નય્યર શફીઉદ્દીન (જ. 1903, આત્રોલી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1978, નવી દિલ્હી) : ઉર્દૂ લેખક, કવિ અને વાર્તાકાર. બાળપણમાં માબાપ ગુમાવતાં તેમણે દિલ્હીમાં ઉર્દૂ છાપાંના ફેરિયાનું કામ સ્વીકાર્યું. પાછળથી કેટલાક શિક્ષકોની મદદથી ઍંગ્લો-અરેબિક હાઈસ્કૂલમાં દાખલ થયા અને મેરિટ સ્કૉલરશિપ મળી. 15 વર્ષની વયે તેમનો એક લેખ ખ્યાતનામ લેખક અને પત્રકાર ખ્વાજા હસન નિઝામી દ્વારા સંપાદિત ‘રાય્યાત’માં પ્રસિદ્ધ થયો.
1920માં તેઓ મહાત્મા ગાંધી દ્વારા યોજાયેલ અસહકારની ચળવળમાં જોડાયા. સ્કૉલરશિપ પરત કરી અને શાળા છોડી. અલીગઢની જામિયા મિલિયા ઇસ્લામિયા સાથે સંલગ્ન દિલ્હીની આઝાદ ક્યૂમ દર્સગાહમાં જોડાયા, જામિયા જુનિયર એટલે મૅટ્રિકની પરીક્ષા પ્રથમ કક્ષામાં પાસ કરી. ત્યારબાદ પંજાબ યુનિવર્સિટી, લાહોરની ઑરિયેન્ટલ પરીક્ષા પણ વિશેષ યોગ્યતા સાથે પાસ કરી. 1925થી 1945 સુધી જુદી જુદી શાળા, હાઈસ્કૂલોમાં અધ્યાપનકાર્ય કર્યું. છેલ્લે 1956માં તેઓ જામિયા કૉલેજમાં પ્રાધ્યાપક નિમાયા અને ત્યાંથી 1969માં સેવાનિવૃત્ત થયા.
ઉર્દૂમાં બાળકો માટેના ગદ્ય અને પદ્યના લેખક તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. 1934માં તેમણે સૌપ્રથમ ‘બચ્ચોં કા તોહ્ફા’ નામક કાવ્યસંગ્રહ બે ભાગમાં પ્રગટ કર્યો. તેને કારણે મૌલાના હાલી મૌલવી મોહમ્મદ ઇસ્માઇલ, તિલોકચંદ મહરૂમ અને હમીદ ઉલ્લાહ અફસર જેવા શ્રેષ્ઠ લેખકોની હરોળમાં તેઓ સ્થાન પામ્યા. ઝાકિર હુસેનના કહેવાથી તેમણે ‘ગાલિબ કી કહાની’ નામનો પ્રખ્યાત ગ્રંથ આપ્યો. ‘હમારી જિંદગી’ ગ્રંથ માટે તેમને સરકારી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.
તેમણે 12થી વધુ કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમાં ‘બચ્ચોં કા ખિલૌના’ (1934), ‘ધી સક્કર’, ‘વતની નઝમેં’ (1945), ‘મુન્ની કે ગીત’, ‘ઇસ્લામી નઝમેં’, ‘હમારી નાત’, ‘તાલિમી-તોહ્ફા’, ‘હમારી જિંદગી’ વગેરે તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે.
5થી 14 વર્ષની વયજૂથનાં બાળકો માટે આશરે 40 વાર્તાસંગ્રહો તેમણે આપ્યા છે. સમગ્ર જીવન તેમણે બાળસાહિત્ય રચવા પાછળ વિતાવ્યું છે. તેમની લેખનશૈલી તેમના જીવન જેવી સરળ હતી. તેમનાં લખાણોમાં ત્રણ પેઢીને આવરી લેવામાં આવી છે. તેમનાં મોટા ભાગનાં દેશભક્તિનાં ગીતો આજે પણ સમગ્ર દેશમાં શાળાનાં બાળકો દ્વારા વંદના રૂપે ગવાય છે.
બળદેવભાઈ કનીજિયા