને તેના નેતૃત્વમાં ગઠબંધન સરકારની રચના થઈ હતી. કૉંગ્રેસમાં અર્જુનસિંહ અને શરદ પવાર વચ્ચે પ્રધાનમંત્રી બનવાની રેસ ચાલતી હતી. તેમાં એક પણ જૂથ નમતું જોખવા તૈયાર નહોતું. છેવટે બંને જૂથે પી. વી. નરસિમ્હા રાવને પ્રધાનમંત્રી બનાવવાનો વચલો માર્ગ કાઢ્યો હતો. અર્જુનસિંહ અને શરદ પવાર બંનેનું માનવું હતું કે, કામચલાઉ ધોરણે આ જોગવાઈ કરીને પછી એકબીજાના જૂથના સાંસદોને તોડીને પોતે પ્રધાનમંત્રી બનવામાં સફળ થશે, પરંતુ એ બંનેની સરખામણીમાં વધારે બાહોશ, અનુભવી અને વિચક્ષણ રાવે પ્રધાનમંત્રી બનવાની સાથે અર્જુનસિંહને મધ્યપ્રદેશ અને શરદ પવારને મહારાષ્ટ્ર રવાના કરીને બંને જૂથની પાંખો કાપી નાંખી હતી અને પાંચ વર્ષનો પ્રધાનમંત્રીનો કાર્યકાળ શાંતિથી પૂર્ણ કર્યો હતો.

1991થી 1996 સુધીનો તેમનો કાર્યકાળ ‘ભારતીય અર્થતંત્રમાં પરિવર્તનકારક’ ગણાય છે. નાણામંત્રી મનમોહન સિંઘ સાથે રાવે દેશને સમાજવાદી નીતિઓ કે લાઇસન્સ રાજની બેડીઓમાંથી મુક્ત કરીને અર્થતંત્રનું ઉદારીકરણ કરવાનો માર્ગ મોકળો કરી દીધો હતો. ભારતીય આર્થિક ઇતિહાસને બે ભાગમાં વહેંચવામાં આવે છે – 1991 પૂર્વ સમાજવાદી ભારત અને 1991 પછી ઉદાર ભારત. ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણને પગલે મોટા પાયે મધ્યમવર્ગ ઊભો થયો હતો અને રાષ્ટ્રીય અર્થતંત્રને પોતાની સાચી સંભવિતતા હાંસલ કરવામાં મદદ મળી છે.

જોકે સામાજિક અને રાજકીય એમ બંને ક્ષેત્ર માટે રાવનો કાર્યકાળ ઊથલપાથલનો રહ્યો હતો. 1992માં તેમના જ કાર્યકાળમાં અયોધ્યામાં બાબરી ઢાંચાનું પતન થયું હતું અને પછી 1993ની શરૂઆતમાં દેશભરમાં મોટા પાયે કોમી તોફાનો થયાં હતાં. 1993માં જ મુંબઈમાં પહેલી વાર શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટો થયા હતા. ‘બિગબુલ’ હર્ષદ મહેતાનું કૌભાંડ પણ તેમના કાર્યકાળમાં જ બહાર આવ્યું હતું, જેમાં દેશના ઇતિહાસમાં પહેલી વાર પ્રધાનમંત્રી પર લાંચ લીધી હોવાનો સીધો આરોપ મૂકવામાં આવ્યો હતો.

1996 પછી રાજકારણમાંથી લગભગ સંન્યાસ લેનાર રાવનું હ્રદયરોગના હુમલાને લીધે દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં મૃત્યુ થયું હતું.

કેયૂર કોટક