નમિસાધુ (ઈ. સ. 1050–1150 આશરે) : આચાર્ય રુદ્રટે રચેલા ‘કાવ્યાલંકાર’ નામના કાવ્યશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથ પરની ટીકાના લેખક. તેમનું બીજું નામ નમિપંડિત છે. તેઓ શ્વેતાંબર જૈન હતા એવું સૂચન તેમના નામની આગળ મૂકવામાં આવેલા ‘શ્વેતભિક્ષુ’ એવા શબ્દ વડે મળે છે. તેઓ શાલિભદ્રસૂરિ નામના ગુરુના શિષ્ય હતા એવો નિર્દેશ તેમણે પોતે જ કર્યો છે. ‘ષડાવશ્યકસૂત્ર’ પરની ટીકામાં લેખક આ જ ગુરુનો શાલિસૂરિ એવા નામથી નિર્દેશ કરે છે. પરિણામે ગુરુ શાલિભદ્રસૂરિની પરંપરા મુજબ તેઓ થારાપદ્ર નામના નગરના ગચ્છના જૈન સાધુ હતા એમ પણ તેઓ કહે છે. નમિસાધુ જિનપ્રભસૂરિના ગુરુભાઈ હતા, કારણ કે જિનપ્રભસૂરિ પણ શાલિભદ્રસૂરિના શિષ્ય હતા. જિનપ્રભસૂરિ 1148માં પોતાની એક રચના કરી હોવાનો નિર્દેશ કરે છે તે નમિસાધુનો સમય 1050 થી 1150 સુધીના ગાળામાં નક્કી કરી આપે છે.
વળી રુદ્રટના કાવ્યાલંકાર પરની ટીકા 1069માં લખી છે એમ ટીકાને અંતે નમિસાધુ પોતે જ કહે છે તે પણ તેમના ઉપર જણાવેલા જીવનકાળને જ પુષ્ટિ આપે છે. પ્રસ્તુત ટીકામાં તેમણે શબ્દેશબ્દની સમજૂતી આપી છે તથા ભરત, મેધાવિરુદ્ર, ભામહ, દંડી, વામન, ઉદ્ભટનો નિર્દેશ તેઓ કરે છે. ‘જયદેવચ્છંદસ્’ નામના છંદશાસ્ત્રના ગ્રંથોનો નિર્દેશ તેમણે કર્યો છે. વળી આનંદવર્ધનના ‘અર્જુનચરિત’ અને ધનપાલની ‘તિલકમંજરી’માંથી ઉદ્ધરણો આપ્યાં છે. હરિ નામના લેખકે આઠ વૃત્તિઓ માની છે એવો ઉલ્લેખ સર્વપ્રથમ કરવાનું માન નમિસાધુ મેળવી જાય છે. રુદ્રટના ‘કાવ્યાલંકાર’ અને ‘ષડાવશ્યકસૂત્ર’ પરની ટીકાના લેખક હોવા છતાં નમિસાધુએ સ્વતંત્ર ગ્રંથ રચનાર લેખક જેટલી જ કીર્તિ મેળવી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી