નફો : માલની ખરીદકિંમત અથવા ઉત્પાદન-ખર્ચ તથા વેચાણકિંમત વચ્ચેનો તફાવત. સામાન્ય વ્યવહારમાં હિસાબનીસો નફાની ગણતરી જે રીતે કરે છે તેની સમજૂતી આ રીતે આપી શકાય : માલની પડતર-કિંમત તથા વેચાણકિંમત વચ્ચેના તફાવતને નફો ગણવામાં આવે છે. જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં વધારે હોય તો નફો થાય છે એમ કહેવાય અને જો વેચાણકિંમત પડતરકિંમત કરતાં ઓછી હોય તો નુકસાન જાય છે (નફો ઋણ છે) એમ કહેવાય. નફાને કાચો નફો (gross profits) અને શુદ્ધ નફો (net profit) એમ બે રીતે દર્શાવવામાં આવે છે. વસ્તુની પડતરકિંમતને તેની વેચાણકિંમતમાંથી બાદ કર્યા પછી જે શેષ રહે તેને કાચો નફો કહેવામાં આવે છે. આવી પડતરકિંમતમાં ઉત્પાદન માટેના કાચા માલની ખરીદકિંમત મજૂરી, બળતણ વગેરેનો સમાવેશ થાય છે. આ પડતરકિંમતમાં એવા જ ખર્ચનો સમાવેશ કરવામાં આવે છે જે ઉત્પાદનના વધવાની સાથે વધે છે. અર્થશાસ્ત્રમાં તેને અસ્થિરખર્ચ કહેવામાં આવે છે. કાચા નફામાંથી વહીવટી ખર્ચ, વેચાણખર્ચ, ઘસારાખર્ચ અને અન્ય કેટલીક કપાતો બાદ કરતાં જે શેષ રહે તેને શુદ્ધ નફો કહેવામાં આવે છે. ઉત્પાદિત એકમદીઠ કાચા/શુદ્ધ નફાને વેચાણકિંમત સાથે સરખાવીને કાચા/શુદ્ધ નફાનો ગુણોત્તર મેળવી શકાય છે. આ ગુણોત્તરની વધઘટના વિશ્લેષણના આધારે પેઢીની નફાકારકતા વધી રહી છે કે ઘટી રહી છે તેની જાણકારી મેળવી શકાય છે.
અર્થશાસ્ત્રમાં પેઢીને મળતા નફાને થોડી જુદી રીતે જોવામાં આવે છે. હિસાબી ગણતરીમાં પેઢીને મળેલા વકરામાંથી ઉત્પાદન માટે પેઢીએ નાણાં ચૂકવીને કરેલા ખર્ચને બાદ કર્યા પછી શેષ રહે તેને નફો ગણવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં ઉત્પાદનખર્ચના ખ્યાલને વિસ્તારી તેમાં આરોપિત અથવા વૈકલ્પિક ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવે છે; દા. ત., પેઢી જો પોતાના જ મકાનમાં ઉત્પાદનકાર્ય કરતી હોય તો તેને મકાનભાડા રૂપે નાણાં ચૂકવવાં પડતાં નથી, તેથી હિસાબી ગણતરીમાં પેઢીના ઉત્પાદનખર્ચમાં ભાડાના ખર્ચનો સમાવેશ થશે નહિ, પરંતુ અર્થશાસ્ત્રના દૃષ્ટિબિંદુથી પેઢી પોતાનું મકાન ભાડે આપીને જ ભાડું મેળવી શકે તેનો સમાવેશ ઉત્પાદનખર્ચમાં કરવો પડે. એ જ રીતે પેઢીના માલિકોએ પોતાની જે મૂડી રોકી હોય તેના પર વ્યાજ ચૂકવવાનું ન હોવા છતાં એ મૂડી પર બજારના વ્યાજના દરે વ્યાજ ગણીને તેનો સમાવેશ ઉત્પાદનખર્ચમાં કરવો પડે. ટૂંકમાં, ઉત્પાદનપ્રવૃત્તિ માટે પેઢીએ જે નિક્ષેપો (inputs) રોક્યા હોય તેના નાણાકીય અને વૈકલ્પિક ખર્ચને પેઢીની કુલ આવક(વકરા)માંથી બાદ કર્યા પછી જે શેષ રહે તે અર્થશાસ્ત્રની પરિભાષામાં નફો ગણાય. આમ હિસાબનીસે ગણેલા નફાની તુલનામાં અર્થશાસ્ત્રીય દૃષ્ટિબિંદુથી ગણવામાં આવેલો નફો સામાન્ય રીતે ઓછો હોય છે.
અરૂક્ષા મ. શાહ
ભાઈલાલભાઈ ઠક્કર
રમેશ ભા. શાહ