નદીજન્ય નિક્ષેપ (fluviatile deposits) : નદીની વહનક્રિયા દ્વારા સ્થાનાંતરિત થતો રહીને નદીપથનાં અનુકૂળ સ્થાનોમાં જમાવટ પામતો દ્રવ્યજથ્થો. નદીઓ દ્વારા થતી નિક્ષેપક્રિયા માટે મુખ્યત્વે ત્રણ પરિબળો જવાબદાર ગણાય છે : જળપ્રવાહથી ઉદ્ભવતી શક્તિ, નદીપટ અને પથમાં થતું રહેતું પરિવર્તન અને નદી-અવસ્થા. નદીના જળપ્રવાહની ગતિ અને જળજથ્થાનું પ્રમાણ ઘટી જાય તો વહનક્ષમતા ઘટે છે, પરિણામે નિક્ષેપજમાવટ થાય છે. જળપ્રવહનમાર્ગમાં વળાંકો ઉદ્ભવે તોપણ પ્રવાહગતિ ઓછી થાય છે અને નિક્ષેપક્રિયાને વેગ મળે છે. સમય વીતવાની સાથે સાથે નદીની ઘસારાની તેમજ વહનની ક્રિયાશીલતા ક્ષીણ થતી જાય છે, જેને કારણે નિક્ષેપવૃદ્ધિ થાય છે. આ ઉપરાંત, નદીપટની પહોળાઈ વધવાથી, ઝડપી ખડકખવાણ કે ખડકપાત થવાથી, જ્વાળામુખીભસ્મ જેવી પેદાશો મળી રહેવાથી, બાષ્પીભવન કે શોષણ થવાથી, વનસ્પતિની જમીનપકડ ઓછી થવાથી પણ નિક્ષેપજમાવટને વેગ મળી રહે છે.

નિક્ષેપના પ્રકારો : નદીજન્ય નિક્ષેપો સામાન્ય રીતે કાંપ તરીકે જાણીતા છે. નદીપથના સ્થાનભેદે જમાવટ પામતા નિક્ષેપોના આકારો, કદ અને ઉત્પત્તિસ્થિતિમાં વિવિધતા જોવા મળે છે. નદીજન્ય નિક્ષેપોના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે : 1. પંખાકાર કાંપ, 2. નદીપટ નિક્ષેપો : તટબંધનિક્ષેપો (levees), ગુંફિત ઝરણાં, 3. પૂરનાં મેદાનો, 4. ત્રિકોણપ્રદેશો.

તટબંધ નિક્ષેપો : નદીકાંઠાની ધાર પર જમાવટ પામતો નિક્ષેપ. નદીમાં જ્યારે જ્યારે પૂર આવે ત્યારે ત્યારે જળસપાટી ઊંચી આવે છે, ક્યારેક કાંઠાને વટાવીને પૂરનાં પાણી બંને બાજુ પ્રસરી જતાં હોય છે. પૂર સાથે ખેંચાઈ આવતો બોજ નદીતળ ઉપરાંત કાંઠાઓની બહાર તરફ પણ જામે છે. પૂર ઓસરતાં કાંપ-જમાવટ ત્યાં જ રહે છે. વખતોવખત આવતાં પૂર કાંઠાની ધારને ઊંચી બનાવે છે અને બહાર તરફ અમુક અંતર સુધી થર રચે છે. કાંઠાની ધારે ધારે આ રીતે જમાવટ પામેલો નિક્ષેપ દીવાલ જેવું સ્થળદૃશ્ય રચે છે. આ પ્રકારની જમાવટ તટબંધ નિક્ષેપ તરીકે ઓળખાય છે. ક્યારેક પૂરપ્રવાહના વધુ પડતા વેગને કારણે આ દીવાલો તૂટી પણ પડે છે. આવા તટબંધની ધારો કિનારા પાસે જાડાઈવાળી અને બહાર તરફ પાતળી બનતી હોય છે. ઉત્તર ઇટાલીની પો નદીએ રચેલો તટબંધ આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ છે. તેને પૂરનાં મેદાનોના નિક્ષેપપ્રકાર તરીકે પણ ઘટાવી શકાય.

પૂરનાં મેદાનો (flood plains or alluvial plains) : નદીઓમાં વર્ષાઋતુકાળ દરમિયાન (તેમજ હિમાચ્છાદિત પર્વતપ્રદેશોમાંથી નીકળતી નદીઓમાં ઉનાળામાં બરફ ઓગળવાથી) પૂર આવતાં હોય છે. નદીઓનાં ખીણથાળાંમાં જળસપાટી વધે છે, ક્યારેક તો આજુબાજુના વિસ્તારોમાં પણ પૂરનાં પાણી પ્રસરી જાય છે. પૂરની સાથે વિપુલ પ્રમાણમાં બોજ પણ ખેંચાઈ આવે છે. પૂર ઓસરતાં બોજની જમાવટ થાય છે. પર્વતોના તળેટીપ્રદેશથી માંડીને ત્રિકોણપ્રદેશ સુધીનો સળંગ નદીપથ સંજોગ અનુસાર નિક્ષેપક્રિયાની અસર હેઠળ આવે છે. નદીપથને સમાંતર ઓછીવત્તી જાડાઈ અને પહોળાઈમાં થતી આ પ્રકારની કાંપજમાવટને કાંપનાં અથવા પૂરનાં મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાભરની મોટી ગણાતી નદીઓએ આ પ્રકારનાં પૂરનાં મેદાનો રચેલાં છે. નાઇલ નદીએ આસ્વાન બંધથી તેના ત્રિકોણપ્રદેશ સુધીની 1,120 કિમી. લંબાઈના નદીપથને પૂરના મેદાનથી આવરી લીધેલો છે. ઇજિપ્તની ગીચ વસ્તી આ મેદાનોને આભારી છે. મિસિસિપીનો હેઠવાસનો 200 કિમી.ની લંબાઈનો ભાગ પૂરનાં મેદાનોથી આચ્છાદિત છે. ચીન, ઉત્તર ભારત, મેસોપોટેમિયા વગેરેની સિયાન, સિંધુ-ગંગા, ટાઇગ્રીસ-યુફ્રેટીસ અને નાઇલની સંસ્કૃતિ, ખેતીયોગ્ય જમીનો અને જળભંડારો પૂરનાં મેદાનોને આભારી છે.

પર્વત-તળેટીમાં પંખાકાર કાંપ

પંખાકાર કાંપ (Alluvial fan) : પર્વતને છોડીને તળેટીમાં પ્રવેશતી નદી દ્વારા જમા થતો કાંપનો શંકુઆકાર નિક્ષેપ જથ્થો. તળેટીમાં નીકળી આવતી નદીના પ્રવહનમાર્ગનો ઢોળાવ અને જલવેગ એકાએક ઘટી જાય છે, તેથી કાંપને જમા થવા માટેની અનુકૂળતા ઊભી થાય છે. પર્વતોના ઊંચાઈવાળા ભાગોમાંથી વહી આવતી વધુ વેગવાળી નદી જ્યારે તળેટીવિસ્તારમાં કે નજીકના મેદાની વિસ્તારમાં અન્ય કોઈ ઘણા ઓછા વેગવાળી નદીને મળે ત્યારે પણ તેમના સંગમસ્થાનથી ઉપરવાસમાં શંકુઆકાર કાંપની જમાવટ થાય છે. તેનો શિખાગ્રભાગ પર્વતતરફી અને પહોળો ભાગ મેદાનતરફી હોય છે. ટોચભાગમાં કાંપની જાડાઈ વધુ અને તળેટીભાગમાં ઘણી ઓછી હોય છે. આ પ્રકારના કાંપજથ્થાનો આકાર પંખા જેવો હોવાથી ‘પંખાકાર કાંપ’ નામ પડેલું છે. સમય જતાં, નજીક નજીકના આવા પંખાકાર કાંપ સતત થતી રહેતી જમાવટથી જોડાતા જાય છે, જેમાંથી પંખાકાર કાંપનો સમૂહ રચાય છે. તેમને પંખાકાર કાંપસમૂહ તરીકે ઓળખાવાય છે. હિમાલયની તળેટીની ટેકરીઓની બાહ્ય કિનારીઓ પર મેદાનોના સંપર્કમાં આવતા ઉગ્ર ઢોળાવવાળા ગ્રૅવલના ઢાળનિક્ષેપો પંખાકાર કાંપને મળતા આવે છે.

ગુંફિત ઝરણાં : સર્પાકારે ગૂંચવાયેલાં, વાંકાંચૂકાં, લાંબાંટૂંકાં દોરીઓની જેમ વિભાજિત થતાં અને ફરીથી ભેગાં થતાં, આંતરગૂંથણી રચતાં જળપ્રવહનપથથી બનેલાં ઝરણાં કે નદીઓ. જળવિભાજનનું આ પ્રકારનું દૃશ્ય સામાન્ય રીતે નદીની મેદાની અવસ્થામાં જોવા મળતું હોય છે. ઝરણાંના કે નદીના માર્ગો વચ્ચે કાંપ-જમાવટથી રચાતા અવરોધોને કારણે ત્યાંનો સ્થાનિક જળવહનમાર્ગ બદલાતો જાય છે. જળ સાથે વહી આવતો કાંપ સરળતાથી આગળ ધપી શકતો નથી. પરિણામે આડશોની આંતરગૂંથણી ઉદ્ભવે છે. અવરોધોને કારણે વહેતું જળ સર્પાકારે પોતાના માર્ગો રચતું જાય છે, વખતોવખત જળવિભાજન થતું રહે છે, આગળ વહી ફરીથી ભેગું પણ થાય છે. આ રીતે જળવહનની અને આડશોની આંતરગૂંથણીનું દૃશ્ય રચાય છે.

આ પ્રકારની કાંપજમાવટો પર ક્યારેક અનુકૂળ સંજોગો મળે તો વનસ્પતિ પણ ઊગી નીકળે છે. પૂર આવે ત્યારે આંતરગૂંથણી બદલાઈ જાય છે. પૂર ઓસરી જતાં ફરીથી આંતરગૂંથણી થઈ શકે છે.

ત્રિકોણપ્રદેશ : નદીમુખની આજુબાજુના ભૂમિભાગ પર જળવહન સાથે ખેંચાઈ આવતા કાંપથી રચાતી ત્રિકોણાકાર વિભાજિત જમાવટ. નદીનાં જળ સમુદ્રમાં આવી મળે ત્યારે ત્યારે પ્રવાહની ગતિ અવરોધાય છે. જળસહિત ખેંચાઈ આવતો કાંપ નદીમુખની આજુબાજુ પથરાતો જાય છે. રોજબરોજની આ એકધારી ક્રિયાને પરિણામે એકઠો થતો જતો કાંપ ક્રમે ક્રમે વિસ્તરતો જાય છે. અહીં નદીની ઘસારા કે વહનક્રિયાની ક્ષમતા ઘટી ગઈ હોય છે, માત્ર જમાવટ જ થાય છે. ઠલવાતો જતો કાંપજથ્થો જળપ્રવાહની સપાટીથી ઊંચો આવે ત્યારે પાછળના પાણીના ભરાવાથી કપાતો જઈ શાખા-પ્રશાખાઓમાં વહેંચાઈ જાય છે. કાંપરચનાનું માળખું ક્રમશ: વિસ્તરતું જઈ ત્રિકોણાકાર દૃશ્ય ઊભું કરે છે. તેનો શિખાગ્ર ભાગ ભૂમિ તરફ અને પહોળો ભાગ સમુદ્ર તરફ હોય છે. નદીની કાંપવહનક્ષમતા અનુસાર રચાતા ત્રિકોણપ્રદેશનો વ્યાપ થોડાથી વધુ કિલોમીટરની ત્રિજ્યાવાળો હોઈ શકે છે. કાંપના થરની જાડાઈ પણ ઘણા મીટરની હોય છે; તેમ છતાં ત્યાં થતી વર્ષાના પ્રમાણ અને જોસ મુજબ ઉપરનાં પડ ધોવાઈ પણ જાય છે, જેની પૂરણી ફરી પાછી થઈ જતી હોય છે.

ત્રિકોણપ્રદેશની રચના સાથે ક્યારેક વચ્ચે વચ્ચે નાનાં નાનાં ખાડીસરોવરો પણ રચાતાં હોય છે. ક્યાંક કળણ કે પંકવિસ્તારો રચાતા હોય છે. ક્યારેક ગુંફિત ઝરણાં જેવું દૃશ્ય ઊભું થતું હોય છે. ગંગા-બ્રહ્મપુત્રનો ત્રિકોણપ્રદેશ આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના કિનારાનો 75,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. કૉલકાતા નજીક તૈયાર થયેલો સુંદરવન વિભાગ ત્રિકોણપ્રદેશનું વિશિષ્ટ દૃશ્ય રજૂ કરે છે. ઇરાવતી, સિંધુ, નાઇલ, મિસિસિપી તથા ઍમેઝોનના ત્રિકોણપ્રદેશો દુનિયાભરમાં જાણીતા છે.

ગિરીશભાઈ પંડ્યા