નદી કે દ્વીપ (1951) : હિંદી સાહિત્યકાર અજ્ઞેયની બહુચર્ચિત નવલકથા. તેમાં મધ્યમવર્ગનાં પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ દ્વારા સ્ત્રી-પુરુષના સંબંધોને માનસિક પ્રેમની ભૂમિકાએ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં માનવજીવનને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો જેવા કે વિવાહ, સાધના, જીવનમાં પરિવારનું મહત્ત્વ, પરિવાર અને વ્યક્તિનું પારસ્પરિક મહત્ત્વ પ્રેમ, ઈર્ષા, મિત્રતા, સભ્યતા વગેરેની છણાવટ કરવામાં આવી છે. નવલકથાનાં પાત્રોમાંથી રેખા-ભુવન, ભુવન-ગૌરા, રેખા-ગૌરાના પરસ્પર સંબંધોના વિવરણ દ્વારા આદર્શ સમાજની જીવંત ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે. આ નવલકથા આધુનિક યુગની કરુણતાનું પ્રતીક છે; તેમાં મૂલ્યનિષ્ઠા તથા ધનલિપ્સા એ બંનેની વ્યર્થતાની તીવ્ર માનવીય પીડાનું ચિત્ર ઊપસી આવે છે તેમ છતાં જીવનના શુભતત્વ પ્રત્યે લેખક દૃઢ આસ્થા ધરાવે છે.
નવલકથાનાં બધાં જ પાત્રો મધ્યમવર્ગના શિક્ષિત, નોકરિયાત વર્ગનાં છે અને તેઓ જીવનની વ્યક્તિગત સમસ્યાઓ સાથે સંબંધ ધરાવે છે. તેનાં ત્રણ પાત્રો – ભુવન, રેખા અને ગૌરા અપ્રતિમ બુદ્ધિમત્તા ધરાવે છે. ત્રણે સંગીતપારખુ તથા કલાપ્રેમી છે. ભુવન વૈજ્ઞાનિક છે; તે શિષ્ટાચારી, સંકોચશીલ તથા ચિંતનશીલ વ્યક્તિ છે. જીવનના અનુભવોથી ઘડાયેલી રેખા વધુ પુખ્ત લાગે છે. બંનેના વ્યક્તિત્વમાં ચિંતનશીલતા, અંતર્મુખતા, સંયમ તથા આત્મીયતાનાં સમાન લક્ષણો છે. તેમ છતાં જીવનની ભિન્ન ભિન્ન સ્થિતિ અને અનુભવોને કારણે બંનેમાં નોંધપાત્ર તફાવત છે. ગૌરા શાલીન, શિષ્ટ, વિનમ્ર, સ્વતંત્ર વિચારશક્તિ અને નિર્ણયશક્તિ ધરાવતી જાગ્રત નારી છે.
કલાત્મક સંયમ તથા લાઘવ આ નવલકથાનાં મુખ્ય લક્ષણ છે. તે એક ઉચ્ચ કોટિની સાહિત્યકૃતિ ગણાય છે.
ગીતા જૈન
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે